Charchapatra

પાણીનો એક માત્ર કુદરતી સ્રોત વરસાદ જ છે

આ જગત ઉપર વરસાદ વડે જ પીવાનું મીઠું જળ પ્રાપ્ત થાય છે. વરસાદ વરસે એટલે તળાવો, ડેમો તથા સરોવરો ભરાય છે. જમીનમાં પણ વરસાદનું પાણી ઊતરે છે. જે પાણી આપણે કૂવાઓ મારફતે તથા બોર બનાવીને મેળવીએ છીએ. જેના વડે આપણે ખેતીવાડી પકવીએ છીએ. પણ જયારે વરસાદ ઓછો પડે ત્યારે પાણીની કઠણાઇ શરૂ થાય છે. વરસાદનાં પાણીને જો સંગ્રહી રાખવામાં આવે તો પછી એનો ઉપયોગ થઇ શકે છે. ડેમો મારફતે સંગ્રહેલું પાણી નહેરો વાટે તથા પાઇપલાઇન વાટે લોકો સુધી એ પાણી પહોંચાડી શકાય છે.

જેથી ખેતી માટે તથા પીવા માટેનું જળ મળી રહે છે. આજે વસતિનો કલ્પના બહારનો વધારો પણ પાણીના વપરાશ ઉપર પ્રતિકૂળ અસરો પાડે છે. આપણા જેવા દેશમાં 140 કરોડ મનેખને પાણી પૂરું પાડવાનું કામ અત્યંત કઠીન છે. જયાં પણ વરસાદ ઓછો અથવા નહિવત્ પડે છે ત્યાં ઉનાળો આવતાં પાણીનો કકળાટ શરૂ થઇ જાય છે. ભારતના એવા કેટલાય ભાગો છે જયાં ચોમાસામાં પણ પાણીની તંગી વરતાતી રહે છે. રાજસ્થાનનો પશ્ચિમ ભાગ તથા મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્યપણે ચોમાસું નબળું જ રહેવા પામે છે.

એટલે તે વિભાગોમાં પાણીની અછત ઉનાળામાં તીવ્ર બને છે. હમણાં આઇટીના હબ જેવા બેંગ્લોર શહેરમાં પાણીની કારમી અછત વર્તાઇ રહી છે. એટલે ત્યાંના ધંધા ધાપામાં મુશ્કેલી દેખાઇ રહી છે. આ સ્થિતિ ભારતના અન્ય ભાગોમાં પણ ઉનાળામાં પેદા થઇ શકે છે. બદલાતા કલાઇમેટ ચેન્જને કારણે વરસાદની પણ પડવાની માત્રા ઘટી શકે છે. એટલે સૌએ જે પણ પાણીનો જથ્થો આપણી પાસે છે એનો ખરેખર કરકસર કરીને જ ઉપયોગ કરવો રહ્યો. સુરત જેવા શહેરમાં પર્યાપ્ત માત્રામાં સંગ્રહિત કરેલું પાણી છે એથી કોઇ સુરતવાસીને આડેધડ પાણી બગાડવાનો પરવાનો મળી જતો  નથી. જો પાણીના ખોટા બગાડ બાબતે આપણે સૌ અત્યારથી જ જાગૃત નહિ બનીએ તો બેંગ્લોર જેવી આપણે ત્યાં પણ વલે થઇ શકે છે. આપણે સૌ પાણી વાપરીએ, બગાડીએ નહિ.
સુરત     – બાબુભાઇ નાઇ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભાજપનો રાજકીય સૂર્ય તપે છે
મુત્સદ્દીગીરીમાં અવ્વલ આપણા પ્રધાનને રાજગાદી છોડવી નથી અને એમાં રોડાં નાખનાર વિપક્ષોને સ્થાનભ્રષ્ટ કરવા તેઓની જરીપુરાણી કબરો ખોદી હાડપિંજર ફંફોસવા માંડયાં. જરા પણ ઘસાતું બોલ્યા કે ભાજપના લુપહોલ્સ ઉઘાડા પાડવાના બાલિશ પ્રયત્નો કર્યા કે સીધો રાજદ્રોહનો આરોપ મૂકી ઊંઘ હરામ કરી નાંખી. ચાણકય નીતિના ઉસ્તાદે છેલ્લું તીર છોડયું, જેનો પ્રભાવ દેશ વિદેશમાં એવો પડયો કે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં જે વાહન મળ્યું, હવાઇ હોય, રેલમાર્ગે ભાવવિભોર થયેલ ભકતો ભાજપમય બની ગયા.
સુરત     – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top