Charchapatra

શ્રાવણ એ શ્રી રાવણનો ભાઈ નથી..!

શ્રાવણ સાથે શ્રી રાવણનું પાટિયું બેસાડ્યું (એને પાટિયું જ કહેવાય..!) એમાં ચચરવાની સહેજ પણ જરૂર નથી. ‘ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી’ એમ તો નહિ કહેવાય, પણ શ્રાવણ એ શ્રાવણ છે, ને શ્રી રાવણ એ રાવણ છે..! મને ખબર છે કે, રાવણ સાથે ‘શ્રી’લગાવ્યું, એમાં વાંકદેખુના મૂછનો આંકડો ખેંચાવાનો છે..! ભૈઈઈઈ..રામાયણ સીરીયલના નાતે, હું રાવણનો નાનાજી(માલ્યવાન) થાઉં, ને મારાં દોહિત્ર માટે ‘શ્રી’લગાવું તો કયું ગૌ હત્યાનું પાપ કરી નાંખ્યું..? વ્યવહારમાં તો રહેવું પડે કે નહિ..? મારી બુદ્ધિ હટેલી નથી, ક્યાં શ્રાવણ ને ક્યાં શ્રી રાવણ..! પણ શ્રી રાવણના ‘ડીપાણ’માં કોઈ ઉતરતું જ નથી.

અપરિમિત ગુણોના સ્વામી શ્રી રાવણ બળ-જ્ઞાન અને ભક્તિમાં અતુલ્ય હતાં. સંસાર તેના અહંકાર અને બુરાઈઓને દાઢમાં રાખીને બેઠો છે. પણ શ્રી રાવણમાં શિવભક્તિ અને પંડિતાઈ એટલી હતી કે, તેને માપવું પણ અસંભવ હતું. સ્વયં મહાશિવ તેના સાક્ષી છે. શ્રી રાવણ જેવો તેમની પાસે પરમ ભક્ત ન હોવાને કારણે તો, શ્રી રાવણે શિવજીને પોતાના બનાવી દીધેલાં..! અને શિવજી તેમના ઉપર મહેરબાન થઇ ગયેલાં..! શિવજીનાં સાત નામ બોલવામાં આપણે ‘ફેંએએફેંએએ’થઇ જઈએ, જ્યારે શ્રી રાવણે તો ‘શિવ તાંડવ સ્તોત્ર’લખેલું..! આ તો બોલવામાં જીભ જીવતી હોય એવું લાગે એટલે શ્રાવણનો શ્રી રાવણ સાથે શબ્દાનુપ્રાસ ગોઠવીને ટાંટિયા મેળવેલા છે.

બાકી શ્રી રાવણે મા સીતાનું હરણ કરેલું, તો કોઈ કન્યાનું અપહરણ કરવામાં આપણો પણ ગ્રાફ ક્યાં નીચો છે..? શ્રી રાવણ પાસે બળ-બુદ્ધિ અને લક્ષ્મીનું ઐશ્વર્ય હતું ને આપણાથી એની જાતને, બેંક લોનના ‘વ્યાજના હપ્તા ભરાતા નથી. શ્રાવણ હોય કે ફાગણ હોય, સાંજ પડે ને ‘દીવાબત્તી’કરવામાં જ મસ્ત.! ગળું ભીનું કર્યા વગર રાત નહિ પડવા દે..! શ્રાવણની ભક્તિ કરવાની આવે કે, ઉપવાસ કરવાનો આવે એટલે, ગળું સુકાવા માંડે. અડધા નંબરના આસામીએ આઠ નંબરના ચશ્માં આંખે ચઢાવ્યા હોય, એવી ઝાંખપ આવી જાય..! તંઈઈઈઈ..!!

 ગંગાસતી પાનબાઈનું પેલું ભજન યાદ આવે છે..? ‘ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન રે..!’પણ આખું વર્ષ ખાય પીઈ ને તાગડધિન્ના જ કર્યા હોય, કે દીવ-દમણ આબુના કિલોમીટર જ કાપ્યા હોય એને શ્રાવણ જરા આકરો લાગે. ઉપવાસ કરવાનો આવે ને અંધારાં આવવા માંડે. રતનજીના તો રૂંવાટાં ઊભાં થઇ જાય..! નાસ્તિકની વાત નથી, આસ્તિક તો પગના તળિયાથી માથાના તાળવા સુધીનો, પણ એક જ કચવાસ, સાંજ થાય ને ગળું ભીનું કરવા જોઈએ..! ઉપવાસ તો મુદ્દલે નહિ થાય.

ભૂખ લાગે ત્યારે બીજાના પેટમાં ભલે કુરકુરિયાં બોલતાં હોય, પણ એના પેટમાં મદનિયા બોલવા માંડે..! શ્રાવણ સિવાયના મહિનામાં નશેડી રજવાડું ભોગવ્યું હોય, એટલે સ્વાભાવિક છે કે, સઅઅઅટ દઈને ‘સાવાનકો આને દો’કોઈ બોલે તો સહન નહિ થાય..! ભૂલેચૂકે દીવ-દમણ બાજુ ડોળા ફેરવાયા તો પોતે ફેરવાઈ જાય. એટલે એક મહિનાનો ધાર્મિક GST લાગ્યો, એમ માની મન મનાવી લે..! ગ્રહણમાં સાપ નીકળે એમ આ વખતે તો શ્રાવણનો અધિક માસ પણ ખરો, એટલે લાંબુ ચાલવાનું..! પણ ભોળેનાથ જાણે કે, છોરું કછોરું ભલે થાય, માઉતરથી કમાઉતર નહિ થવાય..! મહાદેવનાં પાંચ નામ ભલે નહિ આવડતાં હોય, પણ ગુના તો માફ કરવા પડે..!

