Comments

રાહુલ ગાંધીની વૈષ્ણોદેવી યાત્રા

કોંગ્રેસ અને ભાગલાખોરી એકબીજાના પર્યાય બની ચૂકયા છે. પક્ષનું મોવડીમંડળ જેમ તેના પર ઢાંકપીછોડો કરવા માંગે છે તેમ તે વધુ બહાર આવે છે અને તે પણ બમણા જોશથી. વૈષ્ણોદેવીની યાત્રાના બહાને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તાજેતરમાં જમ્મુની મુલાકાત લીધી ત્યારે આ જૂથવાદ ઉછળીને બહાર આવ્યો. પોતાની ભકિત કરતાં શારીરિકક્ષમતા બતાવવા રાહુલે તેર કિલોમીટરની પદયાત્રા કરી તે સાથે રાહુલ ગાંધી પ્રસાર માધ્યમોમાં છવાઇ ગયા. રાહુલે એક જ મહિનામાં આ બીજીવાર જમ્મુ-કાશ્મીરના નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી. આ પહેલાં તેમણે વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભમાં યાત્રા હોવા છતાં પક્ષના એક સમારંભમાં ભાગ લેવા ઉપરાંત પીરભવાની મંદિર અને હઝરત બાલ દરગાહની યાત્રા કરી હતી.

તેમની યાત્રા શરૂ થઇ તે પહેલાથી તેમની સરખામણી તેમની દાદી સાથે થાય છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ ૧૯૭૯ માં ફરી સત્તા પર આવતાં હઝરત બાલની ઉઘાડે પગે પદયાત્રા કરી હતી. કોંગ્રેસીઓને ઇતિહાસનું પુનરાવર્તન થતું લાગ્યું અને તેમનામાં ઉન્માદ છવાઇ ગયો અન તે રાહુલ ગાંધી સામે બધા જૂથો એક થઇ ગયાં તેમાં દેખાતો હતો. રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે સમાધાનના મિજાજમાં આવી રહેલા બળવાખોર નેતા ગુલામ નબી આઝાદ પણ આકર્ષણનું કેન્દ્ર રહેલા હતા. આથી હવે આઝાદના તરફદારો અને વિરોધીઓ વચ્ચે આંતરિક ઝઘડો છે, અને ૨૩ બળવાખોરો, વિશેના વિવાદથી રસપ્રદ તબકકે પહોંચી છે. કોંગ્રેસને કયાં કયારે, કેવી રીતે જૂથવાદ આભડી જાય છે તે કોઇ જાણતું નથી પણ જમ્મુ – કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રભારી અને વાયનાડના સંસદસભ્ય રજની પાટિલની ઉપસ્થિતિમાં આઝાદ છાવણીમાં સામસામે ટકકર થઇ. પરિણામે રાહુલની યાત્રાને ઝાંખપ લાગી ગઇ.

રાહુલની આજુબાજુ બેઠેલા નેતાઓ ચિઠ્ઠીઓની આપ-લે કરતા હતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પાસેથી મુસ્લિમો નમાઝ દરમ્યાન હાથ ઊંચા કરે તેનું રહસ્ય સમજી રહ્યા હતા અને તેમનાં પ્રવચનમાં કહ્યું હતું કે તમામ ધર્મોમાં આ હિંમતના પ્રતીક તરીકે પ્રચલિત છે. તે સાથે જ પક્ષના ચિન્હ સામે અને નરેન્દ્ર મોદીની સરકાર સામે રાહુલ ગાંધીઅ ઉપાડેલી લડતની હિંમતના પ્રતીક તરીકેની તેમની સામ્યતા જોવાઇ હતી.

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ૨૩ બળવાખોરોના જૂથના નેતાને કેટલીક મહત્વની સમિતિઓમાં સાંકળી સમાધાન માટે જે તનતોડ પ્રયાસો કર્યા હતા તે તેમના જ એક પ્રતિનિધિ દ્વારા ક્ષણમાં જ ભૂકકો થઇ જતાં આશ્ચર્ય ફેલાયું હતું. આઝાદ સામે રજની પાટિલે અપનાવેલા વલણથી કેટલું નુકશાન થયું છે કે થશે તે તો આગામી સમય જ કહેશે. પણ રાહુલ ગાંધીની જમ્મુ – કાશ્મીરની બે વારની મુલાકાતને બે જંગે ચડેલા જૂથોને મલમ પટ્ટી કરવા સમાન ગણાવાય છે પણ રજની પાટિલે બળતામાં ઘી હોમ્યું છે તે બે જૂથોને રાહત કરવાને બદલે વધલે દઝાડશે. કોંગ્રેસ મહાસમિતિ અને પ્રદેશ સમિતિ વચ્ચે ખાઇ વધશે.

