Editorial

ક્રિપ્ટોકરન્સી અંગે વિશ્વના દેશોની સરકારો કોઇ નક્કર, સહિયારો નિર્ણય વહેલી તકે લે તે જરૂરી

ક્રિપ્ટોકરન્સી કે ડિજિટલ ચલણ ફરી એક વાર ચર્ચામાં છે. આ વિશિષ્ટ પ્રકારના ચલણને અસ્તિત્વમાં આવ્યાને એક દાયકા કરતા વધુ સમય થયો છે પરંતુ હજી પણ દુનિયાના મોટા ભાગના દેશોએ આ ચલણને માન્યતા આપી  નથી અને આ ડિજિટલ ચલણ હજી પણ શંકાઓ ઉપજાવનારુ જ રહ્યું છે. અનેક નિષ્ણાતો આ ચલણને ખૂબ જોખમી અને અર્થતંત્રમાં વ્યાપક અસ્થિરતા સર્જી શકે તેવું ગણાવ્યું છે અને તેમની વાત અનેક વખત સાચી પડતી  જણાઇ છે. દુનિયામાં સોથી પહેલા પ્રચલિત બનેલું બિટકોઇન તો અનેક જંગી ચડાવ ઉતાર જોઇ ચુક્યું છે.

તેમાં ઘણા લોકો કમાયા છે તો ઘણા રોકાણકારોની મિલકતો ધોવાઇ ગઇ છે. બિટકોઇન પછી એક પછી એક અસ્તિત્વમાં  આવેલા ક્રિપ્ટો ચલણો પણ આ જ રીતે મોટા ચડાવ ઉતાર બતાવવા માંડ્યા. હાલ છેલ્લા થોડાક દિવસમાં લગભગ તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સીઓની કિંમતોમાં જે મોટું ધોવાણ થયું છે તેના પરથી નિષ્ણાતો અને વિશ્લેષકોનો એ  ભય ફરી એકવાર સાચો પુરવાર થયો છે કે આ ડિજિટલ ચલણ અર્થતંત્ર માટે ખૂબ જોખમી સાબિત થઇ શકે છે. અને નિયંત્રણ હીન સ્થિતિમાં તેના સોદાઓ વિશ્વભરમાં બેરોકટોક થાય છે તે સ્થિતિ વધુ જોખમી બની રહી છે.

હાલમાં ગુરુવારે અનેક ક્રિપ્ટોકરન્સીઓ અને ડિજિટલ ચલણની કિંમતો મોટા પ્રમાણમાં ગગડી ગઇ હતી અને પરિણામે ક્રિપ્ટો બજારમાં રોકાણકારોની અબજો ડોલરની મિલકતો ધોવાઇ ગઇ. જે વિશ્વની સૌથી પહેલી અને સૌથી  વધુ પ્રચલિત ક્રિપ્ટોકરન્સી મનાય છે તે બિટકોઇનમાં ૧૧.૨૪ ટકાનો ઘટાડો થયો જ્યારે ૨૪ કલાકના ગાળામાં ઇથેરિયમ ૨૦ ટકા જેટલો ગગડી ગયો, લુના નામના એક બહુ જાણીતા નહીં એવા ડિજિટલ ચલણમાં તો ૯૮ ટકા  જેટલો જંગી કડાકો સર્જાયો! ક્રિપ્ટો-વિન્ટર કહેવાતી ઘટનામાં લગભગ તમામ જાતના ક્રિપ્ટોચલણોમાં ગુરુવારે મોટા કડાકા સર્જાયા છે. વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ક્રિપ્ટોચલણ ઇથેરિયમ પણ આ કડાકાઓમાં જોડાયું છે અને  તેના મૂલ્યમાં ૨૦ ટકાનું ધોવાણ થયું છે.

