Business

શું કેજરીવાલનું ‘વજન’ ઘટી રહ્યું છે?

ઇડી અને સીબીઆઈ અને ઇન્કમટેક્સ .. આ ત્રણ સરકારી એજન્સીઓ સામે વિપક્ષમાં રહી ટકી રહેવું અસંભવ બનવા લાગ્યું છે. અને એમાં ય પીએમએલએ એવો કાયદો છે કે, જેમાં જામીન મળવા લગભગ અસંભવ છે , મનીષ સિસોદીયા , ડૉ. સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન જેલમાં છે. હા, જે તાજના સાક્ષી બની જાય એને જામીન મળે છે . અલબત , સંજય સિંહને જામીન મળ્યા છે એટલે બાકીના માટે આશા જાગી છે.

પણ કોર્ટે કહ્યું છે કે, સંજય સિંહને મળ્યા એટલે બીજાને મળે જ એ જરૂરી નથી. આ પ્રિસિડન્ટ નથી. પણ કોર્ટે આવું કેમ કહ્યું? કોર્ટના ચુકાદા તો પ્રિસિડન્ટ જ હોય છે. એક ચુકાદાને બીજા કેસમાં આધાર બનાવાય જ છે. બીજા કેસમાં શું બને છે ? કોર્ટના વલણની રાહ જોવી રહી. પણ આ બધા વચ્ચે સવાલ એ છે કે, શું કેજરીવાલનું ‘ વજન’ ઘટી રહ્યું છે? આપે દાવો કર્યો છે કે, જેલમાં કેજરીવાળનું વજન ઘટ્યું છે અને જેલવાળા ના પડે છે. શારીરિક વજન કરતાં રાજકીય વજન વધુ જરૂરી બની જાય છે આજના રાજકીય જગતમાં.

અણ્ણા હજારે સાથે કેજરીવાલ હતા અને આજે છે એમાં જમીન આસમાનનો ફરક છે. એમણે ખુદએ કહેલી વાતોને પાળી નથી. પછી સરકારી બંગલો લેવાની વાત હોય કે સાદગીની વાત હોય. હા, એ દિલ્હી અને પંજાબમાં સત્તા ધરાવે છે એ સાચું અને ગુજરાતમાં 13 ટકા મત ધારાસભયમાં મેળવ્યા એ ય સાચું અને ગુજરાતમાં લોકસભાની બે બેઠકો લડી રહી છે , કોંગ્રેસે એ બે બેઠકો આપણે આપવી પડી છે એ ય સાચું.

પણ સરકારી એજન્સીઓએ શરાબ નીતિના કથિત કૌભાંડમાં આપના નેતાઓને અંદર કર્યા એનાથી આપની તાકાત પર અસર તો જરૂર પડી છે. કેજરીવાલની ધરપકડ થઈ પણ દિલ્હીમાં લોકો દ્વારા બહુ દેખાવો ના થયા. ક્યાંય ટ્રાફિક જયાં ના થયો. એ શું દર્શાવે છે? દિલ્હીમાં આપ સરકારે કામો કર્યા છે એની ના નહીં. પણ શું આપને લોકસમર્થન ઘટી રહ્યું છે?

એ વાત સાચી કે, શરાબ કૌભાંડમાં આક્ષેપો થયા એ મુજબ મની ટ્રેલ મળ્યા નથી. અને એ ય સાચું કે, જે એપ્રુવર બન્યા એમના દ્વારા ચૂંટણી બોન્ડ ખરીદીને ભાજપને અપાયા છે. વિપક્ષે દિલ્હીમાં રેલી પણ કરી પણ એના પડઘા પણ પડ્યા નથી. મીડિયામાં એટલું કવરેજ મળ્યું નથી. ઇંડિયન એક્સપ્રેસ દ્વારા ભાજપમાં ગયેલા દાગદાર 25 નેતાઓ પૈકી 23 સામે તપાસો બંધ થઈ છે અથવા તો કલોજર રિપોર્ટ અપાય છે એ વિષે વિગતવાર અહેવાલ છપાય તેમ છતાં ,એની અસર જનમાનસ પર કેમ પડતી નથી? ભાજપની જીત પાક્કી ગણવામાં આવે છે. વિરોધીઓ પણ આ વાત સ્વીકારે છે. આ બધા વચ્ચે કેજરીવાલ જેવા હોય તેવા ભાજપને ટક્કર આપી રહ્યા હતા. એ પણ જેલમાં છે . મોદીની લોકપ્રિયતા આડે કોઈ પણ આવે એ વિપક્ષી નેતાનું જોર નબળું પડે છે અથવા તો નબળું પાડી દેવામાં આવે છે , યેન કેન પ્રકારેણ. વિપક્ષ નબળો પડ્યો છે અને સોરેન અને કેજરીવાલ જેવા નેતાઓ નાદાર થાય તો વધુ નબળો પડે એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં ભાજપની જીત આસાન બની રહી છે.

