Columns

ડોલર સામે રૂપિયો ગબડી રહ્યો છે તેમ ભારતનું અર્થતંત્ર પણ ખાડે જઈ રહ્યું છે

પેલી હમ્પટી ડમ્પટીની વાર્તા યાદ છે? હમ્પટી ડમ્પટી દિવાલ પર ચડ્યા, હમ્પટી ડમ્પટી ગબડી પડ્યા, હમ્પટી ડમ્પટી ભાંગી ગયા, રાજાના બધા ઘોડાઓ મળીને હમ્પટી ડમ્પટીને જોડી ન શક્યા. આ કથા ભારતના રૂપિયાને મળતી છે. ભારતને જ્યારે આઝાદી મળી ત્યારે એક ડોલરની કિંમત એક રૂપિયા જેટલી હતી. રૂપિયો નબળો પડતો ગયો અને ડોલર મજબૂત બનતો ગયો તેમ રૂપિયાના ભાવો પણ ગગડતા ગયા. ૧૯૮૦ માં એક ડોલરની કિંમત વધીને ૭.૮૬ રૂપિયા પર પહોંચી હતી. ૧૯૯૦ માં તે ૧૭.૦૧ અને ૨૦૦૦ માં તે વધીને ૪૩.૫૦ રૂપિયા પર પહોંચી હતી. ૧૯૯૦ ના દાયકામાં ડોલરના ભાવો વધીને અઢી ગણા થઈ જવાનું મુખ્ય કારણ ભારતની ઉદારીકરણની નીતિ હતી. ૨૦૧૪ માં ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા ત્યારે એક ડોલરની કિંમત ૫૯.૪૪ રૂપિયા હતી. નરેન્દ્ર મોદીનો દાવો હતો કે તેઓ રૂપિયાની કિંમત વધારશે, પણ તેમાં તેમને સફળતા મળી નથી. તાજેતરમાં ડોલર વધીને ૭૭ રૂપિયાની પણ ઉપર પહોંચી ગયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રૂપિયાની ધૂમ ખરીદી કરવામાં આવી હોવા છતાં ભારત સરકાર રૂપિયાને કોઈ રીતે ગબડતો અટકાવી શકી નથી.

ભારતના સામાન્ય નાગરિકને સવાલ થશે કે ડોલરના ભાવો વધે કે રૂપિયાના ભાવો ઘટે તેનાથી દેશના અર્થતંત્ર પર અને ખાસ કરીને આમ નાગરિકની જિંદગી પર શું અસર થાય છે? આ સવાલનો જવાબ ગોતવા આપણે ડોલરના ભાવો કેવી રીતે નક્કી થાય છે? તેનો અભ્યાસ કરીશું. ૧૯૪૪ ની સાલથી અમેરિકાનો ડોલર જાગતિક ચલણ છે. દુનિયાનો ૮૫ ટકા વિદેશ વ્યાપાર ડોલરના માધ્યમથી થાય છે. દાખલા તરીકે ભારત સાઉદી અરેબિયાથી ખનિજ તેલની આયાત કરે તો તેની ચૂકવણી ડોલરમાં કરવી પડે છે. દુનિયાની સેન્ટ્રલ બેન્કો રિઝર્વ કરન્સી તરીકે ડોલરનો ઉપયોગ કરે છે. આ કારણે ડોલરની જેમ જેમ ડિમાન્ડ વધતી જાય છે તેમ તેના ભાવો પણ વધતા જાય છે.

