Charchapatra

બચત એ વૃધ્ધાશ્રમનો બીજો દીકરો

આજની પેઢી બચત કરી શકતી નથી, કારણ ઘણાં બધાં છે, પણ દેખાદેખીનું વૈભવી જીવન જીવનારાઓમાંથી મોટા ભાગનાં લોકો ગુનો કરે અથવા આપઘાત! આપણા ફિલ્મસ્ટારોના ઈતિહાસને તપાસીશું તો રાજેશ ખન્ના (કાકા) પહેલાંની પેઢી લગભગ 1950 ની ફિલ્મી દુનિયાની પેઢીનાં કેટલાંક જાણીતાં કલાકારો એક ખોલીમાં મૃત્યુને શરણ થયાં, કારણ કે, તેઓ દર અઠવાડિયે વૈભવી શરાબ અને શબાબની પાર્ટીઓ રચી બોલીવુડને આમંત્રણ પાઠવી મઝા કરતા હતા. સોનાનો, ચાંદીનો ચમચો લઈ જન્મેલ રાજેશ ખન્ના (કાકા)એ અને ત્યાર પછીના ફિલ્મ જગતના તમામે જાણી લીધું કે, નામ અને દામ લાંબો વખત સાથ આપે તેમ નથી. તેથી તેઓએ તેમને અનુકૂળ હોય તેવા બીજા ધંધામાં માતબર રોકાણ કરી આજે પણ 70-80 વર્ષની ઉંમરે વૈભવી અને તન-મન-ધનને સાચવી મસ્ત જીવન જીવતાં જોઈએ છીએ.

જ્યારે, આજની પેઢી કસરને કંજૂસાઈ સમજે છે. ઘર હોય કે ઓફિસ, લાઈટ-પંખા બંધ ન કરવા, પાણીનો નળ પૂરેપૂરો બંધ ન કરવો (જેથી પાણી ટપકતું રહે અને બગડે છે) ચીજવસ્તુનું જતન કરવાનો તેમને સ્વભાવ જ નથી. પરિણામે, તેમની જિંદગી હપ્તા ભરીને જ પૂરી કરવી પડે છે અને દોષ જવાબદાર બીજાને ગણે છે. યુવાનીમાં કરેલ નાની બચતની યોજના વૃધ્ધાશ્રમમાં બીજા દીકરાની ગરજ સારે છે. તે આજના યુવાધન સમજે અને અનુસરે તો વૃદ્ધાશ્રમના દિવસોમાં પણ બીજાને બોજ બની રહેતો નથી. જેથી સૌના માન-પાનનો પણ હક્કદાર બને છે. કહેવાય છે કે, ગરીબ જન્મવું તે નસીબ છે, પણ ગરીબ જ થઈને મૃત્યુ પામવું તે બદનસીબ છે. માટે વૃધ્ધાશ્રમની શારીરિક-માનસિક અને આર્થિક મુશ્કેલીને સમજીને ભવિષ્ય તરફ નજર રાખે, આગળ વધે તો, પૂરું જીવન સાર્થક થશે. નહીં તો પછી, જેવાં જેનાં નસીબ!
સુરત     – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top