Charchapatra

આપણા જીવનમાં મૌનનું મહત્ત્વ

મૌનનો અર્થ છે પરમ શાંતિ. જૂઠા, ખોટા, અર્થહીન અને ખડખડાટ કરતા શબ્દોના શોરબકોરમાં પરમ શાંતિનો અનુભવ મૌન જ કરાવે છે. મૌન દ્વારા આપણે સામેની વ્યકિતને સાચી રીતે સાંભળી શકીએ છીએ. ખરેખર તે શું કહેવા માંગે છે તે સમજી શકીએ છીએ. આપણા બધાની ભીતર પ્રગાઢ શાંતિ મળે તેવી પવિત્ર જગ્યા જેનું નામ મૌન. મનોવૈજ્ઞાનિક અને કેરિયર વિશેષજ્ઞ પણ સ્મરણશકિત વધારવા માટે એકાગ્રતા, શાંતિ અને સકારાત્મક વિચારો માટે જીવનમાં મૌન ધારણ કરવાની સલાહ આપે છે. દોસ્તો, આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે, જેનો ઉકેલ લાવવામાં આપણે મનની શાંતિ ખોઇ બેઠા છીએ. પરંતુ જયારે આપણે એકલા હોઇએ ત્યારે થોડા સમય મૌન રહીએ છીએ ત્યારે આપણે પોતાની સાથે જ વાત કરીએ છીએ. આત્મમૂલ્યાંકન કરી શકાય છે. આનાથી નવી માનસિક ઊર્જા ઉત્પન્ન થાય છે.

આવા નાના ઉપાયથી તમે આપણે સૌ આપણા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ. જયારે આપણે મૌન રહીએ છીએ ત્યારે મગજમાં સકારાત્મક વિચાર આવે છે. આપણા મનમાંથી નકારાત્મક વિચારો દૂર થાય છે. દોસ્તો, એક વાત નક્કી થાય છે કે જેણે મૌનને સમજયું છે તેણે પોતાની જાતને જીતી લીધી છે. આ ભીડભાડના સમયમાં આપણે સૌ ખોવાઈ ગયા છીએ. મનની શાંતિ માટે મૌન રહેવું ખૂબ જરૂરી છે. બિનજરૂરી વાદવિવાદ ઊભા કરી અસત્યનો સાથ લઇ પોતે જીતવા કરે છે પરંતુ મિત્રો, આમ જીત હાંસલ નથી થતી. એના માટે આપણે આપણા મન પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે અને એના માટે જીવનમાં મૌન રહેવું અતિઆવશ્યક છે. દોસ્તો, મૌનની ભાષા ઘણી વખતે શબ્દો કરતાં વધુ અસરકારક સાબિત થાય છે. પણ હા, અન્યાય સામે મૌન ના રહેવાય. આનો અર્થ એ નથી કે લડાઈ કરવી. પરંતુ અન્યાય સામે સાચી વાતો મૂકવી. આપણા જીવનમાં મૌનનું ઘણું મહત્ત્વ છે.
અમરોલી-પટેલ આરતી જે.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top