રૂપાલાનું શું થશે?  
ગુજરાતણા રાજકારણમાં અને ભાજપમાં પહેલીવાર બની રહ્યું છે જે રૂપાલા સાથે બન્યું છે. ભાજપનો ચહેરો ગણી શકાય અને વજનદાર નેતા કહેવામાં આવે છે એવા પુરષોતમ રૂપાળાની જીભ લપસી અને એમણે એની માફી પણ માંગી છતાં ક્ષત્રિયોનો રોષ શાંત પડતો નથી. ભાજપ દ્વારા બધા પ્રયત્નો થયા પણ એને સફળતા મળી નથી. અને ભાજપે પણ નક્કી કર્યું છે કે, હવે કોઈ ઉમેદવાર નહીં બદલાય. બે ઉમેદવાર બદલાય અને વધુ બદલાય તો ભાજપની આબરૂના કાંકરા થાય એટલે રૂપાલા બદલાશે તો નહીં એમ તો જણાય છે. તો શું ક્ષત્રિયોનો રોષ ભાજપને ભારે પડશે? શું આ રોષ રૂપાળાની હાર નોતરી શકે? આ બધા પ્રશ્નો છે. બીજી બાજુ , કોંગ્રેસે રાજકોટમાં રૂપાલા સામે કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. પણ ભાજપને વાતાવરણ બગડે એ મંજૂર નથી. એટલે રિસામણાં મનામણાં ચાલતા રહેવાના. પણ આ બધા વચ્ચે દરબારો અને પટેલ વચ્ચે સાવ શાંત પડી ગયેલા જ્ઞાતીકીય સંઘર્ષ તો ફરી પેદા નહીં થાય ને? આ મુદો સૌથી મહત્વનો છે. પણ કદાચ એ દિશામાં હજુ કોઈ વિચારતું નથી. કારણ કે, હવે રૂપાલાને ટેકો આપવા પટેલો મેદાને આવશે એ નક્કી છે. કઇ ના થવાનું ના બને એવી આશા રાખીએ.

વિદેશી દળો ચૂંટણીમાં આવશે
લોકસભાની ચૂંટણીમાં એક નવી ઘટના બનવા જઇ રહી છે. આ વેળા વિવિધ દેશોના 15 રાજકીય દળો ચૂંટણી જોવા આવી રહ્યા છે. ભાજપ દ્વારા એમને આમંત્રણ અપાયું છે. ભાજપનું કહેવું છે કે, આપણે ત્યાં ચૂંટણી કેટલી યોગ્ય રીતે યોજાય છે એ દુનિયા જાણે. આપણી લોકશાહી કેટલી ચેતનવંતી છે એ દુનિયા જાણે. આ દળો દેશના વિવિધ પ્રદેશોમાં જશે. ઉમેદવારોને પણ મળશે. સભાઓમાં હાજર રહેશે. અને હા, ભાજપના મુખ્યાલયની પણ મુલાકાત લેશે. સારી વાત છે. પહેલીવાર આવું બની રહ્યું છે. અગાઉ ધારાસબહાની ચૂંટણીઑમાં આ રીતે વિદેશી દળોને બોલાવાયા હતા. પણ એક સવાલ છે, આ કયા દળો છે. કેજરીવાલ મુદે અને અન્ય મુદે અમેરિકા અને યુનોએ ટિપ્પણી કરી ત્યારે ભહયરતે વિરોધ કર્યો. કરવો જ જોઈએ. તો આ દળો ભારત આવશે અને કોઇ ટીકા ટિપ્પણી કરશે તો ? કે પછી બધુ ગોઠવાયેલું છે? જે હોય તે પણ આ એક આવકાર્ય ઘટના છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top