હવે સવાલ એ થશે કે ભારતનો રૂપિયો શા માટે કાયમ ડોલર સામે નબળો પડ્યા કરે છે? તેનો જવાબ ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ છે. જે ચીજની ડિમાન્ડ વધુ હોય તેના ભાવો સતત વધ્યા કરે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલરની જેટલી ડિમાન્ડ છે, તેના પ્રમાણમાં તેનો પુરવઠો ઓછો પડતો હોવાથી ડોલરના ભાવો સતત વધ્યા કરે છે. તેથી વિરુદ્ધ ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતના રૂપિયાની જેટલી ડિમાન્ડ છે, તેના કરતાં પુરવઠો વધુ હોવાથી તેના ભાવો ઘટ્યા કરે છે. આપણે અમેરિકામાં અને બીજા દેશોમાં જેટલી નિકાસ કરીએ છીએ તેના કરતાં વધુ આયાત કરીએ છીએ. આ કારણે આપણને કાયમ વધુ ડોલરની જરૂર રહે છે. આ ડોલર આપણે ઇન્ટરનેશનલ ફોરેક્સ માર્કેટમાંથી રૂપિયા વડે ખરીદતા હોવાથી રૂપિયાની કિંમત ઘટે છે અને ડોલરની વધે છે.

વર્તમાનમાં ડોલરના ભાવો વધવાનું કારણ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ છે. રશિયા ખનિજ તેલની નિકાસ કરતો દુનિયાનો બીજા નંબરનો મોટો દેશ છે. યુદ્ધને કારણે રશિયાથી આવતો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેને કારણે ખનિજ તેલના ભાવો વધી રહ્યા છે. ભારત ખનિજ તેલનો દુનિયાનો ત્રીજા નંબરનો મોટો વપરાશકાર દેશ હોવાથી ભારતને ભાવવધારાની ગંભીર અસર થઈ છે. ખનિજ તેલના ભાવો વધે તેને કારણે બીજી કોમોડિટીના ભાવો પણ વધે છે. રશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે તેમ ચીનમાં કડક લોકડાઉન ચાલી રહ્યું હોવાથી ચીનથી આવતા માલનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. તેને કારણે ભારતના બજારમાં અમુક ચીજોની અછત પેદા થતાં તેના ભાવો વધી ગયા છે.

રૂપિયાના ભાવો વધવાનું બીજું કારણ વિદેશી રોકાણકારોની રમત છે. તેમને ભારતનું અર્થતંત્ર મજબૂત જણાય ત્યારે ડોલર લઈને ભારતનાં બજારોમાં રોકાણ કરવા આવી જાય છે, જેને કારણે ડોલરનો પુરવઠો વધતાં તેના ભાવો નીચા જાય છે. જ્યારે ભારતનું અર્થતંત્ર નબળું પડે ત્યારે તેઓ ભારતના શેર બજારમાં અને બોન્ડ માર્કેટમાં વેચાણ કરીને પોતાના ડોલર પાછા મેળવવા મથે છે. તેને કારણે ડોલરની ડિમાન્ડ વધતાં તેના ભાવો પણ વધે છે અને રૂપિયો નબળો પડે છે. વર્તમાનમાં અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરો વધારવામાં આવ્યા હોવાથી વિદેશી કંપનીઓ ભારતના બજારમાં વેચાણ કરી રહી છે, જેને કારણે ડોલરના ભાવો વધી રહ્યા છે. ભારતનું અર્થતંત્ર પણ વિદેશી નાણાં સંસ્થાઓનું ગુલામ બની ગયું છે. તેઓ ભારતમાં મૂડીરોકાણ કરવા આવે ત્યારે આપણું અર્થતંત્ર તેજીમાં આવી જાય છે અને તેઓ મૂડી પાછી ખેંચી લે ત્યારે મંદીમાં સપડાઈ જાય છે. આ કારણે વિદેશી રોકાણકાર કંપનીઓ ભારતના અર્થતંત્રને જેમ નચાવવું હોય તેમ નચાવી શકે છે.

ડોલરના ભાવો વધે કે ઘટે તેનો પ્રભાવ આપણા અર્થતંત્રની જેમ આપણા ઘરેલુ બજેટ પર પણ પડ્યા વિના રહેતો નથી. ડોલરના ભાવો વધે છે ત્યારે ખનિજ તેલના ભાવો વધે છે. ખનિજ તેલના ભાવો વધે ત્યારે પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસના ભાવો પણ વધે છે. પેટ્રોલ અને ડિઝલના ભાવો વધે ત્યારે અનાજ, કઠોળ, શાકભાજી અને ફળફળાદિના ભાવો પણ વધે છે. તેને કારણે બજારમાં તૈયાર ખાદ્ય ચીજોના ભાવો પણ વધે છે. બસનું અને રિક્ષાનું ભાડું વધે છે. મોંઘવારી વધે તો માણસોની મજૂરીના દરો પણ વધે છે. તેને કારણે ઉત્પાદન ખર્ચ વધે છે. આ રીતે મોંઘવારી પેદા થાય છે.

