રિપીટના વાવાઝોડામાં અસંતોષને અલીગઢી તાળાં વાગી ગયાં

ગુજરાતના જ નહીં, દેશના રાજકીય ઇતિહાસમાં કદી ન બની હોય એવી ઘટના ગુજરાતના રાજકીય તખ્તા પર બની છે. કોઇ એક પક્ષની આખેઆખી સરકારને બદલીને ઉપરથી નીચે સુધી બધા નવા ચહેરા ગોઠવી દેવાયા છે. એ પણ વિધાનસભાની ચૂંટણીને આડે 15 મહિના રહ્યા છે ત્યારે. એક અભૂતપૂર્વ સખળડખળ કરીને ભાજપે ગુજરાતમાં નવી સિદ્ધિ મેળવી છે. પહેલું જોખમ તો મુખ્યમંત્રી બદલવાનું ખેડ્યું. ગુજરાત ભાજપના અમિત શાહ જૂથના વ્યક્તિને બદલીને આનંદીબહેનના જુથના વ્યક્તિને મૂકાયા. એક ડગલું આગળ વધીને નો-રિપીટ થિયરીનો અમલ કરીને બધ્ધે બધ્ધા મંત્રીઓને હટાવી દઇને સાવ નવા ચહેરા મૂકાયા.

કહે છે કે તમામ જુના જોગીઓને પડતા મૂકવાનો અઘરો નિર્ણય ખુદ નરેન્દ્ર મોદીનો હતો  અને એટલે નીતિન પટેલથી લઇને કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા કે દિલીપ ઠાકોર સહિતમાંથી કોઇ કરતાં કોઇ કંઇ વિરોધ ન કરી શક્યા. કોઇ હિંમત કરી શકે એમ પણ નથી એ વાત મોદી સારી રીતે સમજે છે અને એટલે જ એમણે આટલું મોટું પરિવર્તન કરવાની હામ ભીડી. ભાજપ સિવાય બીજા કોઇ પક્ષમાં આવું સંભવિત નથી ને ગુજરાત સિવાય ભાજપમાં પણ આવું સંભવિત નથી. માનો કે આ ફેરબદલીના ફટાકડાનું સૂરસૂરિયું થાય તો? યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી નજીકના ભવિષ્યમાં આવી રહી છે,

તેના પર અસર થયા વિના ન રહે એવી સ્થિતિમાં પણ મોદીએ વધુ એકવાર સાબિત કરી દીધું છે કે મોદી હૈ તો (હી) મુમકીન હૈ. મૂળ વાત એ છે કે રૂપાણીના રાજમાં ભાજપમાં બધું કંઇ સુખરૂપ નહોતું. હોત તો એમને બદલવાની નોબત શાને આવી હોત? રૂપાણી સરકાર થકી 2022ની રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીતી નહીં શકાય એવી પાકી ખાતરી હાઇકમાન્ડને થતાં ફેરબદલ શરૂ કરાઇ ને એમાં મોદીએ કોથળમાંથી બિલાડું કાઢ્યું ને પછી નો-રિપીટનો માસ્ટર સ્ટ્રોક મારી દીધો. સવાલ એ થાય કે હવે શું?

બધું સાંગોપાંગ સરખું ચાલશે કે ગરબડ થશે? ગરબડ થવાની ઓછી સંભાવનાઓ એટલે જણાય છે કે કોઇપણ ચૂંટણીનો ઉમેદવાર ગમે તે હોય, પણ મોદીને નામે લોકો ભાજપને વોટ આપે છે. આ વાતનો મોદીએ આ ફેરબદલ કરીને એડવાન્ટેજ લઇ સાફસૂફી કરી છે. વળી ભાજપની નો-રિપીટ પાછળની બીજી  સ્પિરિટરૂપ વાત એ પણ છે કે કોઇ નેતા પાંચ-સાત ટર્મથી કોઇ સ્થળેથી ચૂંટાતો હોય અને મંત્રી બનતો હોય એટલે એમની હયાતિમાં તો ત્યાંના બીજા કાર્યકરોને આગળ વધવાનો કોઇ ચાન્સ જ ન મળે. વળી ભાજપ જ એવો પક્ષ છે, જેમાં નવા કાર્યકર્તા જનરેટ થાય છે.

