Sports

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદેથી આપી શકે છે રાજીનામું

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ (Coach) રાહુલ દ્રવિડ (Rahul Dravid) પોતાના પદ પરથી રાજીનામું (Resignation) આપી શકે છે. T20 વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની હાર બાદ તેઓની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. આ સિવાય નિષ્ણાતો ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં વારંવાર થતા ફેરફારથી પ્રભાવિત નથી. જેના પગલે તેમની ટીકા થતી રહે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, BCCI હવે વિદેશી કોચ લાવવાનું વિચારી રહ્યું છે અને હવે તે ભારતીય કોચની સાથે આગળ વધવા માંગતું નથી. જોકે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સત્તાવાર જાહેરાત નહિ
એક સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, આ અંગે અંતિમ નિર્ણય ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC) દ્વારા લેવાનો છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘હજી સુધી કંઈ ફાઈનલ થયું નથી. અમે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ. રાહુલ અમારી યોજનાનો મહત્વનો ભાગ છે. પરંતુ તેમના પર પણ કામનું ભારણ છે. હાલમાં અમારું ફોકસ દેશમાં જ યોજાઈ રહેલા વર્લ્ડ કપ છે. આ વર્ષે વર્લ્ડ કપ જીતવા માટે દરેકને સંદેશ આપવામાં આવ્યો છે. તેથી સ્પષ્ટ છે કે ટી20 ક્રિકેટ અત્યારે અમારું ધ્યાન નથી. અમે આ વિષય પર ઘણી ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ અંતિમ નિર્ણય માટે આમાં CAC અને પસંદગીકારોની ભૂમિકા મહત્વની રહેશે. અને તે થોડો સમય લેશે.

ઓસ્ટ્રેલિયા સામે યોજાશે ફાઈનલ
તાજેતરમાં, ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી વિજય સાથે બાંગ્લાદેશ પ્રવાસનો અંત કર્યો હતો. પરંતુ તે પહેલા તે અહીં વનડે શ્રેણીમાં 1-2થી હારી ગઈ હતી. ODI શ્રેણીમાં હાર બાદ તેણે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં પોતાની જાતને જાળવી રાખી છે. જોકે, 2023માં યોજાનારી આ ફાઈનલ માટે ભારતીય ટીમે 4 ટેસ્ટ મેચ જીતવી પડશે. ભારતે હવે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 4 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. જણાવી દઈએ કે રાહુલ દ્રવિડને ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવામાં આવ્યો હતો. તેમના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સતત ઘણી દ્વિપક્ષીય શ્રેણી જીતી, પરંતુ બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં તે આવું કરી શકી નહીં. એશિયા કપ, T20 વર્લ્ડ કપ 2022માં હાર બાદ નવી રીતની માંગ ઉઠી હતી.

Most Popular

To Top