Gujarat

ગુજરાત રાજ્ય ભારતમાં પ્રાકૃતિક કૃષિનું ‘રોલ મોડલ’ બનશે : આચાર્ય દેવવ્રત

ગાંધીનગર: સાબરકાંઠા જિલ્લામાં આવેલી સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી (Natural farming) પરિસંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષિકારો સાથે સીધો સંવાદ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લાના ખેડૂતો સાથે વાર્તાલાપ કરી ખેડૂતોના અનુભવોની વિગતો મેળવી હતી અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના મંતવ્યો સાંભળ્યા હતા. ખેડૂતોને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું હતું કે, પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે. બંને સંકલિત હશે તો જ ખેડૂતોને યોગ્ય વળતર મળશે. અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતો પશુપાલન ક્ષેત્રે માહિર છે. ગુજરાત સરકાર પશુધનને બચાવવા કાર્યરત છે. પશુને લાભકારી બનાવી ખેડૂતો લાભ મેળવી શકે છે. પશુઓની નસલ સુધારી તેને વધુમાં વધુ લાભકારી બનાવી શકાય છે. રાજયપાલે વિશ્વાસ વ્યકત્ત કર્યો હતો કે ગુજરાત રાજ્ય ભારતમાં પ્રાકૃતિક કૃષિનું ‘રોલ મોડલ’ બનશે.

તેમણે કહ્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતાં કેન્સર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે. રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરીણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે.

ખેડૂતોને ઓર્ગેનિક ( જૈવિક) ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવતા કહયું હતું કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને ફળદ્રુપ બને છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે. જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે.

રાજ્યપાલે માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા હાકલ કરી હતી.
ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે, તેમ જણાવતાં રાજ્યપાલે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પ્રેરક બનશે એવો વિશ્વાસ રાજ્યપાલે વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top