Charchapatra

શું મૃત્યુ બાદ,મૃતકનાં કપડાં નહિ પહેરવાં જોઈએ?

દેશવાસીઓના તન ઉપર પૂરાં અને પૂરતાં કપડાં પહેરવાં મળતાં નહિ હોવાથી અને આઝાદી પૂર્વે ઘણાં દારુણ ગરીબીમાં સબડી દિગમ્બર અને / અથવા અર્ધનગ્ન અવસ્થામાં ફરતા હોવાના સબળ અને પ્રબળ કારણોસર ગાંધીએ પોતાના શરીર પર એક વસ્ત્ર યાને લંગોટી ધારણ કરેલ એમ ઇતિહાસ ગવાહી પૂરે છે! ખેર, અત્રે આધ્યાત્મિક, આધુનિક સદ્ગુરુ અને પ્રખ્યાત ધર્મગુરુ જગ્ગી વાસુદેવ એમ કહે છે કે જ્યારે એક વાર આત્મા પોતાના શરીરને ત્યાગી દે ત્યાર બાદ પરિવારનાં લોકોએ તે શરીરથી જોડાયેલાં કપડાં અને અન્ય ચીજોને પણ દાન કરી દેવી જોઈએ કે પછી બાળી મૂકવી જોઈએ! કેમ કે, શરીર છોડી ચૂકેલો આત્મા પોતાનાં કપડાંની ગંધ અને બીજી પસંદગીની ચીજો દ્વારા જ પોતાના પરિવાર અને પોતાના ઘરને ઓળખે છે!

આથી આ ચીજોને બાળી નહિ મૂકાય અથવા તો દાન કરવામાં નહિ આવે તો તે આત્મા દેહાંત બાદ પણ પોતાના પરિવારનો મોહ ત્યાગી શકતો નથી અને આસપાસ ભટકતો રહે છે, જેના કારણે તે જન્મ-મૃત્યુના આ ચક્રથી મુક્ત થઈ શકતો નથી.જેને કારણે ઘરમાં  અપ્રિય ઘટનાઓનો દોર શરૂ થાય છે.  કેમ કે, મૃત્યુ બાદ આત્મા એક ઊર્જા સ્વરૂપે પરિવર્તિત થઈ જાય છે અને તે ઊર્જા સંભવિત નકારાત્મક પણ હોઈ શકે. આમ જો તે ઊર્જા કવચિત્ નકારાત્મક બને અને તેની સાથે જોડાયેલાં પરિવારનાં સભ્યો મૃતકનાં કપડાં પહેરે તો તેનો સાયો તેમના પર હાવી થઈ શકે છે, જેનાથી પરિવારમાં અપ્રિય ઘટનાઓનો દોર શરૂ થઈ જાય છે.

જગ્ગી વાસુદેવ એમ પણ કહે છે કે મૃત વ્યક્તિઓનાં કપડાં ઉપરાંત સદ્દગતની મનગમતી વસ્તુઓ, પેન, મોબાઈલ કે બીજી મોંઘી વસ્તુઓનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં.આ ચીજો પણ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે અને શરીરમાં પ્રવેશ કરી શકે છે. તદુપરાંત,વૈજ્ઞાનિકો પણ ઘાતક બેક્ટેરિયા હોવાના પ્રશ્ને મૃતકનાં  કપડાં કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવાની ના પાડે છે. વૈજ્ઞાનિકોના મતે  વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તે પહેલાં ઈમ્યુનિટી નબળી હોવાના કારણે તે ખૂબ નબળો થઈ ચૂક્યો હોય છે અને તેના શરીરની અંદર અનેક પ્રકારના સૂક્ષ્મ બેક્ટેરિયા અને વાયરસ પ્રવેશ કરી ચૂક્યાં હોય છે, જે નરી આંખે જોઈ શકાતાં નથી.

એવા સંજોગોમાં તે વ્યક્તિના દેહાંત બાદ પણ તે બેક્ટેરિયા કપડાં અને અન્ય ચીજોમાં રહે છે જેથી તેને ધારણ કરનારાં પરિવારનાં લોકો પણ બીમારીઓનો ભોગ બની શકે  અથવા તેના શરીર સુધી પહોંચી જાય. આથી ઘણી હદ સુધી એ સાચું છે કે મૃતક વ્યક્તિનાં કપડાંને ફરીથી ઉપયોગમાં નહીં લેવામાં આવે, જેને લીધે તે વ્યક્તિ માનસિક રીતે નબળો થઈ જાય છે. બીજી બાજુ મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે,  કોઈ વ્યક્તિ શરીર છોડીને જાય છે તો તેની સાથે જોડાયેલી ચીજો જોઈને ઘરવાળા ભાવુક થઈ જાય છે  તેથી તેઓ જ્યારે પણ મૃત વ્યક્તિનાં કપડાં, પેન, મોબાઈલ, કે અન્ય ચીજો જુએ તો તેની યાદો તાજી થઈ જાય છે, જેના કારણે તે વ્યક્તિ અંદરોઅંદર માનસિક  રીતે નબળો થવા લાગે છે.તેને મૃત્યુ પામેલી વ્યક્તિની દરેક ક્ષણ યાદ આવવા લાગે છે અને આ યાદો તેને જીવનમાં આગળ વધવા દેતી નથી.  આથી મૃત વ્યક્તિની ચીજોને કાં તો દાન કરવી જોઈએ અથવા તો બાળી મૂકવી જોઈએ! ખેર, અત્રે અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ ઉપર અભ્યાસને આધારિત રહેલી છે. અલબત્ત,  તેની પુષ્ટિ કરતા નથી.
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top