સ્થગિત મોંઘવારી ભથ્થું શરૂ કરવાના હુકમો સત્વરે કરો

કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરોના મોંઘવારી ભથ્થાં પર ગયા વર્ષથી રોક લગાવી દેવાઇ હતી. જાન્યુ. 20, જુલાઇ 20 અને જાન્યુ. 21 ના ત્રણ હપ્તા બાકી હતા. સામાન્ય પરિસ્થિતિને ધ્યાને લઇ મોંઘવારી ભથ્થાંના બાકી ત્રણ હપ્તા હવે કેન્દ્ર સરકારે પહેલી જુલાઇ 2021 થી ફરી શરૂ કરવાને તા. 14.7.21 ના રોજ મંજૂરી આપી છે. તેમાં બેઝીક અને પેન્શનના 17 ટકાના દરને વધારીને 28 ટકા કરાયો છે.

જો કે 1 જાન્યુ. 2020 થી 30 જૂન 2021 સુધીના સમયગાળા માટે કોઇ એરિયર્સ ચુકવશે નહીં. મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો 1 જુલાઇ 21 થી લાગુ કરેલ છે. કેન્દ્ર સરકારની જેમ રાજય સરકારે પણ તેના કર્મચારીઓ, પેન્શનરોના મોંઘવારી ભથ્થાંના ત્રણ હપ્તા સ્થગિત કરેલ છે. જે હવે ફરી શરૂ કરવા જોઇએ. દેશમાં/રાજયમાં આવેલ કોરોના વાયરસની આપત્તિમાં  કર્મચારી/પેન્શનરો ફીઝીકલ અને આર્થિક રીતે સહભાગી થયા છે.

હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવો રૂા.100 ને પાર કરી ગયા છે. તે કારણે જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થયેલ છે. કર્મચારીઓ, પેન્શનરો આપત્તિમાં હંમેશા સરકારના પડખે ઊભા રહ્યા છે. જે ધ્યાને લઇ કેન્દ્ર સરકારની જેમ સ્થગિત કરેલ મોંઘવારી ભથ્થાના ત્રણે હપ્તાઓ શરૂ કરવાના હુકમો સત્વરે કરવા જોઇએ એવી કર્મચારી, પેન્શનરોની લાગણી અને માંગણી છે. સુરત     – એન. ડી. ભામરે– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts