Madhya Gujarat

રતનપુરમા કેનાલ ઉભરાઈ: ખેતરોમાં જળબંબાકાર

નડિયાદ: માતર તાલુકાના રતનપુરા સીમમાંથી પસાર થતી પાણીથી છલોછલ કેનાલમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે કેનાલમાંથી પાણી છલકાઈને આસપાસના ખેતરોમાં ફરી વળતાં પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. આ મામલે ખેડુતોએ સિંચાઈ વિભાગ સહિતના અધિકારીઓને રજુઆત કરી નુકશાનીનું વળતર ચુકવવા માંગ કરી છે. માતર તાલુકાના રતનપુરા ગામની સીમમાં આવેલ કાલીયાની ક્યારી તરીકે ઓળખાતા વિસ્તારમાંથી લીફ્ટ ઈરીગેશન કેનાલ પસાર થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી આ કેનાલમાં આખા વર્ષ દરમિયાન પાણીનું ટીપું પણ જોવા મળતું નથી. જેને પગલે ખેડુતોને સિંચાઈના પાણી માટે ઘણી તકલીફ પડી રહી છે.

બીજી બાજુ દર વર્ષે ચોમાસા ટાણે ઉપરવાસમાંથી છોડવામાં આવતાં પાણીને કારણે આ કેનાલ છલકાઈ જતી હોવાથી ખેડુતોને નુકશાની વેઠવી પડી રહી છે. ત્યારે ખેડુતોએ કેનાલનું પાણી શેઢી નદીમાં વહી જાય તે મુજબનું આયોજન કરવાનું સુચન પણ કર્યું છે. તેમછતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ વર્ષે પણ એ જ સ્થિતીનું પુનરાવર્તન થયું છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી આ કેનાલમાં પુષ્કળ માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્રની ઘોર લાપરવાહીને પગલે પાણી કેનાલમાંથી છલકાઈને આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે.

જેને પગલે ખેતરમાં રોપેલા ડાંગરના પાંકને ભારે નુકશાન થયું છે. આ મામલે ખડુતોએ મહિ સિંચાઈ કેનાલ માતર વિભાગના નાયબ ઈજનેર, માતર તાલુકા વિકાસ અધિકારી, માતરના મામલતદાર તેમજ રતનપુરા ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીને લેખિત રજુઆત કરી કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરવા તેમજ ખેડુતોને થયેલ નુકશાનનો સરવે કરી વળતર આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. વળતર નહીં મળે તાે આંદાેલની ચીમકી ઉચ્ચારી છે.

Most Popular

To Top