Business

‘શાન’થી બોલિવુડમાં ટકી રહી છે સાન્યા મલ્હોત્રા

દંગલ’ની બબીતાકુમારી સાન્યા મલ્હોત્રાની કારકિર્દી ધીમી ચાલી રહી છે. તેણે સહઅભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરેલી એટલે મુખ્ય અભિનેત્રી બનવાનો રસ્તો લાંબો તો રહેવાનો જ. ૨૦૧૬ થી આજ સુધીમાં કુલ સાત ફિલ્મો આવી છે એટલે કહી શકો કે દર વર્ષે તેની એક – એક ફિલ્મ આવી છે. તેને સારા દિગ્દર્શકોની સારા વિષયવાળી ફિલ્મો મળી છે પણ ‘બધાઇ હો’ સિવાય કોઇ સફળ નથી થઇ અને કોઇ ફિલ્મની સફળતા તેને નામે નથી ચડી. ‘શકુંતલા દેવી’માં વિદ્યાબાલન છવાયેલી હતી. ‘લુડો’માં અભિષેક બચ્ચન હતો. અને તેનો દિગ્દર્શક અનુરાગ બસુ હતો. ‘ફોટોગ્રાફ’ માં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી હતો. હા, ‘પગલૈટ’માં સાન્ય મુખ્ય અભિનેત્રી હતી પણ ફિલ્મ જ સફળ ન જાય તો મુખ્ય ભૂમિકા મળે તેનું ય શું કરવું?

ખેર! જે ફિલ્મો રજૂ થઇ અને ગઇ તે તો ગઇ. સાન્યા હવે હીરોઇન તરીકે ‘મીનાક્ષી સુંદરેશ્વર’માં આવી રહી છે. જેમાં એકબીજાથી સાવ અજાણ્યા એકબીજાને પરણે છે. એકબીજાની અટક જોઇને તેઓ પરણ્યા છે અને તેમનો સંઘર્ષ શરૂ થાય છે. સાન્યા આ ફિલ્મના વિષયથી તો ખુશ છે પણ હીરો અભિમન્યુ દાસાણી છે. ભાગ્યશ્રીનો આ દિકરો ‘મર્દ કો દર્દ નહીં હોતા’ માં આવી ચુકયો છે પણ તેમાં નિષ્ફળ રહ્યો હતો.

સાન્યા ફિલ્મો પસંદ કરી શકે પણ સહઅભિનેતા પસંદ કરવા જેટલી હેસિયત હજુ કયાંથી હોય? પરંતુ આજકાલ ઓટીટી પ્લેટફોર્મ પર નાની ફિલ્મો ય ચાલી જાય છે એટલે સાન્યાને પણ એવી આશા છે. સાન્યાની બીજી ફિલ્મ છે ‘લવ હોસ્ટેલ’, અને તેમાં તે વિક્રાંત મેસ્સી ને બોબી દેઓલ સાથે આવી રહી છે. સાન્યાને તમે જરૂર બિરદાવી શકો. હીરોઇન બનવાનો રસ્તો આસાન નથી હોતો પણ તે નાની ફિલ્મો લે ત્યારે કાળજી રાખે છે કે તેમાં તે જ મુખ્ય ભૂમિકામાં હોય. દિગ્દર્શક શંકર રમણની આ ફિલ્મ ઉત્તર ભારતના બેકડ્રોપમાં બની છે. એ એક ક્રાઇમ થ્રીલર છે. સાન્યાના એક સંયમને નોંધવું પડે કે તેણે હજુ એકપણ વેબસિરીઝમાં કામ નથી કર્યું.

તેની ‘મીનાક્ષી સુંદરેશ્વર’ નેટફલિકસ ઓરીજિનલ ફિલ્મ છે અને ‘લુડો’, ‘પગલૈત’ પછી લાગલગાટ આ ત્રીજી ફિલ્મ છે જે નેટફલિકસ માટે કરી હોય. ‘શકુંતલા દેવી’ પણ ઓટીટી પ્લેટફોર્મ પર જ રજૂ થયેલી પણ એમેઝોન પ્રાઇમ વિડીયો પર. સાન્યા કન્ટેમ્પરરી અને બેલે નૃત્ય શીખી છે પણ તેનો ઉપયોગ હજુ વધુ થયો નથી. પરંતુ અત્યારે તે કામ મળતું રહે એની જ નજર રાખે છે. સાનિયાની સારી વાત એ પણ છે કે આમીર ખાનનો આધાર લીધા વિના તે આગળ વધી છે. દિલ્હીથી આવી હોય ને મુંબઇમાં સ્વતંત્ર રીતે આગળ વધતી હોય એ માટે પણ સાન્યાની પ્રશંસા કરી શકો.

તેણે હજુ લગ્ન પણ નથી કર્યા પણ કહે છે કે તે પરણવા તૈયાર છે પણ નકકી નથી કે આવો જ યુવાન તેને જોઇએ છે. ‘કોઇ ભી મીલ જાયે ચલેગા.’ જોકે આટલું કહ્યા પછી હસીને ઉમેરે છે. સાવ એવું તો નથી. મને એવો વ્યકિત ફાવશે કે જે મેન્ટલી અને સ્પિરિચ્યુઅલી સભાન હોય. મારા મિજાજને સમજતો હોય તો બેસ્ટ. હવે, આવો વ્યકિત તો બધાને જોઇતો જોય છે. એટલે જોઇએ કે સાન્યાને મળે છ તે કેવો છે? અત્યારે તે લગ્ન માટે યોગ્ય વ્યકિતથી વધુ ફિલ્મના યોગ્ય પાત્ર જ શોધે છે.

Most Popular

To Top