Comments

900 વિદ્યાર્થીએ એક અધ્યાપક અને 300માં સાત આ નીતિ ક્યારે બદલાશે?

ઓફિસમાં ટેબલ ઉપર બેસીને અધિકારીશ્રીઓ દ્વારા લેવાતા નિર્ણયો કયારેક એવા અવ્યવહારુ પ્રશ્નો ઊભા કરે છે, જેનો ઉકેલ પછી તેમને પણ નથી દેખાતો. આપણે આ કોલમમાં વારંવાર ઉચ્ચ શિક્ષણમાં નિયમોને કારણે સર્જાતી ગૂંચવણો વિષે વાત કરીએ છીએ અને નવી શિક્ષણ નીતિની ચર્ચામાં પણ વારંવાર ઉલ્લેખ કર્યો કે નીતિ નવી અને નિયમો જુના? આવું ક્યા સુધી ચાલશે? અને આ નવી શિક્ષણનીતિમાં કાર્યભારથી માંડીને કામના કલાકો સુધીના નિર્ણયો અધિકારીઓ લેવાનું બંધ ક્યારે કરશે?

મુદ્દો સમજવા માટે એક ઉદાહરણ લઈએ. જે ગુજરાતની અનેક કોલેજોમાં વાસ્તવિક સ્થિતિ છે. ધારો કે એક આર્ટસ કોમર્સ સાયન્સ કોલેજ છે,  જેમાં ત્રણેય વર્ષમાં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાશાખાના કુલ 900 વિદ્યાર્થી છે. મતલબ આર્ટસમાં 300, કોમર્સના 300 અને સાયન્સના 300, જ્યાં દરેક વર્ષના 100 છે. હવે અંગ્રેજી વિષય ત્રણેય વિદ્યાશાખામાં ભણાવાય છે અને ફરજીયાત અંગ્રેજી માટે જુના નિયમમાં દર અઠવાડિયે ૨ લેકચર છે એટલે આર્ટ્સમાં ૬ કોમર્સમાં ૬ અને સાયન્સમાં ૬ લેકચર થાય! ટૂંકમાં ત્રણેય વિદ્યાશાખામાં ત્રણેય વર્ષના કુલ મળીને 18 વ્યાખ્યાન થાય. આપણા શિક્ષણ ખાતાના નિયમ અને નીતિ મુજબ 16 લેકચર માટે એક અધ્યાપક ફાળવાય અને બાકી વધે ૨ તે માટે કોઈ અધ્યાપક ફાળવાય નહીં.

૨ શું ૬ વધે તો પણ અધ્યાપકની એક જ જગ્યા મળે, બે નહીં! એટલે આખી કોલેજમાં તમામ સેમમાં તમામ વિદ્યાશાખામાં અંગ્રેજી ભણાવવા માટે એક જ અધ્યાપક મળે, જેને 18 લેકચર લેવાનાં થાય,ધારો કે તે નિયમ મુજબ 16 જ લે અને વ્યવહારુ રસ્તા શોધે તો પણ કોલેજના 900 વિદ્યાર્થીના યુનિટ ટેસ્ટનાં પેપર તપાસવાં, એસાંમેનત તપાસવા આંતરિક ગુણાંકન તૈયાર કરવા.આ બધાં જ કામ તેમને એકલાને જ કરવાનાં થાય. આની સામે જો સાયન્સમાં જોઈએ તો લેકચરમાં સંખ્યા સરખી હોય પણ પ્રેક્ટીકલ 20 ની બેચ હોય એટલે 100 વિદ્યાર્થી માં બેચ પાંચ બને. 300 વિદ્યાર્થીમાં 15 બેચ બને અને ત્રણ વર્ષ છ સેમેસ્ટરના પેપર મુજબ આ ગણતરીનો ગુણાકાર થાય તો 300 વિદ્યાર્થી માટે ૭ અધ્યાપક જોઈએ.