ગુરુવારે ફક્ત એક જ દિવસમાં ક્રિપ્ટો બજારમાં રોકાણકારોની ૨૦૦ અબજ ડોલર કરતા વધુની મિલકતો ધોવાઇ ગઇ. આ ક્રિપ્ટો કરન્સીઓમાં છેલ્લા કેટલાક દિવસથી ધોવાણ ચાલુ હતું  અને ગુરુવારે તો તેમનામાં મોટા કડાકા સર્જાયા છે પરિણામે આ ગુરુવાર અનેક રોકાણકારો માટે બ્લેક થર્સડે સાબિત થયો.  આ વર્ષ દરમ્યાન ઇથેરિયમે તેનું અડધું મૂલ્ય ગુમાવી દીધું છે, જાન્યુઆરીથી બિટકોઇનની કિમતમાં  ત્રીજા ભાગનું ધોવાણ થયું છે જ્યારે લુના નામના એક બહુ જાણીતા નહીં તેવા ક્રિપ્ટો ચલણમાં તો રાતો રાત ૯૮ ટકા જેટલું ધોવાણ થઇ ગયું છે. અને આ ક્રિપ્ટોકરન્સીઓમાં ધોવાણ પછી શેરબજારોમાં પણ મોટા કડાકા આવે  તેવો ભય કેટલાક વ્યક્ત કરી રહ્યા છે કારણ કે ડિજિટલ ચલણોમાં મોટા ઘટાડાઓ છતાં અનેક સારા શેરો પણ નબળો દેખાવ કરી રહ્યા છે.

શેરો પણ ગગડી રહ્યા છે પરંતુ ક્રિપ્ટોકરન્સીઓની અસ્થિરતા વધુ જોખમી જણાઇ રહી  છે. સૌથી મોટો કડાકો તો લુના નામના એક બહુ જાણીતા નહીં એવા ડિજિટલ ચલણમાં થયો છે. રાતો રાત તેની કિંમત ૯૮ ટકા જેટલી ઘટી ગઇ છે અને એક જાણીતા ડિજિટલ કરન્સી એક્સચેન્જ કોઇનબેઝ દ્વારા ચેતવણી  આપવામાં આવી છે કે આ ચલણમાં રોકાણ કરનારાઓ તેમના રોકાણની તમામ રકમ ગુમાવી બેસી શકે છે. ક્રિપ્ટોકરન્સીઓમાં હાલ થયેલા મોટા ધોવાણ માટેનું કારણ એ આપવામાં આવે છે કે રોગચાળા દરમ્યાન અર્થતંત્રને વેગ  આપવા માટે વિશ્વભરના દેશોમાં ધિરાણના દરો વિક્રમી નીચા દરે ગયા હતા પરિણામે રોકાણકારો ઉંચા વળતરની લાલચે ક્રિપ્ટોકરન્સી જેવી જોખમી મિલકતોમાં રોકાણ કરવા પ્રેરાયા હતા. જો કે હવે અનેક દેશોમાં ફુગાવો  આભને આંબવા માંડ્યો છે ત્યારે વ્યાજના દરોમાં વધારો થવા માંડ્યો છે પરિણામે આ જોખમી મિલકતો સલામત સરકારી બોન્ડો ખરીદવા માટે રોકાણકારોએ વેચવા માંડી છે તેથી ક્રિપ્ટો જેવી મિલકતોની કિંમતમાં ધોવાણ થવા માંડ્યું છે.

આ ક્રિપ્ટોકરન્સીઓને સત્તાવાર માન્યતા આપવા અંગે દુનિયાના દેશોની સરકારો હજી અવઢવમાં છે. આ ચલણ અત્યાર સુધી અનિયંત્રિત જ રહ્યું છે. મોટા ભાગના દેશોમાં એવી સ્થિત છે કે આ ચલણને ગેરકાયદે પણ જાહેર  કરાયું નથી તો તેને સત્તાવાર માન્યતા પણ અપાઇ નથી. ભારત સરકારે પણ તેને સત્તાવાર માન્યતા આપવાથી દૂર જ રહેવાનું પસંદ કર્યું છે અને તેના જોખમો અંગે લોકોને સરકારે અનેકવાર સાવધ કર્યા છે. મધ્ય અમેરિકાના  અલ-સાલ્વાડોર નામના એક દેશે બિટકોઇનને સત્તાવાર માન્યતા આપી છે અને તેમાં મોટું રોકાણ પણ કર્યું છે, પરંતુ હાલના કડાકામાં તેને મોટુ નુકસાન ગયું છે અને આ નાનકડા દેશનું અર્થતંત્ર હચમચી જાય તેવા સંજોગો ઉભા  થયા છે. આવી સ્થિતિમાં હવે વિશ્વના દેશો ક્રિપ્ટોકરન્સીઓ અંગે કોઇ નક્કર નિર્ણય લઇ લે અને ક્યાં તો આ ચલણને માન્યતા આપીને વ્યવસ્થિત નિયમનો હેઠળ મૂકે ક્યાં તો તેને સદંતર ગેરકાયદે જાહેર કરી દે તે હવે સમયનો  તકાજો છે.

Most Popular

To Top