Editorial

સમુદ્રની જળસપાટી વધવાથી કોલકાતા, ચેન્નાઇને મોટું જોખમ: ભારત માટે મોટી ચિંતા

પૃથ્વી પરનું તાપમાન વધવાને ઠંડા પ્રદેશો, ખાસ કરીને ધ્રુવીય પ્રદેશોનો બરફ પીગળી રહ્યો છે અને તેને કારણે સમુદ્રોની જળ સપાટી વધી રહી છે તે હકીકત હવે જાણીતી છે. નિષ્ણાતોએ ઘણા સમયથી ભય વ્યક્ત કરી દીધો છે કે જો વૈશ્વિક તાપમાન વૃદ્ધિને રોકવામાં નહીં આવે અને ઉત્તર તથા દક્ષિણ ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળતો જ રહેશે તો વિશ્વભરમાં સમુદ્રોની સપાટી ખૂબ વધી જશે અને દુનિયાના ઘણા દરિયાકાંઠાના પ્રદેશો, અનેક નાના ટાપુઓ અને દરિયાકાંઠે વસેલા કેટલાક મહાનગરો પર પાણી ફરી વળશે. હવે હાલમાં આવેલો એક નવો અહેવાલ ભારત માટે પણ વિશેષ ચિંતાપ્રેરક છે અને તે એ છે કે દરિયાની જળ સપાટી વધવાને કારણે જે મહાનગરોને અસર થવાનું સૌથી વધુ જોખમ છે તેમાં ભારતના પણ બે મહાનગરો ચેન્નાઇ અને કોલકાતાનો સમાવેશ થાય છે.

હવામાન પરિવર્તન અંગેના એક અગ્રણી જર્નલમાં પ્રકાશિત થયેલો આ અહેવાલ સૂચવે છે કે આ સદીના અંત સુધીમાં જ આ મહાનગરોને સમુદ્નની જળ સપાટી વધવાની વિપરીત અસર થઇ શકે છે. આ સદીમાં સમુદ્રની સપાટી વધવાની અસર એશિયાના કેટલાક મહાનગરોને ખાસ થઇ શકે છે અને સાથો સાથે પશ્ચિમી વિષુવવૃતિય ટાપુઓ અને પશ્ચિમી હિંદ મહાસાગરના વિસ્તારોમાં થઇ શકે છે એ મુજબ એક નવા અભ્યાસમાં જણાવાયું છે.

સંશોધક ટીમે એવા ઘણા એશિયન મહાનગરોને જુદા તારવ્યા છે કે જેઓ ખાસ જોખમ હેઠળ છે અને ૨૧૦૦ના વર્ષ સુધીમાં તેમને ખાસ અસર થઇ શકે છે. જો વિશ્વના દેશો પ્રદૂષણકારી વાયુઓ છોડવાનું ચાલુ રાખે તો તેનાથી વધતા તાપમાનને કારણે ધ્રુવોનો બરફ પીગળતા સમુદ્રની જળ સપાટી વધી શકે છે અને તેનાથી એશિયાના દરિયા કાંઠે વસેલા કેટલાક મહાનગરો જેવા કે ચેન્નાઇ, કોલકાતા, યંગૂન, બેંગકોક, હો ચી મિન્હ સિટી અને મનીલાને ખાસ અસર થઇ શકે છે. આ અભ્યાસમાં એ બાબતો તપાસવામાં આવી હતી કે કુદરતી રીતે સમુદ્રની સપાટીમાં થતી વધઘટ અને હવામાન પરિવર્તનને કારણે થનાર દરિયાની સપાટીમાં વધારાની અસર કેવી થઇ શકે?

