Comments

શાળામાંથી સંસ્કાર મળે પણ ખરા અને ના પણ મળે ,તો ઉપાય શું?

જૂદી જૂદી વિભાવનાવાળા શબ્દો એક અર્થમાં વાપરવા અને તમામ બાબતોનું સરળ સામાન્યીકારણ કરવું તે આપણી નબળાઈ છે. જેમકે સંસ્કાર અને ટેવ વચ્ચે તફાવત છે. રૂઢિ, પરમ્પરા અને સંસ્કૃતિ વચ્ચે પણ તાત્ત્વિક ભેદ છે, પણ આપણે રોજબરોજની વાતચીતમાં આ બધું ભેગું કરી નાખીએ છીએ. એક તો ભારતમાં ઔપચારિક શિક્ષણ શરૂ થયાનાં આટલા વર્ષ પછી પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે બાળકોને શાળામાંથી સારા સંસ્કાર મળે! હવે આ શિક્ષણવ્યવસ્થામાં શિક્ષણ માંડ માંડ મળે છે તો સંસ્કાર ક્યાંથી મળે! ન મળે એવું નથી, પણ મળે ખરા અને ના પણ મળે.

શિક્ષક દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત ભણાવતો નથી તો તેની વ્યક્તિગત બાબતોનું ધ્યાન ક્યાંથી રાખે? હા, ઘણા એવું માને છે કે સારી સારી વાર્તાઓ કહેવાથી બાળકોમાં સંસ્કાર આપોઆપ આવે.જો આવું માનતા હો તો તે ભૂલભરેલું છે. ખરેખર તો આપણે સંસ્કાર અને ટેવનો ભેદ સમજવાની જરૂર છે. જે બાબત પ્રયત્નપૂર્વક શીખવાડવામાં આવે છે તે  છે બાળક એ ગમે કે ના ગમે કરે છે. મન જુદી દિશામાં હોય અને વર્તન જુદી દિશામાં હોય તે ટેવમાં બની શકે છે. ટેવ મોટે ભાગે બાહ્ય વર્તન છે જે જોઈ શકાય છે ઔપચારિક છે. જયારે સંસ્કાર એ અનાયાસે વર્તનમાં પ્રગટે છે, જેમાં એક માનવકલ્યાણનો વિચાર હોય છે. તેમાં સદ્ગુણ હોય છે. બાળક જગતના નિરીક્ષણમાંથી અનાયાસે જ સારા નરસાનો ભેદ સમજવા માંડે છે તે સંસ્કાર છે. તેને સૂચિત ના કરો તો પણ તે મુજબ વર્તે છે.

શક્ય છે કે ટેવ લાંબા ગાળે સંસ્કારમાં પરિવર્તિત થાય અને સંસ્કાર મુજબ વર્તનની માણસને ટેવ પડે. એટલે ભેદ ટૂંકા ગાળાનો અને આયાસ, અનાયાસનો છે. પણ શરૂઆતના તબક્કે અને શીખવાડવાની પદ્ધતિના સંદર્ભે તો ટેવ અને સંસ્કાર જુદા જ છે. હવે મુદ્દો એ છે કે સંસ્કાર આપવાનું કામ સ્કૂલનું જ છે? શું સંસ્કાર માત્ર શાળામાંથી જ મળે? ના, કદાચ સારી સ્કૂલમાંથી બાળક સારી ટેવો શીખે અને આ ટેવો જ લાંબા ગાળે તેના સહજ સંસ્કાર બને, પણ બાળકનું સહજ અને સમગ્ર વર્તન તો આખું સામાજિક પર્યાવરણ નક્કી કરે છે અને તેમાં મોટો ભાગ ઘર પરિવારનો છે. ખાસ કહીએ તો ઘરના વડીલો કઈ રીતે વર્તે છે.

શું વિચારે છે, શું કરે છે તે જોતાં જોતાં બાળક ઘડાય છે. આપણે એવું માનીએ કે બાળકને તો જેવું શીખવાડીએ તેવું તે શીખે તો તે ભૂલભરેલું અને અર્ધ સત્ય છે. બાળક સતત આપણને જોતું હોય છે. આપણા વાણી, વર્તનને જોતું હોય છે. ધ્યાન રાખતું હોય છે. આપણે બાળકને ભલે કહીએ કે સાચું બોલવું, ચોરી ના કરવી, નફરત અને ગુસ્સો સારા નહિ, વગેરે. પણ જો આપણે જ તેની હાજરીમાં અન્ય સાથેની વાતમાં જૂઠું બોલતા હોઈએ, વારે વારે ગુસ્સો કરતા હોઈએ, ચોરી તો ડગલે ને પગલે હોય, નફરત અને હિસ્સાનું પ્રમોશન હોય તો બાળક આ નહીં કહેવાયેલી વાતો જ ગ્રહણ કરશે. કારણ તે આપણા, વડીલોના વર્તનમાં તેણે જોઈ છે.

 આજના સમયમાં સંગત ,મિત્રતા, બાળકના ઘડતરમાં મોટો ફાળો આપે છે. જાણ્યે અજાણ્યે બાળક રોલ મોડલ નક્કી કરે છે. તેને તેનો તોફાની મિત્ર સારો લાગે છે. તે તેની સિગારેટ ફૂંકવાની સ્ટાઈલથી મોહિત છે. ક્યારેક મિત્ર નહિ તો મિત્રના મા બાપ બાળકના મનમાં રોલ મોડેલ બને છે. ગાડીવાળા , એક ફોન પર કામ પતી જાય એવો વટ રાખનારા બાપા…..બાળકના મનમાં ક્યાં ક્યાંથી મુદ્દા આવે છે એટલે તે માત્ર શાળામાં જ બધું શીખશે.. સ્કૂલ જ તેને સંસ્કારી બનાવશે તે વાત ભૂલી જજો અને આ વેકેશનમાં તે જ્યારે ઘરે હોય,  આપણી સાથે હોય ત્યારે આપણે જ સારું વર્તન કરવું, જેથી તેનામાં સારા સંસ્કાર પડે. ઘરમાં સ્ત્રીઓને સન્માન આપો, સફાઈ કામદારો અને કામ  કરનારા સાથે આદરથી વર્તો.

સામાન્ય વાતચીતમાં નફરત અને હિંસાને વ્યાજબી ના ઠેરવો. વડીલ આવ્યા, પગે લાગો …ચલો અંકલને શ્લોક સંભળાવો ….હાથ ધોયા વગર જમવા ન બેસો ..રમીને આવો તો હાથ પગ ધોવો … આ બધી ટેવ છે, જે આયાસપૂર્વક બાળકને શીખવી શકાય છે પણ શ્રમનું ગૌરવ..માનવ મૂલ્યોનો આદર ..સમાનતા અને નિર્ણયની સ્વતંત્રતા જેવા સદ્ગુણો તો આપણા વર્તનમાં હશે તો બાળકના વર્તનમાં આવશે….કહેવત છે ને કૂવામાં હોય તો હવાડામાં આવે….બધું સ્કૂલમાંથી નહીં આવે, થોડું ઘર પરિવારમાંથી આપવાનું રાખો.. વેકેશન છે…સંસ્કારી રહો તો સંસ્કાર આપોઆપ આવશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top