વિધાનસભાની ચૂંટણીમાં તોળાઇ રહી છે તે જમ્મુ – કાશ્મીર માટે અપશુકન છે. રાહુલ ગાંધીની નજરે પડે એ રીતે કેટલાક નેતાઓએ તેમના ટેકેદારો સૂત્રોચ્ચાર કરાવી તાકાત બતાવવાની ‘કોશિષ’ કરતાં રજની પાટિલે તેમનો જાહેરમાં ઉઘડો લઇ પોતાને કોરોના થઇ ગયો હોવા છતાં એક વર્ષમાં આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પક્ષને મજબૂત કરવા માટેની કામગીરી તેમણે વર્ણવી હતી. તેમનું નિશાન સ્વાભાવિક રીત ગુલામનબી આઝાદ હતા.

તેમણે એવું સમજાવવાની કોશિષ કરી હતી કે હું કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સૂચના મુજબ કામ કરું છું. આનો અર્થ એમ કરવો કે પક્ષના મોવડી મંડળની મંજૂરીથી તેઓ આઝાદને ખખડાવતા હતા? આ કલહથી રાહુલની વૈષ્ણો દેવી યાત્રા ધોવાઇ ગઇ અને જમ્મુ પ્રદેશમાં વર્ચસ્વધારી ભારતીય જનતા પક્ષ ગેલમાં આવી ગયો છે. સવાલ એ છે કે કોંગ્રેસમાં એકતાના પ્રયાસે રાહુલ ગાંધીની આશીર્વાદથી થઇ રહ્યા છે તો રજની પાટિલે તેના પર કેમ પ્રહાર કર્યા? જમ્મુ-કાશ્મીરમાં આઝાદનું વર્ચસ્વ કારણભૂત લાગે છે. ગાંધીની યાત્રાની તૈયારીમાં રજની પાટિલ વર્ચસ્વ હેઠળની પ્રદેશ સમિતિ નબળો સહકાર આપ્યો છતાં આઝાદ છાવણીનો ઉત્સાહ ઢંકાયેલો રહ્યો ન હતો.

એક સૂચક ઘટનાની પશ્ચાદ્‌ભૂમાં રાહુલ ગાંધીની બેઠક યોજાઇ હતી. કોંગ્રેસના જૂથવાદમાં આ ઘટના ઢંકાઇ ગઇ હતી. જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાયેલો ઉમેદવાર ત્રીજીવાર પ્રમુખપદે ચૂંટાયો હતો. તેને હરાવવા માટે શાસક ભારતીય જનતા પક્ષ અને  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આદુખાઇને મહેનત કરી હતી અને આ વિજેતા ઉમેદવાર તમામ બિનસાંપ્રદાયિક અને પ્રગતિશીલ પરિબળોનું પ્રતિક બની ગયો હતો. આઝાદને લાગ્યું હું કે બહુ સરસ થયું જયારે સ્થાનિક કોંગ્રેસી નેતાઓને પેટમાં તેલ રેડાયું હતું.

તેમણે તો કોંગ્રેસની પશ્ચાદભૂ ધરાવતા અને ચૂંટણીમાં સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવારને ટેકો આપ્યો હતો. આઝાદનું દિલ ખાટું પડી ગયું કે રાહુલ સમક્ષ ભારદ્વાજની હાજરીની કોઇ નોંધ જ નથી લેતું? પરિણામે કોંગ્રેસના જૂનાજોગીઓ અને નવા નિશાળિયાઓ વચ્ચે ફરી એકવાર સામસામે તલવાર ખેંચાઇ છે. હવે કોંગ્રેસ મોવડીમંડળે રજની પાટિલને પૂછવાનું છે કે આઝાદ સામે ધીંગાણું કરવાનું તમને કેમ સૂઝયું? અન્યથા એમ માની લેવામાં આવશે કે રજની પાટિલને મોવડી મંડળના આશીર્વાદ છે, અને આઝાદ અન તેમની મંડળી પક્ષથી વધુ અળગી થશે અને તેના છાંટા દેશમાં બીજે પણ ઉડશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top