આમ એક વિષયમાં 900 સામે એક અને બીજામાં 300 સામે સાત! હા, શૈક્ષણિક કામગીરી વર્ક લોડમાં સરખી ગણાય પણ તે સિવાયની કામગીરી વર્ક લોડમાં ગણાય નહિ એટલે પેપર તપાસવાથી માંડીને એસાંમેન્ત સુધીનું કામ 300 જણાનું ૭ વચ્ચે વહેંચાય, જ્યારે 900 માટે આ કામ એક જ વ્યક્તિએ કરવું પડે! આ તકલીફ આટલે નથી અટકતી .જો આ જગ્યા ખાલી પડે તો પ્રિન્સીપાલ માટે આ કામ અઘરું થાય છે અને એક જ અધ્યાપક રજા ઉપર હોય કે અન્ય પ્રશ્ન હોય ત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અઘરી બને છે. વળી અહીં સાયન્સ આર્ટસ કે કોમર્સના વાદવિવાદનો મુદ્દો નથી કારણ  કે કોઈ વિદ્યાશાખાના અધ્યાપકો એવું નથી ઈચ્છતા કે બીજાને કામ વધારે આવે. આ આખી વાત નિયમોને કારણે ઊભી થતી વહીવટી, વ્યવહારુ સમસ્યાઓની છે અને આવા વ્યવહારુ પ્રશ્નો અનેક છે, જેના વિષે નવી શિક્ષણનીતિ મૌન છે.

જેમકે વિદ્યાર્થી સંખ્યા. નવી નીતિમાં વર્ગ સંખ્યા કોણ નક્કી કરશે? અધિકારીઓ કે શિક્ષણવિદો? હાલ શાળાઓમાં વર્ગ દીઠ 60 અને કોલેજોમાં ૧૫૦ સુધી પ્રવેશ અપાય છે. હવે માનસશાસ્ત્રના કયા સિદ્ધાંતો વર્ગ દીઠ આ સંખ્યાને આદર્શ માને છે? આમાં શિક્ષણ પરીક્ષણ સતત મૂલ્યાંકન અને નબળા પર વિશેષ ધ્યાન જેવા મુદ્દાઓ કેવી રીતે સિદ્ધ થાય? વળી સેમેસ્ટર સીસ્ટમ મુજબ દર છ મહિને પરીક્ષા લેવાની. પેપરલેસ થવાની વાતોમાં આપણી કોલેજોમાં કેટલો કાગળ બગડે છે તે તપાસાવું જરૂરી છે  જેમકે એક કોલેજમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓ છે.

આ કોલેજ દરેક સેમેસ્ટરમાં આજે પણ સત્રાંત પરીક્ષા યોજે જ છે. હવે ૨૦૦૦ વિદ્યાર્થી, સાત વિષયના સાત પેપર એટલે ૧૪૦૦૦ ઉત્તરવહી ઉપયોગમાં લેવાય. આવી આવી વર્ષમાં બે વાર પરીક્ષા લેવાય એટલે 28 હજાર ઉત્તરવહી વપરાય. આ જ રીતે યુનિવર્સિટીઓ પાંચ લાખ વિદ્યાર્થીઓની દર સેમેસ્ટરમાં પરીક્ષા લે તો કેટલો કાગળ વપરાય? આપણે પરીક્ષણના નવા માર્ગો વિચારવા પડશે અને જે નવા માર્ગો સૂચવાયા છે તે નૈતિક રીતે અમલમાં મૂકવા પડશે. નવી શિક્ષણ નીતિમાં દરેક વિષયને વ્યવહારુ બનાવવા પર ભાર મુકાયો છે. પ્રયોગાત્મકતા માત્ર વિજ્ઞાનમાં ના હોય, તમામ વિષયમાં હોય તે સ્વીકારાયું છે ત્યારે સરકારનું શિક્ષણ ખાતું અન્ય વિષયોમાં પ્રાયોગિક બાબતો મહત્ત્વની ગણે અને તે પણ કાર્યભારનો હિસ્સો બનાવે તો જ અન્ય વિષયમાં પણ પ્રયોગલક્ષી કામ થશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top