આખી દુનિયામાં સમુદ્રની સપાટીના હોટસ્પોટ્સ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ નેચર ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસમાં વૈશ્વિક હવામાનના કોમ્પ્યુટર મોડલ અને સ્પેશ્યલાઇઝ્ડ સ્ટેસ્ટિકલ મોડેલ બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ બાબતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો કે કયા સ્થળે દરિયા કાંઠા પર ભરતીનું પ્રમાણ કેટલી હદે વધી શકે છે. ઉદાહરણ તરીકે ફિલિપાઇન્સના મનીલા શહેરમાં દરિયાકાંઠે ભરતીનું પ્રમાણ ૨૦૦૬માં હતું તેના કરતા ૨૧૦૦માં ૧૮ ગણુ થઇ જવાની આગાહી છે જે ફક્ત હવામાન પરિવર્તનને કારણે જ થઇ શકે છે. અને હવામાન પરિવર્તન તથા આંતરિક હવામાનમાં ફેરફાર બંનેને કારણે સૌથી ખરાબ પરિદ્રશ્યમાં તો આ પ્રમાણ ૯૬ ટકા થઇ શકે છે.

આંતરિક હવામાનમાં ફેરફારને અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠાઓ પર પણ સમુદ્રની સપાટી વધી શકે છે. અહેવાલમાં એ વાત સ્વીકારવામાં આવી છે કે સમુદ્રની જળ સપાટી વધવા માટે ફક્ત પ્રદૂષણ જ જવાબદાર નથી પરંતુ અન્ય કેટલાક પ્રાકૃતિક પરિબળો પણ જવાબદાર હોઇ શકે છે પરંતુ હાલના સંજોગો જોતા પ્રદૂષણજન્ય ગ્લોબલ વૉર્મિંગ મુખ્ય વિલન છે. વાતાવરણમાં ખાસ કરીને અશ્મિજન્ય ઇંધણોના વપરાશમાંથી ઉત્પન્ન થતો જે પ્રદૂષણકારી વાયુ બેફામ ઠલવાય છે તેના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે અને તેને કારણે ઠંડા પ્રદેશોનો, ધ્રુવોનો બરફ પીગળી રહ્યો છે અને તેને કારણે સમુદ્રોના પાણીની સપાટી વધી રહી છે અને દરિયાના પાણી ઘણી જગ્યાએ ભરતી વખતે વધુને વધુ અંદર સુધી જમીન વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે.

સમુદ્રોની જળસપાટી વધવાની વિપરીત અસર એશિયાના કેટલાક મહાનગરોને વધુ થવાનો ભય આ અભ્યાસમાં દર્શાવવામાં આવ્યો છે અને તેમાં ભારતના ચેન્નાઇ અને કોલકાતા પર ખાસ જોખમ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ બંને શહેરો વિશાળ વસ્તી ધરાવે છે અને તેમની વસ્તીનું સ્થળાંતર કરાવવાનું કેટલું મુશ્કેલ પડે તે વિચારતા પણ ધ્રુજી જવાય તેમ છે. આમ તો મુંબઇ પર પણ જોખમ હોવાનું કહેવાય છે પરંતુ આ બે મહાનગરો પર વધારે જોખમ છે એમ અહેવાલ જણાવે છે.

જો કે ફક્ત આ મહાનગરો જ નહીં પરંતુ આમ તો ઘણા લાંબા દરિયાકાંઠાને પણ ધોવાણનો ભય છે પરંતુ મહાનગરોની વિશાળ વસ્તી જોતા તેમનો વિશેષ વિચાર કરવો પડે તેમ છે. દરિયા કાંઠાનું ધોવાણ અટકાવવા આમ તો મેન્ગ્રુવના વૃક્ષો ઘણા સારા કુદરતી રક્ષક પુરવાર થાય છે અને તે સમજાયા પછી જોખમી દરિયાકાંઠાઓ પર મેન્ગ્રુવ્ઝની વધુ રોપણી કરવા જેવા પગલા ભરવામાં આવી રહ્યા છે પરંતુ સમુદ્રની જળ સપાટી પ્રચંડ રીતે વધે તો મેન્ગ્રૂવ્ઝ પણ તેની સામે રક્ષણ આપી શકે નહીં, આથી પ્રદૂષણને કાબૂમાં લઇને વૈશ્વિક તાપમાન વૃદ્ધિ અટકાવવી એ જ એક યોગ્ય માર્ગ છે.

Most Popular

To Top