Gujarat

કિંગ ઓફ સારંગપુર : ગૃહમંત્રી અમીત શાહે 54 ફૂટની હનુમાનજીની પ્રતિમાના દર્શન કર્યા

ગાંધીનગર: સારંગપુર (Sarangpur) ખાતે ગઈ સાંજે જ કિંગ ઓફ સારંગપુર – 54 ફૂટની ભગવાન શ્રી હનુમાનજીની પ્રતિમાજીનું અનાવરણ કરાયું હતું. આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે આ હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરીને તેના ચરણોમાં અભિષેક કર્યો હતો. આ ઉપરાંત હાઈટેક કષ્ટભંજન ભોજનાલયનું લોકાર્પણ કર્યુ હતું.

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ ભોજનાલયના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગોપાળાનંદ સ્વામીના હસ્તે પ્રતિષ્ઠિત શ્રી સાળંગપુર ધામમાં આ ભવ્ય પ્રતિમાના લોકાર્પણ નિમિતે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિના જીવનમાં આવતા દુઃખ દર્દ અને સંકટ આવે ત્યારે શ્રી કષ્ટભંજન દેવની યાદ આવે. જેનો વ્યક્તિગત અનુભવ મને પણ છે. શાહે કહ્યું હતું કે, શ્રી ગોપાળાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની કરેલી આજીવન સેવાનું પુણ્ય આ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠામાં મૂક્યું હતું. જેનો પ્રતાપ આપણે સહુ અનુભવી રહ્યા છીએ. દાદાના દર્શને આવતા તમામ ભાવિકોને સારી રીતે દર્શન થાય એટલું જ નહીં ભોજન પ્રસાદની ઉત્તમ સુવિધા મળે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું કદાચ આ પહેલું તીર્થસ્થાન બન્યું છે. કષ્ટભંજન દેવના સ્થાનકમાં ગોપાળાનંદ સ્વામીએ પુણ્યોથી સીંચેલી આ ભૂમિમાં ભવ્ય પ્રતિમાની સ્થાપના અને પ્રસાદ માટે ભોજનશાળાના સુંદર આયોજન બદલ અમિત શાહે આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી, સર્વ સંતો અને હરિભક્તોને અભિનંદન પાઠવવાની સાથે તેઓએ ઉપસ્થિત સહુને હનુમાન જયંતીની શુભકામનાઓ પાઠવી હતી.

Most Popular

To Top