National

પિતા કામથી બહાર ગયા હતા, ઘરે પરત ફર્યા ત્યારે 4 બાળકોના મૃતદેહ મળી આવ્યા

ધોલપુર: (Dholpur) રાજસ્થાનના (Rajasthan) ધોલપુર જિલ્લામાં એક મકાન (House) ધરાશાયી (Collapse) થતાં ત્રણ બાળકીઓ સહિત ચાર બાળકોના મોત થયા છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. પોલીસના જણાવ્યા અનુસાર બાળકોની માતા અને એક છોકરીને ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે જિલ્લાના મનિયા શહેરમાં બની હતી જ્યાં એક પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. મકાન પડી જતા બાળકો કાટમાળ નીચે દબાયા હતા.

મનિયા સ્ટેશન ઈન્ચાર્જ લખન સિંહે જણાવ્યું કે બાળકોના પિતા કામ માટે બહાર ગયા હતા. મહિલા અને તેના પાંચ બાળકો ઘરમાં સૂતા હતા. મૃતકોમાં બેથી પાંચ વર્ષની ત્રણ છોકરીઓ અને ચાર મહિનાનો એક છોકરો સામેલ છે. બીજી તરફ અકસ્માત અંગે શોક વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજ્ય સરકારને પીડિત પરિવારને રાહત આપવા વિનંતી કરી છે.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વીટ કર્યું
મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે ધોલપુર જિલ્લાના મનિયામાં મકાન ધરાશાયી થવાથી એક જ પરિવારના ચાર નિર્દોષોના મોતના સમાચાર હૃદયદ્રાવક છે. આ ઘટનામાં પરિવારના બે સભ્યો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. શેખાવતે કહ્યું કે રાજ્ય સરકારે પીડિત પરિવારને વહેલી તકે સહાય પૂરી પાડવી જોઈએ.

આ ઘટના બપોરે 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. મનીયા નગરમાં રહેતા પ્રમોદ નામના વ્યક્તિની પત્ની અને ચાર નાના બાળકો સાથે ઘરમાં રહેતો હતો. કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે ઘરમાં ભેજ આવી ગયો હતો. પ્રમોદની પત્ની તેમજ તમામ 4 બાળકો એક જ રૂમમાં સૂતા હતા. ઘરના કાટમાળ નીચે દટાઈ જતાં ચાર ભાઈ-બહેનના મોત થયા હતા. તે બધાની ઉંમર 3 મહિનાથી 5 વર્ષ સુધીની છે. મોટી દુર્ઘટનાને પગલે સમગ્ર નગરમાં શોકનો માહોલ છવાયો છે.

વરસાદના કારણે ઘરની અંદર ભેજ આવી ગયો હતો
પ્રમોદે જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી વરસાદને કારણે ઘરની અંદર ભેજ આવી ગયો હતો. રૂમની અંદર પત્ની અને ચાર બાળકો સૂતા હતા. આ ભયંકર ઘટના મોડી રાત્રે બની હતી. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. માતા અને બાળકની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Most Popular

To Top