એમને નાખવા ક્યાં? એમના ઉત્સાહનું શું? એટલે નીચેના સ્તરેથી ક્રમશઃ યોગ્ય વ્યક્તિઓને વિવિધ માપદંડો અનુસાર ઉપર લાવતા રહેવામાં આવે તો પાર્ટીનો અને વિચારધારાનો વિસ્તાર થાય. ભાજપ અને મોદી સિવાય બીજા કોઇનું આવું જોખમ લેવાનું ગજું નથી. વિજય રૂપાણીને હટાવીને એકદમ નવા આશ્ચર્યજનક ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારથી પાર્ટીમાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો. બબ્બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ફોર્મ્યૂલાઓ સપાટી પર આવી હતી. ત્યાં એકાએક બુધવારે સવારે નો-રિપીટ થિયરીનું નવું ગલકું આવ્યું. જુના જોગીઓને સીધું ફરમાન કરાયું કે તમને નવી સરકારમાં નહીં લેવાય. થોડા ધમપછાડા થયા, પણ છેવટે બધું ઠંડું પડી ગયું.

પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને આગળ કરીને હાઇ કમાન્ડે ખેલ પાર પાડ્યો. દેશના રાજકીય ઇતિહાસની અપૂર્વ ઘટના બની. કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીવાળા જોતા રહી ગયા. અત્યાર સુધી સેવા કરનારા ભાજપના જુના નેતાઓએ પોતાના હોદ્દાનું સમર્પણ કરી દેવું પડ્યું. અસંતોષને હાલ પૂરતાં અલીગઢી તાળાં વાગી ગયાં.  હવે પ્રશ્ન એ પણ થાય કે જુના જોગીઓ અત્યારે જે રીતે શાંત અને સહમત દેખાય છે તે શું 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ રહેશે? ભાજપનો પ્રભાવ એટલે સજ્જડ છે કે તેઓ મોટેભાગે કંઇ નહીં કરી શકે. ભૂતકાળ જેવા બળવા કરવાની કોઇની હિંમત નથી. નીતિન પટેલ કંઇક નવા જુની કરશે એવું ઘણાને હતું પણ તેઓ ગણતરીના કલાકોમાં શાંત થઇ ગયા.

રાજકારણમાં અને સત્તાકારણમાં કંઇકને શાંત કરી દેવાના કીમિયા ચકોર નેતાગીરીને જરૂર આવડતા હોય છે. એટલે ચૂંટણી વખતે કંઇ ગરબડ થાય એવું લાગતું નથી. એનું એક કારણ એ પણ છે કે પ્રજાને ભાજપ પર જેટલો ભરોસો છે, એટલો કોંગ્રેસ કે આમઆદમી પાર્ટી પર નથી. ભલે લોકો કોરોના, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ વગેરેથી ત્રાસેલા હોય. નો-રિપીટ થિયરીની સફળતાના મૂળમાં ખરેખર તો આ જ બાબત છે.

બાકી જેમની સામે નો-રિપીટ થિયરીની ચાબૂક વીંઝાઇ છે અને એ સટાકાના સપાટામાં જેમને મંત્રીપદાં મળી ગયાં છે, એમની સામે પણ આવતીકાલે નો-રિપીટનો કોરડો વિંઝાશે. બાકી નવી સરકારે નવાં નામોને નામે ઓછું ભણેલા અને બિનઅનુભવી મંત્રીઓ મારફતે કામ ચલાવવાનું છે. સરકાર સામે વધતી એન્ટીઇન્કમ્બન્સીને નાથવી પડશે. લોકહિતનાં કામો કરવાં પડશે.સાથે લોકો વોટ આપે એવું વર્તન પણ રાખવું પડશે. હાઇકમાન્ડે મૂકેલો વિશ્વાસ પુરવાર કરવો પડશે, કોરોના થકી થંભી ગયેલા વિકાસને ફરીથી વેગવાન કરવો પડશે. રાત થોડી છે, ને વેશ ઝાઝા છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts