National

રાજસ્થાન: રાહુલ ગાંધીએ યુવાનોને રોજગાર માટે 5 ‘ગેરેંટી’ આપી, ખેડૂતોને આપ્યું આ વચન

જયપુર: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે ગુરુવારે રાજસ્થાનના (Rajasthan) બાંસવાડામાં તેમની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ના (Bharat Jodo Nyay Yatra) ભાગરૂપે આયોજિત જાહેર સભાને સંબોધિત કરી હતી. દરમિયાન જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ વિવિધ ગેરેંટીઓની વાત કરી હતી. તેમજ તેમણે જાહેરાત કરી હતી કે જો પાર્ટી કેન્દ્રમાં સરકાર બનાવશે તો યુવાનોને 30 લાખ સરકારી નોકરીઓ આપશે.

રાહુલ ગાંધીએ યુવાઓ, ગરીબો અને અન્ય વર્ગો માટે પાર્ટીના પ્રસ્તાવિત પગલાંનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી યુવાનો માટે શું કરવા જઈ રહી છે? પ્રથમ પગલા તરીકે અમે ગણતરી કરી છે કે, ભારતમાં 30 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરતા નથી. સરકારમાં આવ્યા બાદ અમે સૌથી પહેલું કામ આ 30 લાખ સરકારી નોકરીઓ આપવાનું કરીશું.

આ સાથે જ યુવાનોને પાંચ ગેરંટી આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો 30 લાખ ખાલી જગ્યાઓ ભરવા, પ્રથમ નોકરીની ખાતરી, પેપર લીકથી મુક્તિ, ગીગ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા અને ‘યુવા રોશની’ હેઠળ જિલ્લાઓમાં સ્ટાર્ટ અપ માટે 5,000 કરોડ આપવામાં આવશે. રાહુલ ગાંધીએ સરકારી ખાલી જગ્યાઓ ભરવાનું વચન આપતા કહ્યું કે, “દેશમાં સરકારી નોકરીઓમાં 30 લાખ જગ્યાઓ ખાલી છે. સત્તા સંભાળ્યા બાદ અમે પ્રાથમિક્તાના ધોરણે 30 લાખ નોકરીઓ આપીશું.’’

પેપર લીક પર સરકાર કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ સરકાર પેપર લીક પર કડક કાર્યવાહી કરશે. પેપર લીકના કિસ્સા રોકવા કોંગ્રેસ પેપર લીક સામે કાયદો લાવશે. વધુમાં સરકાર માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ યોજશે. તેમાં કોઈ આઉટસોર્સિંગ નહીં હોય. રાહુલે કહ્યું કે અમે નાના બિઝનેસ શરૂ કરવા માંગતા યુવાનોને ટેકો આપવા માટે 5000 કરોડ રૂપિયાનું સ્ટાર્ટઅપ ફંડ બનાવીશું. આ સ્ટાર્ટઅપ દેશના દરેક જિલ્લામાં પહોંચશે.

ખેડૂતોને આ વચન આપ્યું હતું
કોંગ્રેસના નેતાએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની સકારમાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાયદાકીય ગેરંટી આપવામાં આવશે. જેનું રાહુલ ગાંધીએ વચન આપ્યુ છે. તેમણે કહ્યું, “પાણી અને જંગલો માટે આદિવાસીઓની લડાઈ એ અમારી લડાઈ છે. અમે તમારી સાથે ઉભા છીએ.” આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ જાહેર સભાને સંબોધી હતી.

કોંગ્રેસે હંમેશા ગરીબોનું ધ્યાન રાખ્યુંઃ ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જ્યારે પણ સત્તામાં આવી છે. ત્યારે પાર્ટીએ હંમેશા ગરીબોની સંભાળ રાખીને કામ કર્યું છે. જ્યારે “ભારત જોડો ન્યાય યાત્રા” બાંસવાડા પહોંચી ત્યારે તેઓ એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, દેશનું બંધારણ બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બન્યું હતું અને આજે તમામ લોકોને તે બંધારણથી જ સુવિધા મળી રહી છે.

Most Popular

To Top