Entertainment

રિલીઝ પહેલા જ OMG-2 વિવાદમાં, સર્ટિફિકેટ આપવા સેન્સર બોર્ડનો ઇનકાર

મુંબઈ: અક્ષય કુમારે (Akshay Kumar) તાજેતરમાં 11મી જુલાઈના રોજ તેની આગામી ફિલ્મ ‘OMG 2’નું ટીઝર (Teaser) રિલીઝ કર્યું હતું. આ ટીઝર રિલીઝ થયા પછીથી જ ચર્ચામાં આવ્યું છે. કેટલાક લોકો ટીઝરનો વિરોધ કરી રહ્યા હતા તો કેટલાકે તેની પ્રશંસા કરી હતી. જો કે 12 જુલાઈએ સેન્સર બોર્ડે (Censor Board) ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

સેન્સર બોર્ડનું કહેવું છે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા યોગ્ય નથી. હાલ આ ફિલ્મ રિવ્યુ કમિટીને (Review Committee) મોકલી દેવામાં આવી છે. ફિલ્મના ટીઝરમાં એક સીન છે જેમાં જોઈ શકાય છે કે ભોળાનાથના સ્વરૂપમાં અક્ષય કુમારનો અભિષેક રેલવેના પાણીથી થઈ રહ્યો છે. આ સીનને લઈને લોકોમાં વિરોધ છે. આ સાથે અક્ષય કુમારનો જૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ધાર્મિક રિવાજોનો વિરોધ કરતી જોવા મળ્યો હતો.

ફિલ્મ ઓહ માય ગોડ કે જે વર્ષ 2012માં આવી હતી તેનો આ બીજો પાર્ટ છે જેમાં ભગવાન અને ભક્ત વચ્ચેના ખાસ સંબંધને દર્શાવવામાં આવ્યો છે. ટીઝરમાં અક્ષય કુમાર ભગવાન શંકર અને પંકજ ત્રિપાઠી એક શિવભક્તના પાત્રમાં જોય શકાય છે. જો કે ટીઝર રિલીઝ થયા બાદ મેકર્સને ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચાડવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

અક્ષય કુમાર ભગવાન શિવનું પાત્ર ભજવી રહ્યો છે ત્યારે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે
અક્ષય કુમારનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે તે હાલનો નથી પરંતુ હવે જ્યારે અક્ષય કુમાર પોતે ભગવાન શિવનું પાત્ર ભજવી રહ્યો છે ત્યારે તે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અક્ષયને એવું કહેતા સાંભળી શકાય છે કે હિંદુ દેવી-દેવતાઓને તેલ અને દૂધ ચઢાવવુંએ માત્ર પૈસાની બરબાદી છે. અક્ષયે એમ પણ કહ્યું હતું કે લોકો આટલા પૈસા વેડફી રહ્યા છે જેને બચાવવા જોઈએ. કારણ કે ખેડૂતો અને ગરીબ લોકો ભોજન માટે ઓછા પૈસાના કારણે મરી રહ્યા છે તેથી મંદિરમાં પ્રસાદ આપવાને બદલે ગરીબને પૈસા આપી મદદ કરવી જોઈએ. તેણે વધુમાં કહ્યું જ્યારે તે મંદિરમાં જાય છે ત્યારે તે ઘણો બગાડ જુએ છે.

અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ 11 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ હવે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. OMGની સિક્વલ ફિલ્મમાં અક્ષયની સાથે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં છે.

Most Popular

To Top