નોવાક જોકોવિચ : વિશ્વના નંબર વન ખેલાડીએ મૂરખ જેવું વર્તન કેમ કર્યુ

વિશ્વનો નંબર વન ટેનિસ (Tennis) ખેલાડી (Player) નોવાક જોકોવિચ (Novak Djokovic) પોતાની રમતમાં જેટલો પાવરધો છે એટલો કદાચ વ્યવહારુ જીવનમાં નથી, જો તે વ્યવહારુ જીવનમાં એટલો પાવરધો હોત તો ઓસ્ટ્રેલિયામાં (Australia) તેની સાથે જે કંઇ પણ થયું તે થયું ન હોત અને ઓસ્ટ્રેલિયા જતાં પહેલા જ તેણે એવા પારોઠના પગલાં ભર્યા હોત કે જેનાથી ઓસ્ટ્રેલિયામાંથી ડિપોર્ટ થવાની તેને નોબત જ ન આવી હોત. જોકોવિચને પહેલાથી જ ખબર હતી કે ઓસ્ટ્રેલિયામાં કોરોના પ્રોટોકોલ અને વેક્સીન સંબંધી નિયમો ઘણાં કડક છે અને તેમાં તેઓ કોઇ બાંધછોડ કરતા નથી. તે છતાં તે વેક્સીન (Vaccine) લીધા વગર પોતાની શરતે ત્યાં ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open) રમવા પહોંચી ગયો. કદાચ તેણે એવું વિચાર્યું હશે કે તે નંબર વન ટેનિસ ખેલાડી છે અને ગત વર્ષનો ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન છે એટલે તેના માટે ત્યાંના સત્તાધીશો થોડી બાંધછોડ કરી લેશે. જો કે આવું વિચારીને તે પોતે જ મુરખ ઠર્યો છે અને આજે સ્થિતિ એ છે કે વિશ્વભરમાં મોટાભાગના લોકો તેની હાંસી ઉડાવી રહ્યા છે અને કેટલાક તો ઉઘાડછોગ તેને મૂરખ ગણાવી રહ્યા છે.

જોકોવિચે પોતાના ડિપોર્ટેશન સામે દાખલ કરેલી અપીલને રવિવારે ઓસ્ટ્રેલિયાની એક કોર્ટે ફગાવી દીધા પછી ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવાની તેની આશાઓનો અંત આવી ગયો હતો. રવિવારે સાંજે તેણે ભારે હૈયૈ ઓસ્ટ્રેલિયા છોડ્યું હતું. ફેડરલ કોર્ટના ત્રણ જજોએ વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડીના વિઝાને જનહિતના આધારે રદ કરવાના ઇમિગ્રેશન મંત્રીએ શુક્રવારે લીધેલા નિર્ણયને યથાવત રાખ્યો હતો. ફેડરલ કોર્ટના ત્રણ જજે સર્વસંમતિથી વિઝા રદ કરવાના ઇમિગ્રેશન મંત્રીના નિર્ણયને જાળવી રાખ્યા પછી જોકોવિચે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે હું મારા વિઝા રદ કરવાના મંત્રીના નિર્ણયની ન્યાયિક સમીક્ષા માટેની મારી અપીલને ફગાવી દેવાના કોર્ટના ચુકાદાથી ઘણો નિરાશ છું. જેનો સીધો અર્થ છે કે હવે હું ઓસ્ટ્રેલિયામાં નહીં રહી શકું અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ નહીં લઇ શકું. જોકોવિચ રવિવારે જ ઓસ્ટ્રેલિયાથી દુબઇ જવા રવાના થયો હતો અને તે પછી સોમવારે સવારે દુબઇના માર્ગે સર્બિયા રવાના થઇ ગયો હતો. કોરોના વિરોધી રસીકરણ ન કરવાના કારણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે પોતાના ટાઇટલનો બચાવ કરવા ઉતરી શક્યો નહોતો.

