Gujarat

પૂર્વ સૈનિકોનો 14 પડતર માંગણી મામલે ગાંધીનગરમાં હલ્લાબોલ: પોલીસ સાથે ઘર્ષણ

ગાંધીનગર: રાજ્યના પૂર્વ સૈનિકોએ પોતાની 14 જેટલી પડતર માંગણીઓ અને મુદ્દાઓને લઈને સોમવારે (Monday) અમદાવાદના (Ahmedabad) શાહીબાગથી ગાંધીનગર સચિવાલય સુધી સૈનિક સન્માન યાત્રા યોજી હતી. આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં માજી સૈનિકો અને શહીદોના પરિવારજનો (Family) ઉમટી પડ્યા હતા. અમદાવાદના શાહીબાગ કેમ્પ ખાતે યાત્રાનો પ્રારંભ થયો હતો, ત્યારે પોલીસે આ યાત્રાને અહીં જ અટકાવવા પ્રયાસ કરતા પૂર્વ સૈનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પૂર્વ સૈનિકો સન્માન યાત્રાને ગાંધીનગર સુધી લઈ જવા માટે મક્કમ હોવાથી પોલીસે પણ જીદ છોડી હતી, અને યાત્રા ગાંધીનગર તરફ રવાના થઈ હતી. મોટી સંખ્યામાં ઉમટી પડેલા પૂર્વ સૈનિકો તેમના પરિવારજનો અને શહીદ જવાનોના પરિવારજનો આ યાત્રામાં જોડાયા હતા.

યાત્રા ગાંધીનગર સચિવાલય ગેટ નંબર 1 પાસે પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા સચિવાલયને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવ્યું હતું, અને લોખંડના બેરીકેટ ગોઠવી પૂર્વ સૈનિકોએ સચિવાયમાં જતા અટકાવવામાં આવ્યાં હતા અને અહીંથી સન્માન યાત્રાને આગળ જતા રોકી દેવામાં આવી હતી.

બીજી તરફ મોટી સંખ્યામાં ઉમટી પડેલા પૂર્વ સૈનિકોએ પોતાની 14 જેટલી માગણીઓ લઈને મુખ્યમંત્રીને મળવાની માગણી કરી હતી અને તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સેના દ્વારા આપવામાં આવેલા મેડલ પરત કરી દેવામાં આવશે. આ તબક્કે પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

મુખ્યમંત્રી સાથેની બેઠકમાં માંગણીઓ સાંભળી-અઠવાડિયા પછી ફરી બેઠક યોજાશે
બપોરે ત્રણ વાગ્યા મુખ્યમંત્રીએ મળવાનો સમય આપતાં પૂર્વ સૈનિકોનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીને મળી પોતાની માગણીઓ રજૂ કરી હતી, આ માગણીઓ મુખ્યમંત્રીએ સાંભળી હતી અને તેના ઉકેલ માટે આવતા અઠવાડિયે ફરી વખત બેઠક યોજવા સહમતી આપી હતી.

પૂર્વ સૈનિકોની આ છે માંગણીઓ
પૂર્વ સૈનિકોની 14 જેટલી માગણીઓમાં શહીદ પરિવારને એક કરોડની સહાય અને એક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે, ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો શહીદ સ્મારક અને આરામગૃહ બનાવવામાં આવે, માજી સૈનિકો માટે ખેતી અને રહેઠાણ માટેના પ્લોટની ફાળવણી કરવામાં આવે, દારૂ માટેની પરમિટ, હથિયારનું લાયસન્સ રીન્યુ કરવામાં આવે, પૂર્વ સૈનિકોની સમસ્યાઓના ઉકેલ માટે કચેરીઓમાં અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, સેનામાં કરેલી નોકરીનો સમય સળંગ ગણવામાં આવે, પૂર્વ સૈનિકો માટે પાંચ વર્ષના ફિક્સ પગારની પદ્ધતિને નાબૂદ કરવામાં આવે, ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટે સૈનિકોના બાળકોને છૂટછાટ આપવામાં આવે તેમજ બાળકોનો અભ્યાસ ખર્ચ સરકાર ઉઠાવે, આ ઉપરાંત પૂર્વ સૈનિકો પાસેથી લેવાતો વ્યવસાય વેરો માફ કરવામાં આવે સહિતની માગણીઓ કરવામાં આવી હતી.

Most Popular

To Top