SURAT

પાટીલના આ 5 વિશ્વાસુ નેતાએ 41 ધારાસભ્યોને 31 કલાક સુધી સુરતની હોટલમાં આ રીતે સાચવ્યા, જાણો અંદરની વાત

સુરત (Surat): સોમવારે રાત્રે આઠ વાગ્યે સુરતની લા-મેરેડિયન હોટલ પર શિવસેનાના (Shivsena) પ્રથમ ધારાસભ્યની એન્ટ્રી થઇ ત્યારથી મંગળવારે મોડી રાત્રે બે વાગ્યે હોટલ પરથી ત્રણ બસમાં ધારાસભ્યને (MLA) એરપોર્ટ (Airport) પર રવાના કરાયા ત્યાં સુધી સુરત ભાજપના (BJP) પાંચ નેતા ખડેપગે સરભરામાં રહ્યા હતા. આ પાંચ સિવાય ભાજપના અન્ય કોઇ નેતાને હોટલ પર એન્ટ્રી અપાઇ ન હતી. સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં મહારાષ્ટ્ર સરકાર ઉથલાવવા માટેનું અને ભાજપની સરકાર રચવા માટેનું ઓપરેશન કમલને (Operation Kamal) ગુજરાત ભાજપે સફળ બનાવ્યું છે.

આ ઓપરેશન સફળ બનાવવા તથા ગુપ્તતા રહે એ માટે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સુરતમાં તેમના પાંચ વિશ્વાસુ નેતાઓને જ સામેલ કરાયા હતા. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ, સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટી ચેરમેન દિનેશ રાજપુરોહિત અને શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂતને સોમવારે રાત્રે હોટલ પર તૈનાત કરી દેવાયા હતા અને મહારાષ્ટ્રથી આવનાર મહેમાનોની ખાસ સરભરા કરવાની છે તેવી સૂચના અપાઇ હતી. જો કે, તેને ખબર નહોતી કે તેઓ ‘ઓપરેશન કમલ’નો હિસ્સો બની રહ્યા છે. થોડા મોડેથી સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સાંજે આઠ વાગ્યાથી મહારાષ્ટ્રના ધારાસભ્યો આવવાનો સિલસિલો શરૂ થયો હતો અને મધરાત્રે 12 વાગ્યા સુધીમાં મોટા ભાગના બળવાખોર ધારાસભ્યો આવી પહોંચ્યા હતા, તેમના માટે હોટલનો ત્રીજો માળ બુક કરી દેવાયો હતો. હોટલમાં પણ ઓનલાઇન અને ઓફલાઇન બુકિંગ બંધ કરી નવી એન્ટ્રી બંધ કરી દેવાઈ હતી. જ્યારે હોટલમાં ઊતરેલા અન્ય લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી દેવાયા હતા. તો અમુક આ તામજામ જોઇને અન્ય જગ્યાએ શિફ્ટ થઇ ગયા હતા.

દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખમાં હોટલ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ હતી. તમામ માળ, હોટલના ધાબા પર, એન્ટ્રી-એક્ઝિટ પર પોલીસ તૈનાત કરી દેવાઇ હતી. ત્યારે શહેર ભાજપના આ પાંચેય નેતાને જાણ થઇ હતી કે, મહારાષ્ટ્ર સરકારમાં બળવો થયો છે અને બળવો કરનારા ધારાસભ્યોને અહીં ખસેડાયા છે. ત્યારબાદ છેક મંગળવારે રાત્રે આ તમામને એરલીફ્ટ (Airlift) કરાયા ત્યાં સુધી અત્યંત ગુપ્તતાપૂર્વક આ પાંચેય નેતાઓએ પોતાને સોંપાયેલી કામગીરી બજાવી ઓપરેશન સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.

હોટલને ત્રણ વિગમાં વહેંચી દઈ ગુપ્તતા જળવાઈ
આખા ઓપરેશનમાં ગુપ્તતા જળવાઇ રહે એ માટે સુરતના આ પાંચેય નેતાઓએ વ્યૂહરચના ઘડી કાઢી હતી. કલબ હાઉસ તરફના ભાગમાં ધારાસભ્યોને ઉતારો અપાયો હતો. જ્યારે તેની સાથે આવેલા સ્ટાફને મેઇન વિગમાં રખાયા હતા. ધારાસભ્યો અને મંત્રીઓ સાથે આવેલા સક્યુરિટી સ્ટાફના મહારાષ્ટ્ર (Maharashtra) પોલીસના જવાનો હોવાથી તેને આ આખા ઓપરેશન બાબતે જાણકારી ના મળે એ જરૂરી હોવાથી આ સ્ટાફને વીક એન્ડ હોમમાં લઇ જવાયો હતો. જ્યારે હોટલમાં માત્ર શહેર ભાજપના પાંચ નેતા અને સુરત પોલીસ સિવાય કોઇને એન્ટ્રી અપાઇ ન હતી.

સુરત શિવસેનાના નેતાઓ ઊંઘતા રહ્યા, પરંતુ કોંગ્રેસે બસ અટકાવવા પ્રયાસ કર્યો
મહારાષ્ટ્રના રાજકારણનો હાઇવોલ્ટેજ ડ્રામા સુરતમાં ભજવ્યા બાદ મોડી રાત્રે બળવાખોર ધારાસભ્યોને લઈને બસ હોટલથી બહાર નીકળતાં કોંગ્રેસે મધ્ય રાત્રિએ વિરોધ નોંધાવ્યો હતો. સુરતના શિવ સૈનિકો રાત્રે ઊંઘતા રહ્યા હતા અને કોંગ્રેસે ભાજપની હાય હાય બોલાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સુરતના ડુમસ રોડ પર આવેલી ફાઇવ સ્ટાર હોટલમાંથી શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને લઈ રાત્રિના સવા બે વાગ્યે બસ બહાર નીકળી હતી. પોલીસે એસકોટ સાથે બસ બહાર નીકળી ત્યારે કેટલા કોંગ્રેસીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિત કેટલાક યુવા નેતાઓ રોડ પર ભેગા થયા હતા. બસને અટકાવવાનો પ્રયાસ થયો ત્યારે પોલીસે તેમને કોર્ડન કરી લીધા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની હાય હાય અને સી.આર.પાટીલની હાય હાય બોલવા સાથે લોકશાહી બચાવવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. મહારાષ્ટ્રમાં હવે શિવસેનાનું શાસન લગભગ જતું રહ્યું છે અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરતમાં રોકાયા હોય અને 24 કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં સુરત શિવસેના દ્વારા કોઈ વિરોધ પ્રદર્શન ન કરાતાં ભારે આશ્ચર્ય થયું છે.

Most Popular

To Top