SURAT

સુરતના મ્યુનિ.કમિશનર અને TP વિભાગ ખાનગી પાર્ટીના એજન્ટની જેમ વર્તી રહ્યા છે: હાઈકોર્ટ

અમદાવાદ: સુરત મહાપાલિકાના (SMC) લિંબાયતની ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમ 34ના મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) મનપા કમિશનર શાલિની અગ્રવાલની સામે કડક હુકમો કર્યા છે. કેમકે હાઈકોર્ટમાં હિયરિંગ થાય તે પહેલાં જ લિંબાયત ઝોન દ્વારા કબજામાં ફેરફાર કરાતા હાઈકોર્ટ સખતે નારાજગી વ્યકત કરી હતી. હાઈકોર્ટે આ કેસના જવાબદારોને તત્કાળ સસ્પેન્ડ કરવા અને મ્યુ. કમિશનરને તા. 6ઠ્ઠીએ કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ કરતાં જણાવ્યું હતું કે, સુરતના મ્યુ. કમિશનર અને ટીપી વિભાગ ખાનગી પાર્ટીના એજન્ટની જેમ વર્તી રહ્યાં છે.

વિગતો મુજબ લિંબાયત ઝોન દ્વારા ટીપી 34 (ઉધના-લિંબાયત)માં ટીપીના અમલીકરણમાં કબજા ફેરફાર અંગે ગુજરાત હાઈકોર્ટમાં મુળખંડના માલિકો દ્વારા રીટ થઇ હોવા છતાં મનપાના લિંબાયત ઝોનના અધિકારીઓએ ટીપી સ્કીમમાં સૂચિત ફેરફાર મુજબ જેને એફપી ફાળવાયો હતો તે એફપી 10ના માલિકોને કોર્ટના હીયરીંગની રાહ જોયા વગર ઉતાવળે અમલવારી કરી હોય આજે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઈએ સુનાવણી દરમ્યાન આકરું મૌખિક નિરીક્ષણ કરીને સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલનો ઉધડો લઈ નાંખ્યો હતો. જસ્ટિસ દેસાઈએ એવું સ્પષ્ટ મૌખિક નિરીક્ષણ કરીને ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને ટાઉન પ્લાનિંગ વિભાગના સબંધિત અધિકારીઓ ખાનગી પાર્ટીના એજન્ટ હોય તે રીતે વર્તી રહ્યા છે.

સુરત મહાનગરપાલિકાની ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ન્યાયિક પ્રક્રિયા પડતર હતી છતાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ખાનગી વ્યક્તિને લાભ કરાવવા કાનૂની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી કાયદો હાથમાં લીધો છે. ખાનગી વ્યક્તિને ફાયદો કરાવવા મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ વિભાગે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હાઇકોર્ટની નોટિસને અવગણી ફેરફાર કર્યો છે. જો કે આ પ્રકરણની મુળ વાત એવી છે કે, ટીપી 39 (ઉધના-લિંબાયત)માં જે જમીન માલિકને એફપી 10 ફાળવાયો હતો તેને કબજો અપાવવા માટે લિંબાયત ઝોનના અધિકારીઓએ કબજા ફેરફારની નોટીસ મુળખંડના માલિકોને આપી હતી.

જેની સામે મુળખંડના માલિકોએ હાઇકોર્ટમાં રીટ કરી હતી, સામે જેને આ પ્લોટ ફાળવાયો હતો તે જમીન માલિકે કેવીએટ પણ દાખલ કરીને તેને સાંભળ્યા વગર કોઇ આદેશ નહી આપવા કોર્ટને અરજ કરી હતી.આ રીટની સુનાવણી બાકી હતી આમ છતા લિંબાયત ઝોનના અધિકારીઓએ કબજા ફેરફારની અમલવારીમાં ઉતાવળ દાખવી હોય ન્યાયાધીશ નારાજ થયા છે.

સામાન્ય માનવીને કોર્ટ પરથી વિશ્વાસ ન ઉઠે તે માટે કાર્યવાહી જરૂરી છે.
જસ્ટિસ દેસાઈએ આ સમગ્ર રિટની સુનાવણી દરમ્યાન એડવોકેટ જનરલને હાજર કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટએ કહ્યું હતું કે, ‘મને વધુ ના બોલાવશો, હું ઓછું બોલું તે બરાબર છે. સામાન્ય માણસનો કોર્ટ પરથી વિશ્વાસ ન ઉઠે એ માટે આ કેસમાં એડવોકેટ જનરલ બપોરે 2 વાગ્યા પછી હાજર થાય તે જરૂરી છે. હાઈકોર્ટ સમક્ષ ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોવા છતાં અધિકારીઓ ધાર્યું જ કરે અને કોર્ટમાં આવીને માફી માંગી લે એવું નહીં ચાલે, સામાન્ય માણસનો કોર્ટ પરથી વિશ્વાસ ન ઉઠે એ માટે કાર્યવાહી કરવી જરૂરી છે.’

જવાબદારોને સસ્પેન્ડ કરવા અને કમિશ્નરને 6ઠ્ઠી માર્ચે કોર્ટમાં હાજર રહીને માફી માંગવા આદેશ
સુનાવણી બાદ જસ્ટિસ દેસાઈએ એવો આદેશ કર્યો હતો કે , તા.6ઠ્ઠી માર્ચે સુરત મનપાના કમિશનરે રૂબરૂ હાજર રહેવાનું રહેશે, એટલું જ નહીં માફી માંગે અને ટાઉન પ્લાનિંગ વિભાગના જે કોઈ જવાબદાર અધિકારીઓ હોય તેમને ત્વરિત સસ્પેન્ડ કરે અને તેનો એકશન ટેકન રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.

Most Popular

To Top