મેલબોર્નથી અમિરાતના વિમાનમાં સાડા તેર કલાકની મુસાફરી કરીને તે દુબઇ પહોંચ્યો હતો અને તે પછી ત્યાંથી તે સર્બિયાના પાટનગર બેલગ્રેડની ફ્લાઇટમાં બેસતો જોવા મળ્યો હતો. દુબઇમાં મુસાફરો માટે રસીકરણ ફરજિયાત નથી પણ તેમણે ફ્લાઇટમાં બેસતા પહેલા નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ બતાવવો જરૂરી છે. 9 વારનો ઓસ્ટ્રેલિયન ઓપન અને 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ વિજેતા જોકોવિચના વિઝા ઓસ્ટ્રેલિયામાં બે વાર રદ કરાયા હતા. પહેલીવાર વિઝા રદ થતાં તેણે કોર્ટમાં અપીલ કરતાં કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જો કે બીજીવાર ફેડરલ કોર્ટના ત્રણ જજની બેન્ચે તેની વિરૂદ્ધમાં ચુકાદો આપતા તેણે ત્યાંથી રવાના થવાનો વારો આવ્યો હતો.
કોરોના વિરોધી રસી ન લેવાના કારણે ઓસ્ટ્રેલિયાથી ડિપોર્ટ થયેલો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાના ટાઇટલનો બચાવ કરવા માટે રમી શક્યો નથી અને હવે ફ્રેન્ચ ઓપન રમવા સામે પણ શંકા સેવાઇ રહી છે. ફ્રાન્સમાં પણ વેક્સીન બાબતે એક નવો કાયદો બન્યો છે. તે અનુસાર વેક્સીન લેનારા લોકો જ જાહેર સ્થળે જઇ શકશે. આ સ્થિતિમાં અત્યાર સુધી કોરોના વેક્સીન ન લેનાર જોકોવિચ એ ગ્રાન્ડસ્લેમ પણ ગુમાવી શકે છે. ફ્રાન્સના રમત મંત્રાલયે સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે વેકસીન સંબંધિત નવા કાયદામાંથી કોઇને પણ છુટ નહીં મળે અને આ નિયમ સામાન્ય લોકોની સાથે જ પ્રોફેશનલ ખેલાડીઓ પર પણ લાગુ થશે.

હવે કોરોના વેક્સીન બાબતે વિશ્વના અલગઅલગ દેશોએ કાયદા બનાવવાના શરૂ કરી દીધી છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના શ્રેષ્ઠતમ પ્રદર્શન વડે ટેનિસ જગત પર પોતાનું એકચક્રી શાસન સ્થાપિત કરનારા જોકોવિચે કોરોના વેક્સીન બાબતે પોતાના વલણને બદલવાની જરૂર છે. વેક્સીન ન મુકાવવા પાછળનું કારણ શું છે તે જોકોવિચે જાહેર કર્યું નથી અને જો વેક્સીન સામેની તેની વિચારસરણી આવી જ રહેશે તો આ એક નાનકડો મુદ્દો તેના માટે મોટી મુશ્કેલી બની શકે છે. આમ ભલે આ વાત માત્ર એક સમાચાર હોય પણ જોકોવિચ જેવા ખેલાડીની ટેનિસ કેરિયરનો જે ઝળહળાટ છે તેને એ ઝાંખપ લગાડી શકે છે. જે મુકામ સુધી પહોંચવા માટે જોકોવિચે દશકા સુધી જે મહેનત કરી છે તેને આ નાનકડો મુદ્દો ઘુળમાં મેળવી શકે છે અને 20 ગ્રાન્ડસ્લેમ સહિત કુલ 84 ટાઇટલ જીતનારા જોકોવિચની ગણના મૂરખ તરીકે થવા માંડી છે ત્યારે તેણે ચેતી જવાની જરૂર છે.

Most Popular

To Top