Sports

સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને હરાવી લગાવ્યો જીતનો ચોગ્ગો

નવી મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે રવિવારે (Sunday) ડબલ હેડરની પહેલી મેચમાં (Match) પંજાબ કિંગ્સે લિવયામ લિવિંગસ્ટોનની અર્ધસદીની મદદથી મુકેલા 152 રનના લક્ષ્યાંકને સનરાઇઝર્સ હૈદરાબાદે એડન માર્કરમ અને નિકોલસ પૂરન વચ્ચેની ચોથી વિકેટની 75 રનની ભાગીદારીની મદદથી 18.5 ઓવરમાં જ 3 વિકેટના ભોગે કબજે કરીને મેચ 7 વિકેટે જીતવા સાથે આઇપીએલની (IPL) હાલની સિઝનમાં જીતનો ચોગ્ગો ફટકાર્યો હતો.

  • પંજાબ કિંગ્સ વતી લિવિંગસ્ટોને અર્ધસદી ફટકારવા ઉપરાંત શાહરૂખ સાથે અર્ધશતકીય ભાગીદારી કરીને સ્કોર 151 સુધી પહોંચાડ્યો
  • એડન માર્કરમ અને નિકોલસ પૂરને મળીને 75 રનની ભાગીદારીના પ્રતાપે સનરાઇઝર્સ હૈદરાબાદ 7 બોલ બાકી રાખીને 7 વિકેટે જીત્યું

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી સનરાઇઝર્સને શરૂઆતમાં જ કેપ્ટન કેન વિલિયમ્સન આઉટ થઇ જતાં મોટો ફટકો પડ્યો હતો. જો કે તે પછી અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠીએ મળીને 48 રનની ભાગીદારી કરીને ટીમને થોડી સ્થિરતા આપી હતી. પણ ટીમનો સ્કોર 77 પર પહોંચ્યો ત્યાં સુધીમાં બંને પેવેલિયન ભેગા થઇ ગયા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદને તે પછી જો કે માર્કરમ અને પૂરન મળીને જીત સુધી દોરી ગયા હતા. માર્કરમે 27 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 41 જ્યારે પૂરન 30 બોલમાં 1 ચોગ્ગો અને એક છગ્ગા સાથે 35 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત યોગ્ય રહી નહોતી અને 61 રનના સ્કોર સુધીમાં તેમણે ટોપ ઓર્ડરની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. લિયામ લિવિંગસ્ટોન અને શાહરૂખ ખાનની વચ્ચે તે પછી 69 રનની ભાગીદારી થઇ હતી. શાહરૂખ 26 અને લિવિંગસ્ટોન 60 રન કરીને આઉટ થયો હતો. 20મી ઓવર ઉમરાન મલિકે મેડન ફેંકવાની સાથે જ એ ઓવરમાં તેણે સ્મિથ, ચાહર અને વૈભવની વિકેટ ખેરવી હતી અને તે પછી એ ઓવરના અંતિમ બોલે અર્શદીપ રનઆઉટ થતાં 151 રનના સ્કોરે જ તેમનો દાવ સમેટાયો હતો. ઉમરાને 4 જ્યારે ભુવનેશ્વરે 3 વિકેટ ઉપાડી હતી. નટરાજન અને જગદીશ સૂચિતને 1-1 વિકેટ મળી હતી.

Most Popular

To Top