કેન્દ્ર સરકાર સાથે મહત્વપૂર્ણ ચર્ચા બાદ લીધો નિર્ણય, યુવા આંદોલન અંગે સરકાર તરફથી મળ્યું આશ્વાસન
સામાજિક કાર્યકર અને શિક્ષણ સુધારાના મજબૂત અવાજ તરીકે ઓળખાતા સોનમ વાંગચુકે સતત 26 દિવસ સુધી ચાલેલા પોતાના અનિશ્ચિતકાલીન ઉપવાસનો અંત લાવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે થયેલી વિસ્તૃત ચર્ચા બાદ તેમણે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.જો કે છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી અને અંતે ચર્ચા તથા વિવિધ પક્ષોના વિશ્વાસ બાદ તેમણે અનશન સમાપ્ત કર્યું. સોનમ વાંગચુકે જણાવ્યું કે દેશભરના અનેક રાજકીય પક્ષોના કુલ 65થી વધુ સાંસદોએ વ્યક્તિગત મુલાકાત લઈને અથવા પત્ર લખીને તેમને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી હતી. અનેક સામાજિક સંસ્થાઓ, શિક્ષણવિદો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ તેમની તબિયતને લઈને ચિંતિત હતા. આ તમામ અપીલો અને સરકાર સાથેની ચર્ચા બાદ તેમણે અનશન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું.
અનશન પાછળ શું હતું કારણ?
સોનમ વાંગચુક છેલ્લા કેટલાક સમયથી દેશના વિદ્યાર્થીઓને લગતા મુદ્દાઓ, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, પ્રશ્નપત્ર લીક જેવા ગંભીર પ્રશ્નો અને યુવાનોની માંગણીઓને લઈને સરકારનું ધ્યાન દોરવા માટે સક્રિય રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા વિરોધ પ્રદર્શનને તેમણે ખુલ્લો ટેકો આપ્યો હતો અને તે જ મુદ્દાઓને લઈને તેમણે અનિશ્ચિત ઉપવાસ શરૂ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે સરકાર કડક પગલાં ભરે અને વિદ્યાર્થીઓના હિતમાં પારદર્શક તથા જવાબદાર વ્યવસ્થા ઉભી કરે.
સરકાર સાથે લાંબી ચર્ચા
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં જઈ સોનમ વાંગચુક સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમજ આ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નો, સરકારની આગામી કાર્યવાહી અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.વાંગચુકે જણાવ્યું કે ચર્ચા દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સકારાત્મક સંકેત મળ્યા છે. સરકાર તરફથી તેમની ચિંતાઓને ગંભીરતાથી સાંભળવામાં આવી અને આગળ યોગ્ય પગલાં ભરાશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ વિશ્વાસના આધારે તેમણે અનશન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો.
યુવાનો સામે કડક કાર્યવાહી ન કરવાની માંગ
અનશન દરમિયાન સોનમ વાંગચુકે એક મહત્વપૂર્ણ માંગ પણ રાખી હતી. તેમણે કહ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરનારા વિદ્યાર્થીઓ અને યુવાનો સામે દંડાત્મક અથવા બદલો લેવાના સ્વરૂપની કાર્યવાહી ન થવી જોઈએ.તેમણે સરકારને વિનંતી કરી હતી કે લોકશાહી પદ્ધતિથી પોતાનો અવાજ ઉઠાવનારા યુવાનોને સુરક્ષા અને ન્યાય મળે. ચર્ચા દરમિયાન આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અને તેને લઈને સકારાત્મક સંવાદ થયો હોવાનું તેમણે જણાવ્યું.
26 દિવસ સુધી આરોગ્ય પર ગંભીર અસર
લાંબા સમય સુધી ઉપવાસને કારણે સોનમ વાંગચુકની તબિયત સતત નબળી પડી રહી હતી. તેમની તબિયત ખરાબ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરો સતત તેમની તંદુરસ્તી પર નજર રાખી રહ્યા હતા.
ચિકિત્સકોના મતે લાંબા સમય સુધી ઉપવાસ ચાલુ રહે તો ગંભીર આરોગ્ય જોખમ ઊભું થઈ શકે તેમ હતું. આ કારણસર પણ અનેક લોકો તેમને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી રહ્યા હતા.
અનશન પૂર્ણ કરતી વખતે શું કહ્યું?
અનશન પૂર્ણ કર્યા બાદ સોનમ વાંગચુકે જણાવ્યું કે તેઓ સૌના સહયોગ અને સમર્થન માટે આભારી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય કોઈ દબાણ હેઠળ નહીં પરંતુ વ્યાપક ચર્ચા અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.તેમણે દેશના યુવાનોને પણ શાંતિ જાળવવા, લોકશાહી માર્ગે પોતાની વાત રજૂ કરવા અને હિંસાથી દૂર રહેવાની અપીલ કરી. તેમના જણાવ્યા પ્રમાણે કોઈપણ આંદોલનનો હેતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો હોવો જોઈએ.
સરકારના સંકેતો
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે કડક કાયદાકીય પગલાં લેવા અંગે સંકેત આપ્યા છે. પ્રશ્નપત્ર લીક જેવી ઘટનાઓ સામે વધુ સખત કાર્યવાહી, ઝડપી તપાસ અને કડક સજાની વ્યવસ્થા માટે સરકાર નવા કાનૂની ઉપાયો પર વિચાર કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
દેશભરમાં મળ્યો વ્યાપક સમર્થન
સોનમ વાંગચુકના ઉપવાસને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વિવિધ સામાજિક સંગઠનો, શિક્ષણવિદો, નાગરિકો અને અનેક જાહેર પ્રતિનિધિઓએ પણ સમર્થન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ તેમના સમર્થનમાં અભિયાન ચાલ્યું હતું, તેમની તબિયત અંગે સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.જો કે વિભિન્ન રાજકીય પક્ષોના સાંસદોએ પણ તેમને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી હતી અને સરકાર સાથે વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. અનશન સમાપ્ત થયા બાદ હવે તમામની નજર સરકારના આગામી પગલાં પર રહેશે. વિદ્યાર્થીઓના પ્રશ્નો, પરીક્ષા વ્યવસ્થામાં સુધારા, પારદર્શિતા વધારવા અને ભવિષ્યમાં પ્રશ્નપત્ર લીક જેવી ઘટનાઓ અટકાવવા માટે સરકાર શું નિર્ણયો લે છે તે મહત્વપૂર્ણ રહેશે.
સોનમ વાંગચુકે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે પણ વિદ્યાર્થીઓના હિતના મુદ્દાઓ ઉઠાવતા રહેશે, પરંતુ લોકશાહી અને સંવાદના માર્ગે જ આગળ વધવાનું પસંદ કરશે. તેમણે દેશના યુવાનોને શાંતિપૂર્ણ અને જવાબદાર રીતે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે.