Dakshin Gujarat Main

દ.ગુ.માં પાંચ નદી પર ચેકડેમ બનાવાશે : ખેડૂતોની કોઈ જમીન સંપાદિત નહીં કરાય

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં પાંચ નદીઓને લીન્ક કરીને કોઈ મોટા ડેમ બનાવવાના નથી, તેમ આજે ગુજરાત વિધાનસભામાં નર્મદા વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા સિનિયર કેબીનેટ મંત્રી ઋષિકેષ પટેલે કહ્યું હતું વિધાનસભામાં મંગળવારે નર્મદા વિભાગની કુલ રૂ.૩૦૨૦ કરોડ, જળસંપતિ વિભાગની કુલ રૂ.૫૩૩૯ કરોડ અને પાણીપુરવઠા વિભાગની રૂ.૫૪૫૧ કરોડની અંદાજપત્રીય જોગવાઈઓ મંજૂર કરાઈ હતી.

પટેલે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં આવેલી પૂર્ણા, અંબિકા, કાવેરી, ગીરા, ખાપરી સહિતની નદીઓના વિસ્તારમાં ચોમાસાની મોસમમાં સરેરાશ 2000 મી.મી. જેટલો વરસાદ પડે છે, મોટા ભાગે આ પાણી દરિયામાં વહી જાય છે, તેનો કોઈ ઉપયોગ થતો નથી. જ્યારે ચોમાસા પછી જાન્યુ.માં અહીં પીવાના પાણીની તકલીફ પડે છે, ભૌગોલિક વિસ્તારમાં વન વિસ્તાર આવતો હોઈ, અહીં મોટો ડેમ શકય નથી. જેના પગલે આગામી પાંચ વર્ષમાં 500 કરોડના ખર્ચે નાર, તાન, અંબિકા, પાર, તાપી, નર્મદા તથા દમણ – ગંગા સહિતની નદીઓ પર મોટો ચેક ડેમ, બેરેજ, વિયર બાંધવાનું આયોજન છે. ચાલુ નવા વર્ષ માટે બજેટમાં 94 કરોડની જોગવાઈ કરાઈ છે. બાંધેલા તથા નુકસાન પામેલા ચેકડેમની મરામત માટે 61 કરોડની જોગવાઈ કરાઈ છે. આ દક્ષિણ ગુજરાતમાં નવા ચેકડેમ બાંધવા કોઈ ખેડૂતની જમીન સંપાદિત કરવાની નથી.

પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજીત રૂ.૭૨,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. કચ્છ શાખા નહેરનું વિતરણ માળખું, મીસીંગ લીંક, સબમાઈનોર પઈપલાઈનની બાકી રહેલી કામગીરી ૬ ટકા જેટલી છે. તે વર્ષ ૨૦૨૨-૨૩માં પૂર્ણ કરવાના સંકલ્પ સાથે બજેટમાં રૂ. ૩૦૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કચ્છ વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજનના ભાગરૂપે પ્રથમ તબક્કા હેઠળ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાઓના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાના અંદાજે ૧,૧૩,૮૮૩ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે બજેટમાં રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૧૫૦ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થયા છે. પૂર્ણ થયેલી કામગીરીથી ૫૩ જળાશયો, ૧૩૧ કરતાં વધુ તળાવો અને ૮૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૪૦,૬૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોમાં પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરવા અને પાણીની સમસ્યાઓનો મહદઅંશે ઉકેલ લાવવા આ વર્ષના અંદાજપત્રમાં રૂ.૭૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નર્મદા વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ યોજના હેઠળ ૧૨ પાઇપલાઇનથી હાલમાં બે કિ.મી.ની મર્યાદામાં આવતા ૭૩૭ તળાવો જોડવામાં આવેલા છે. આ અંગે ખેડૂતોની રજૂઆતોને લક્ષમાં લઈ રાજ્ય સરકારે પાઇપલાઇનથી ત્રણ કિ.મી.ની મર્યાદામાં આવતા વધારાના ૨૯૫ તળાવોનું જોડાણ કરી ભરવા માટે તથા ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના ત્રિકોણીયા વિસ્તારમાં તળાવો જોડી પુરક સિંચાઈનો લાભ આપવાની કામગીરી માટે રૂ.૩૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ચોમાસા દરમ્યાન સાબરમતી નદીમાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા સીરીઝ ઓફ સ્ટ્રકચર્સની કામગીરી અંતર્ગત ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં ફતેપુરા, ટેંચાવા, ફુદેડા, ફલુ અને માધવગઢ ગામો પાસે બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૯ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયેથી પાણીનો સંગ્રહ થવાથી ધરોઇથી સંત સરોવર – ૮૦ કિ.મી. લંબાઇના પટ્ટામાં સાબરમતી નદી જીવંત રહેશે.

ધરોઈ ડેમનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાશે
ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકસાવવા માટેની યોજના માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ સાથે રોડ, પ્રવાસી આકર્ષણો, વોટર સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેંક પ્રોટેક્શન, સામાજીક સુવિધાઓ, ધરોઇ ડેમના હેઠવાસમાં વિયર/બેરેજની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

પાણી પુરવઠા બોર્ડ રૂ.2500 કરોડની સહાય ગ્રાન્ટ સ્વરૂપે મેળવશે
પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ વર્ષે રૂ. ૨૫૫૭ કરોડની રકમ કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે મેળવી છે અને આગામી વર્ષમાં પણ રૂ. ૨૫૦૦ કરોડની સહાય ગ્રાન્ટ સ્વરૂપે મેળવશે. તે ધ્યાને લેતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદ્દઢ કરવા રૂ. ૮૦૦૦ કરોડ ઉપરાંતનું ભંડોળ ઉપલબ્ધ થવાનું છે. “હર ઘર જલ” યોજના અંતર્ગત તમામ ગામોની આંતરિક વિતરણની યોજનાઓ ચાલુ વર્ષમાં પુર્ણ કરવાનું આયોજન છે.

રાજ્યના 12 જિલ્લામાં ‘હર ઘર જલ’ યોજના
રાજ્યના ૧૨ જિલ્લા અનુક્રમે પોરબંદર, બોટાદ, ગાંધીનગર, મહેસાણા, ગીર સોમનાથ, જુનાગઢ, ડાગ, આંણદ, પાટણ, કચ્છ, વડૉદરા અને મોરબી જિલ્લાઓને ૧૦૦ ટકા “હર ઘર જલ” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૯૧.૭૭ લાખ ઘરો છે જે પૈકી ૮૬.૧૬ લાખ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. જળ જીવન મિશન પહેલા ગુજરાતમાં દર વર્ષે એકથી દોઢ લાખ ઘરો નળથી જોડતા હતા, તે કોવિડની કપરી સ્થિતિમાં આંતરાષ્ટ્રીય બજારમાં પાઇપના ભાવો ખુબ જ વધવા છતાં પણ વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦.૯૪ લાખ, ચાલુ વર્ષમાં અત્યાર સુધી ૯.૦ લાખ ઘરોને નળ જોડાણ પુર્ણ કર્યુ છે અને બાકી રહેતા ૫.૬૧ લાખ ઘરોને સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં નળ જોડાણ આપવા સરકાર કટીબધ્ધ છે.

Most Popular

To Top