Charchapatra

કેસર કેરીના નામે ઉઘાડી લૂંટ

કુદરતે કેરી નામનું ફળ બનાવીને માનવજાત ઉપર બહુ મોટી કૃપા કરી છે. કારણકે ગરમીની ઋતુમાં કેરીનો રસ (આમરસ) પીવાથી મનને ટાઢક થાય છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે એને કેરી પસંદ ના હોય. અગાઉના જમાનામાં દેશી કેરીઓની બોલબાલા હતી અને દરેક ઘરોમાં દેશી કેરી અને બે પડવાળી રોટલી બનાવવામાં આવતી હતી. પરંતુ હવે જમાનો બદલાયો, કુટુંબો સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબમાં પરિવર્તિત થવા લાગ્યાં. ગૃહિણીઓ નોકરી કે વેપાર ધંધામાં જોતરાવા લાગી. આ બધાં કારણોસર દેશી કેરીની જગાએ અન્ય કેરીઓ જેવી કે કેસર, પાયરી, લંગડો, તોતાપુરી, હાફુસ, બદામ, રાજાપુરી, ગોલા, દશેરી,નિલમ જેવી કેરીઓનું મહત્ત્વ વધવા લાગ્યું અને ગૃહિણીઓ મિક્સરમાં કેરીનો રસ બનાવવા લાગી.

આમ તો દરેક કેરીનું આગવું મહત્ત્વ છે, પરંતુ કેસર કેરીની વાત કંઈ ઔર જ છે. મોટા ભાગના લોકો કેસર કેરી ખાવાનું વધારે પસંદ કરે છે. પરંતુ આપણે કેસરના નામે જે કેરી ખાઈએ છીએ એ અસલ કેસર કેરી છે ખરી? કેસર કેરીના નામે ગ્રાહકોને લૂંટવા માટે દરેક ગામમાં તથા દરેક હાઈ વે ઉપર કેસર કેરીનાં ખોખાં નજરે પડે છે. આ કેરીઓ કાર્બાઇડથી પકવેલી હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વેપારીઓ કેસર કેરીના નામે લોકો સાથે રીતસરની છેતરપિંડી જ કરે છે. કારણકે અસલી કેસર તો વિદેશોમાં એક્ષપોર્ટ

થાય છે. ગીર તલાલામાં પાકતી કેરી અસલ કેસર કેરી છે, જેનું ફળ ઘણું મોટું હોય છે તથા એની છાલ લીલી હોય છે. કેસર કેરીની મહેંક પણ એટલી સુંદર હોય છે કે ખાવા માટે આપણું મન લલચાય છે. કેસર કેરી એકદમ કેસરી અને સ્વાદમાં તદ્દન મીઠી હોય છે. પરંતુ આ પથારાવાળાઓ કેસર કેરીના નામે ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ કરે છે. બીજું આ લોકો એટલાં ચાલાક હોય છે, તેથી અમુક કેરીઓ ઉપર નિશાની કરી રાખે છે, એ કેરીમાં સેકરીનનું ઇન્જેક્શન આપેલું હોય છે તેથી ગ્રાહકને તે કેરી મીઠી મધ જેવી લાગે છે અને તે હોંશે હોંશે ખરીદવા પ્રેરાય છે અને ઘેર આવીને કેરી કાપે છે કે એનો રસ બનાવે છે તો તે ખાટો ચૂર લાગે છે અને ઘરાકને લૂંટાયાનો અહેસાસ થાય છે. ખરેખર તો આ બાબતે પ્રજાએ જ જાગૃત થવાની જરૂર છે.
પંચમહાલ-યોગેશભાઈ જોશી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top