ઘરઆંગણે મોંઘવારી વધવાનું બીજું કારણ સરકાર દ્વારા છાપવામાં આવતી કરન્સી નોટો છે. ભારત સરકાર રૂપિયાની નોટો છાપીને પોતાના ખર્ચા કાઢતા હોવાથી બજારમાં રૂપિયાનો પુરવઠો વધી જાય છે, જેને કારણે કોમોડિટીના ભાવો વધતાં મોંઘવારી પણ વધે છે. તાજેતરમાં ભારતમાં ઉપભોક્તા ભાવાંક ૭.૭૯ ટકા પર પહોંચી ગયો છે, જે ૮ વર્ષમાં સૌથી વધુ છે. રિઝર્વ બેન્કના ગણિત મુજબ જો છૂટક ભાવો ૬ ટકાથી વધી જાય તો ગંભીર બાબત કહેવાય. સતત ચાર મહિનાથી મોંઘવારી ૬ ટકાથી વધુ છે. જથ્થાબંધ ભાવાંક તો ૧૪ ટકાના દરે વધી રહ્યો છે. તેને કારણે આમ આદમી મોંઘવારીની પીડા ભોગવી રહ્યો છે. તેથી વિરુદ્ધ શ્રીમંત અને ઉચ્ચ મધ્યમ વર્ગને કંઈ ફરક પડતો નથી, કારણ કે બજારમાં રૂપિયાનો જથ્થો વધવાથી તેમની આવક પણ વધી છે.

ભારત સરકારને બરાબર ખબર છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયો ગબડે છે તેમ સરકારની ઇજ્જત પણ ગબડે છે. આ કારણે સરકાર રિઝર્વ બેન્કને ડોલર વેચીને રૂપિયા ખરીદવાનું કહે છે. આજકાલ રિઝર્વ બેન્ક ઇન્ટરનેશનલ માર્કેટમાં ધૂમ ડોલર વેચીને રૂપિયા ખરીદી રહી છે. તે માટે તે હૂંડિયામણના ભંડારો ખાલી કરી રહી છે. ૨૦૨૧ ના સપ્ટેમ્બરમાં ભારત પાસે ૬૩૫ અબજ ડોલરનો ભંડાર હતો તે ઘટીને ૬૦૦ અબજ ડોલરની અંદર સરકી ગયો છે. તેમ છતાં રિઝર્વ બેન્ક રૂપિયાનું પતન રોકી શકી નથી. આ રીતે ડોલર વેચીને રૂપિયાને બચાવવાની પણ મર્યાદા હોય છે.

જ્યારે જ્યારે ભારતનો રૂપિયો ગગડે છે ત્યારે નિકાસકારોને જલસા થઈ જાય છે, કારણ કે તેમણે પોતાની નિકાસ ડોલરમાં કરી હોય છે, પણ તેનું પેમેન્ટ રૂપિયામાં આવતું હોય છે. ધારો કે કોઈ નિકાસકારે ૧ કરોડ ડોલરનો માલ વેચ્યો હોય તો તેને ૭૫ કરોડ રૂપિયાને બદલે ૭૭ કરોડ રૂપિયા મળે છે. એનઆરઆઈનાં ખાતાંમાં ૧૦ લાખ ડોલર હોય તો તેને ૨૦ લાખ રૂપિયાનો ફાયદો થાય છે. સરવાળે રૂપિયો નબળો પડે ત્યારે આમ નાગરિકને નુકસાન થાય છે અને ધનિકોને લાભ થાય છે.  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top