બાકીના મહિનામાં ભલે હાથમાં હોકી કે હન્ટર લઈને ફરતો હોય, કે ગાળા-ગાળી કરતો હોય, પણ શ્રાવણ બેસે ને હાથમાં રુદ્રાક્ષની માળા ઝાલી, પલાંઠી વાળી, ‘ઓમ નમ: શિવાય:‘ની ધૂન તો બોલે છે ને..? ભોળકો ભૂતનાથ હોવાથી, પોતે સ્મશાનમાં રહે ને ભક્તોને બંગલામાં રાખે, પોતે વલ્કલ પહેરે ને લોકોને બ્રાન્ડેડ લેંઘા પહેરાવે, પોતે ગળામાં નાગ રાખે ને, આપણને દશ તોલાની સોનાની ચેઈન પહેરાવે..! તંઈઈઈઈ..!

 શ્રાવણનો મહિનો એટલે ‘રીફ્રેશ’થવાનો મહિનો. સંકલ્પના પ્રતીક તરીકે ઘણાં લોકો મોઢા ઉપર દાઢી-મૂછનું પણ વાવેતર કરે. દાઢી મૂછ વધારવાનો પણ એક મહિમા છે મામૂ..! એવાં શ્રદ્ધાળુ બની જાય કે, કે શ્રાવણ પણ પાળે ને, દાઢી મૂછ પણ પાળે..! શ્રાવણ પૂરો થાય ત્યાં સુધીમાં તો શ્રાવણમાં ભાદરવો ઘુસી ગયો હોય એમ, દાઢી મૂછમાં ભળી જાય ને મુછ દાઢીમાં ભળી જાય. બાકી, જે લોકો ‘ઓલરેડી’ બારમાસી દાઢી-મૂછ રાખે છે, એમને માટે તો બારેય માસ શ્રાવણ હોય..! એવાનું સૌન્દર્ય પણ દાઢીથી જ ખીલે. એટલે તો કેટલાંક દાઢી-મૂછવાળા નામ કરતાં દાઢી-મૂછથી વધારે ઓળખાય..! સર્વધર્મ સમભાવ જેવી..! માણસમાં કદાચ એકતાનો અભાવ હોય, પણ દાઢી-મૂછમાં નહિ..!

 ભગવાન માટે કાઢેલું, રાખેલું, વાવેલું, વિચારેલું, ગાયેલું, બોલેલું વગાડેલું કે ચાવેલું ક્યારેય વ્યર્થ જતું નથી. છોકરું સવારે વાંચે, રાતે વાંચે, મળસ્કે વાંચે, કે ભરબપોરે વાંચે, એ મહત્ત્વનું નથી.એમ ભક્તિ ક્યારે કરે એ મહત્ત્વનું નથી, એટલું જ જોવાનું કે, ઉપરવાળાના ચોપડે ભક્તિ નોંધાવી જોઈએ. કારણ કે, ધરતી ઉપર રીટર્ન લાવવાના લાઈસન્સ રીન્યુ કરવાના અધિકાર ભગવાન પાસે જ છે, પૃથ્વીના ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિઓ પાસે નથી..!

 શ્રાવણ બેસે એટલે વાઈફ ‘શાંતુડી’માં પણ ‘પરિવર્તનનો પ્રાણ ફૂંકાવા માંડે. ભક્તિભાવના એવાં બ્યુગલ ફુંકાવે કે, આખું ઘર બદ્રીનાથ કે અમરનાથ યાત્રાના પ્રવાસી હોય એવો માહોલ બનાવી દે. ખબરદાર જો કોઈએ ઉપવાસને બદલે ‘ખાધવાસ’કર્યો છે તો..! પણ આ બાબતે મારે ગર્વ સાથે કહેવું પડે કે, ચમનિયા જેવો શિવ ઉપાસક મેં હજી જોયો નથી. શ્રાવણ બેસે એટલે મંદિરમાં જઈ શિવભક્તિ તો કરે, પણ એટલેથી અટકે નહિ. શ્રાવણ ઊતરે ત્યાં સુધી ગામમાં જેટલા શંકરભાઈ હોય, એનાં ઘરે જઈને રોજ પગે પણ લાગી આવે ને, ‘ઓમ નમ: શિવાય’ની ધૂન પણ બોલાવતો આવે..! જય ભોલેનાથ..!

 લાસ્ટ ધ બોલ
 આપણે તો સંકલ્પ કર્યો છે કે, શ્રાવણમાં સવારે પાંચ વાગ્યે ઊઠીને રોજ પાંચ મિનીટ મહા મૃત્યુંજય મંત્રની ૧૦૮ માળા કરવી.
મહા મૃત્યુંજયની ૧૦૮ માળા તે વળી પાંચ મિનિટમાં થતી હશે..?
 કેમ નહિ થાય..? એક વાર આખો મંત્ર બોલી જવાનો. પછી બોલી નાંખવાનું, “ઉપર મુજબ….. ઉપર મુજબ…. ઉપર મુજબ”માત્ર મણકા જ ફેરવવાના..! વાર્તા પૂરી..!
તારા કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top