Columns

ક્યારેક બસ કોઈક એવું જોઈ

આજે નિયાનો દિવસ જ ખરાબ ઊગ્યો.સવારે મોડું ઉઠાયું.કામ જલ્દી કરવામાં દૂધ ઢોળાયું.સાસુની બડબડ શરૂ થઇ.પતિ નિહારનું ટીફીન ફટાફટ બનાવ્યું તેમાં શાકમાં મીઠું ભૂલાઈ ગયું.જલ્દી તૈયાર થઇ પોતે ઓફીસ પહોંચી ત્યાં ડબલ કામનો બોજ હતો. વળી બોસ ભડકેલા હતા અને કારણ વિના ગુસ્સો નિયા પર ઊતર્યો.બપોરે નિહારે ફોન કરી શાકમાં મીઠું નથી તે બાબતે ઘણું બધું સંભળાવ્યું. હજી અડધો દિવસ પસાર થયો હતો ત્યાં નિયા ચારે બાજુના પ્રેશરથી મનથી થાકી ગઈ.કામમાં મન ન લાગ્યું.માંડ માંડ કામ પરાણે પૂરું કર્યું અને સાંજે ઓફીસ બાદ તેને ઘરે જવાનું મન જ ન થયું.મન દુઃખી હતું.

અધીર હતું …ઘવાયેલું હતું શું કરવું તેને કંઈ સમજાતું ન હતું.ઓફિસથી નીકળીને તે ચાલી રહી હતી…પણ તેને ઘરે જવું ન હતું …ત્યાં મોબાઈલ રણક્યો અને બેસ્ટ ફ્રેન્ડ ઋતાનું નામ સ્ક્રીન પર ચમક્યું.બીજા કોઈનો ફોન હોત તો તેણે વાત જ ન કરી હોત, પણ ઋતાનો ફોન તે કટ કરી શકી નહિ.ઋતા ફોન પર ટહુકી, ‘હાય, નિયા શું પ્રોગ્રામ છે કાલનો.કાલે આપણે મળીએ.’નિયાએ બહુ ધીમેથી કહ્યું, ‘ઓફિસમાં બહુ કામ છે મોડું થશે.’ નિયાનો અવાજ એકદમ ઢીલો હતો.તે ઋતા તરત સમજી ગઈ અને એટલું જ બોલી, ‘નિયા કયાં છે તું?’નિયાએ કહ્યું, ‘ઓફિસેથી હમણાં જ નીકળી છું.’

ઋતા બોલી, ‘જ્યાં છે ત્યાં ઊભી રહે. હું પંદર મીનીટમાં જ આવું છું.’અને ફોન મૂકી દીધો. ઋતા પંદર મીનીટમાં નિયા પાસે પહોંચી ગઈ.ઋતાને જોઇને નિયા તેને વળગી પડી અને રડવા લાગી.રુતાએ તેને રડવા દીધી અને પછી તેનો હાથ પકડી …આંસુ લૂછી નજીકના કાફેમાં લઇ ગઈ.નીયાની ફેવરીટ કોલ્ડ કોફી ઓર્ડર કરી.પાણી પીવડાવ્યું અને કંઈ પૂછ્યું નહિ કે ‘શું થયું ??…કેમ રડે છે ??’કોઈ સવાલ નહિ.કોઈ વાત નહિ. કોફી આવી. બંને જણે કોફી પીધી…નિયા થોડી શાંત થઇ એટલે તેના હાથ પર હાથ મૂકી ઋતાએ કહ્યું,

‘હું અહીં જ છું તારી પાસે …હંમેશા છું માત્ર એક ફોન કોલ કર …અને યાદ રાખજે હું તારી ચિંતા કરું છું અને તારો અવાજ જરા ઢીલો પડે તો પણ મને સમજાય છે કે તને મારી જરૂર છે.’ નિયા હસી અને બોલી, ‘સાચે હું બહુ લકી છું કે મને તારા જેવી ફ્રેન્ડ મળી છે …કયારેક જીવનમાં એવી ક્ષણો આવે છે ..એવા સંજોગો સર્જાય છે કે ત્યારે તમને કોઈક એવું જોઈએ છે, જે બસ તમારી પાસે રહે.તમારી સાથે રહે.કોઈ સવાલ ન પૂછે.કોઈ મદદ ન કરે.કોઇ પણ સંજોગો કે પરિસ્થિતિ સુધારવામાં કોઈ માથું ન મારે પણ માત્ર આપણને જણાવે કે હું તારી સાથે છું.મને તારા પર લાગણી છે અને તે લાગણીને લીધે હું હંમેશા તારો સાથ આપીશ અને સાથે રહીશ અને મારા માટે એ કોઈક સમવન સ્પેશ્યલ તું છે એટલે હું નસીબદાર છું.તારા જેવી દોસ્ત બધાને મળે.’ઋતા મીઠું મલકી.

Most Popular

To Top