SURAT

ગ્રાહકોની જાણ બહાર જ આધારકાર્ડના આધારે સીમકાર્ડ એક્ટિવ કરતો એજન્ટ પકડાયો

સુરત : સીમકાર્ડ (SIM Card) ખરીદવા આવતા ગ્રાહકોના આધારકાર્ડનો (Aadhar Card) ઉપયોગ કરીને અજાણ્યા નંબરને એક્ટિવ કરી નાંખતા ટેલીકોમ (Telecom) કંપનીના એજન્ટને (Agent) પોલીસે પકડી પાડ્યો હતો. પકડાયેલો એજન્ટ શરૂ કરેલા સીમકાર્ડને રૂા.400 થી 700 રૂપિયામાં વેચતો હતો. આ ઇસમની સામે મહિધરપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપને માહિતી મળી હતી કે, મહિધરપુરા એનટીએમ માર્કેટની સામે એક ઇસમ પ્રિ-એક્ટિવ કરેલા સીમકાર્ડ ઊંચી કિંમતે વહેંચી રહ્યો છે. આ માહિતીના આધારે એસઓજીએ એક ડમી ગ્રાહકને ત્યાં સીમકાર્ડ વેચતા ઇસમ ધીરજ રાજેન્દ્ર વિશ્વકર્માની પાસે મોકલીને પ્રિ-એક્ટિવ માંગ્યું હતું. ધીરજે એક પ્રિ-એક્ટિવ નંબર આપીને તે સીમકાર્ડના રૂા.400 વસૂલ્યા હતા. આ સાથે જ એસઓજીએ ત્યાં છટકુ ગોઠવીને ધીરજ સીમકાર્ડ આપી રહ્યો હતો

આધારકાર્ડનો નંબર નાંખીને બીજુ એક પણ સીમકાર્ડ એક્ટિવ કરી નાંખતો
રેડ પાડીને તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની પુછપરછ કરતા ધીરજે કહ્યું કે, તે એરટેલ કંપનીમાં એજન્ટ તરીકે છેલ્લા બે મહિનાથી નોકરી કરતો હતો. ધીરજના ફોનમાં મિત્ર નામની એપ્લિકેશન હતી. આ એપ્લિકેશનમાં જ ગ્રાહકોની જાણ બહાર તેના આધારકાર્ડનો નંબર નાંખીને બીજુ એક પણ સીમકાર્ડ એક્ટિવ કરી નાંખતો હતો. શોર્ટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ધીરજે આ બેનંબરનો વેપલો શરૂ કરી દીધો હતો. એક તરફ સ્ટોર તરફથી વધુ સીમકાર્ડ વેચવાનું કમિશન મળતુ હતુ અને બીજી તરફ પ્રિ-એક્ટિવ સીમકાર્ડમાં વધારે રૂપિયા મળતા હતા. આ બાબતે એસઓજીએ ધીરજની ધરપકડ કરીને મહિધરપુરા પોલીસને સોંપતા પોલીસે ધીરજની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભૂતકાળમાં સીમકાર્ડના દૂરઉપયોગથી પોલીસે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી
ભુતકાળમાં ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરવા ઘણા ગુન્હેગારો ડમી સીમકાર્ડનો ઉપયોગ કરી ગુનાઓ આચરતા હોવાની શક્યતાને આધારે પોલીસે આરોપી ધીરજની વધુ પુછપરછ શરૂ કરી છે. આ સાથે જ પોલીસે લોકોને સૂચનો આપતા અપીલ કરી હતી કે, જ્યારે પણ કોઇ ગ્રાહક નવુ સીમકાર્ડ ખરીદી કરવા જાવ ત્યારે પોતાના આધારકાર્ડનો ફોટો દુકાનદારને તેના મોબાઈલ ફોનમાં પાડવા નહીં દેવો, નવું સીમકાર્ડ ગ્રાહકે પોતાના જ ફોનમાં નાંખીને ત્યારબાદ તેનું વેરીફિકેશન કરાવીને એક્ટિવ કરવું. દુકાનદાર દ્વારા સીમકાર્ડ એક્ટિવ કરવા માટે ઓનલાઇન જે ફોર્મ ભરવામાં આવે ત્યારે તે બાબતે યોગ્ય પુછપરછ કરવી અને કોઇપણ વીડિયો કે ફોટો પાડવા નહીં દેવા માટે અપીલ કરવામાં આવી હતી.


Most Popular

To Top