Gujarat

ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે, 15 જુલાઈથી પરીક્ષા યોજાશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહીં આવે. રીપીટર તથા ખાનગી વિદ્યાર્થીઓની આગામી 15 જુલાઈ-2021થી પરીક્ષા યોજવાનો બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દિનેશ એસ. પટેલે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. સમગ્ર સ્થિતિનું મૂલ્યાંકન કરીને ઘટતા જતાં કોરોનાના કેસ અને સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખી ધોરણ-10 અને 12ના રીપીટર ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પરીક્ષા 15 જુલાઈ 2021ને ગુરુવારથી યોજવામાં આવશે. આ પરીક્ષા અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. ધોરણ-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષામાં ધોરણ 10 અને 12 મળી લગભગ પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં ધોરણ 10માં અંદાજે 3.63 લાખ અને ધોરણ 12માં 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Most Popular

To Top