SURAT

સ્પાઈસ જેટ સુરતથી પટના અને ચેન્નઇની ફ્લાઇટ શરૂ કરશે

સુરત: (Surat) કોરોનાનું સંક્રમણ ઘટવા સાથે જ સુરત એરપોર્ટથી ડોમેસ્ટીક એરકનેક્ટિવીટી વધી રહી છે. ખાનગી એરલાઇન્સ કંપનીઓ સુરતનો પેસેન્જર ગ્રોથ જોઇ નવી ફલાઇટ શરૂ કરી રહી છે. આજે સ્પાઇસ જેટ (SpiceJet) એરલાઇન્સ દ્વારા 20 ફેબ્રુઆરીથી સુરત-ચેન્નાઈ-સુરતની અઠવાડિયામાં ચાર દિવસની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે, જ્યારે 22 ફેબ્રુઆરીથી સુરત-પટના વચ્ચે ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ ચાલશે. જયારે સુરતથી ચેન્નઇની (Surat To Chennai) ફલાઇટ સપ્તાહમાં ચાર દિવસ એટલે કે મંગળ, ગુરૂ, શનિ અને રવિવાર એમ ચાર દિવસ ઓપરેટ થશે.

સુરતથી આ બે નવી ફલાઇટ શરૂ થતાં સુરતના કાપડના વેપારીઓ પટના અને ચેન્નઇની કાપડ મંડીઓ સાથે સીધો વેપાર કરે છે. આનો તેમને દેખીતો લાભ મળશે. તે ઉપરાંત જરીના વેપારીઓ ચેન્નઇ સાથે જોડાશે જેથી તમિલનાડુમાં જરીનો વેપાર સરળતાથી કરી શકશે. એરલાઇન્સે અગાઉ સુરત વાયા ચેન્નઇ-કોઇમ્બતુરની ફલાઇટ પણ જાહેર કરી હતી તેનો લાભ પણ કાપડ અને જરીના વેપારીઓને મળશે.

જણાવી દઈએ કે સ્પાઇસ જેટ અગાઉ સુરત વાયા પટના કોલકાતાની ફલાઇટ ચલાવતું હતું. જેમાં એક ફલાઇટમાં માત્ર સુરતથી પટના જઇ શકાય છે જયારે 22 ફેબ્રુઆરીથી શરૂ થનારી ફલાઇટમાં સપ્તાહમાં બે દિવસ સોમવાર અને શુક્રવાર સુરતથી પટના જઇ શકાશે અને પરત આવી શકાશે. એરલાઇન્સે સારો પ્રતિસાદ મળ્યા પછી આ બંને ફલાઇટ ડેઇલી કરવાની ખાત્રી આપી છે. અગાઉ સ્પાઇસ જેટની સુરત-ચેન્નઇની ફલાઇટ ચાલતી હતી પરંતુ કોરોના સંક્રમણ દરમિયાન આ ફલાઇટ બંધ કરવામાં આવી હતી.

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા પટના અને ચેન્નાઈની એરકનેક્ટિવીટી શરૂ કરવા માટે ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટ સમક્ષ માંગણી કરવામાં આવી હતી, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સ્પાઈસ જેટ દ્વારા સુરત-પટના અને સુરત-ચેન્નાઈની વિમાની સેવાને પોતાના શિડ્યુલમાં સામેલ કરી દેવાઈ છે. પટનાથી ફલાઇટ 12.30 કલાકે સુરત આવવા નીકળશે અને સુરતથી પટના જવા માટે 15.30 કલાકે રવાના થશે.

ગો-એર દ્વારા સુરત એરપોર્ટથી વિમાન સેવા શરૂ કરવા સ્લોટની માંગણી કરાઇ

ગો-એર એરલાઇન્સ દ્વારા 2020ના પ્રારંભમાં સુરતથી વારાણસી,લખનઉ,પટના,ગોવા અને જયપુર સહિત સાત શહેરોને જોડતી ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી દર્શાવામાં આવી હતી. પરંતુ કોરોનાને લીધે લોકડાઉન જાહેર થતા એરલાઇન્સે આ ઓપરેશન ટાળ્યુ હતુ. હવે ગો-એરએ સુરતથી આઠ શહેરોને જોડતી ફ્લાઇટ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે સ્લોટની માંગણી કરી છે. એરલાઇન્સ દ્વારા સુરતથી પાંચથી છ શહેરોને જોડતી ફ્લાઇટ શરૂ કરવાની શક્યતા છે. સુત્રોના જણાવ્યા મુજબ ગો-એર દ્વારા સુરત એરપોર્ટ પર કેન્ટિનવાળી જગ્યા અથવા એર ઓડિશાને ફાળવવામાં આવેલી જગ્યા ટિકિટ વિન્ડો માટે ફાળવવા માંગ કરી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ સુરત ગ્રુપ દ્વારા એરલાઇન્સને પત્ર લખી છથી સાત શહેરોને જોડતી ફ્લાઇટ ઉનાળુ શિડ્યુલથી શરૂ કરવા માંગ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top