Gujarat

ગુજરાતમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટી સ્થપાશે

ગાંધીનગર : સરકારે રાજ્યમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટી (Private University) સ્થાપવા માટે ગુજરાત (Gujarat) ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક ૨૦૨૩ વિધાનસભા ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ૨૦૨૩ આજે ગુજરાત વિધાનસભા ખાતે રજૂ કરતાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં વધુ નવી પાંચ ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે આ સુધારા વિધેયક થકી કર્યો છે, જેમાં (૧) સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી, ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસ, અમદાવાદ (૨) જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટી, સીદસર રોડ, ભાવનગર (૩) સિગ્મા યુનિવર્સિટી, વાઘોડિયા-વડોદરા (૪) રજ્જુ શ્રોફ, રોયલ યુનિવર્સિટી, વાપી અને (૫) કે. એન. યુનિવર્સિટી, સાણંદ, અમદાવાદ મળી કુલ પાંચ નવી ખાનગી યુનિવર્સિટીઓ સ્થપાશે. ખાનગી યુનિવર્સિટી અધિનિયમ ૨૦૦૯ અંતર્ગત મંજૂરી બાદ રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા ૧૦૮ થશે.

નવી શિક્ષણ નીતિ યુવા વિકાસ તથા રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે છે, જે વિદ્યાર્થીઓનું ઘડતર કરી દુનિયા સાથે કદમ મેળવવા સક્ષમ બનાવે છે. હાલમાં રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં માટે નામાંકન અંગેના ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER)ને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. આ દિશામાં ખાનગી યુનિવર્સિટીની ભૂમિકા મહત્વની રહેશે.

રાજ્યની 30500 થી વધુ સરકારી શાળાઓ ઇન્ટનેટર સુવિધાથી સજ્જ છે
ગાંધીનગર : રાજ્યની ૩૦,૫૦૦ થી વધુ સરકારી પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓને ઇન્ટરનેટથી જોડવામાં આવેલી છે, એટલું જ નહીં આ માટે દરેક શાળાને વાર્ષિક ₹૬૦૦૦ લેખે ગ્રાન્ટ આપવામાં આવે છે જ્યારે જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ ધરાવતી દરેક શાળાને વાર્ષિક ₹૧૦,૦૦૦ લેખે ગ્રાન્ટ આપવામાં આવે છે, તેવું શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતુ.

કુબેરભાઈ ડિંડોરે વધુમાં કહ્યું હતુ કે, સમગ્ર શિક્ષા કચેરી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં રાજ્યની ૭૮૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં અને ૩૧૦ સરકારી માધ્યમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાન લેબ આપવામાં આવેલી છે. હાલમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ૧૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તેમજ ૯૦૦ સરકારી માધ્યમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાન લેબ આપવાની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવશે.

વર્ષ વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ રાજ્યમાં ધોરણ ૧ થી ૧૨ માં ૬૧૮૪ શાળાઓને કોમ્પ્યુટર લેબની સગવડો પૂરી પાડવામાં આવી છે. જામનગર જિલ્લામાં ૧૧૧ તેમજ દેવભૂમિ દ્વારકામાં ૬૦ શાળાઓને કોમ્પ્યુટર લેબ સગવડો પૂરી પાડવામાં આવી છે. સ્કૂલ ઓફ એકસલન્સ અંતર્ગત જામનગર જિલ્લાની ૨૪ પ્રાથમિક શાળાઓ અને દેવભૂમિ દ્વારકા ની ૧૫ પ્રાથમિક શાળાઓમાં ગણિત વિજ્ઞાન લેબ આપવામાં આવનાર છે. ૧૫ નંગ કોમ્પ્યુટર નેટવર્ક સાથે ૧૫ નંગ કોમ્પ્યુટર ટેબલ, ૩૦ નંગ ખુરશી તેમજ ઇન્ટરનેટ માટે ૬૦૦૦ રૂપિયા આપવામાં આવે છે.

Most Popular

To Top