SURAT

PM મોદી દ્વારા દેશમાં 7 પીએમ મિત્રા પાર્કને મંજૂરી અપાઇ, એક પાર્ક સુરતના આ વિસ્તારમાં બનશે

સુરત: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા આજરોજ દેશની અતિ મહત્વની યોજનાઓમાંથી એક પીએમ મિત્રા પાર્ક (PM Mitra Park) યોજના હેઠળ સાત રાજ્યોમાં પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક (Mega Textile Park) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. દેશના આ સાત રાજ્યોમાં ગુજરાત (Gujarat), મહારાષ્ટ્ર (Maharashtra), ઉત્તર પ્રદેશ (UP), મધ્ય પ્રદેશ (MP), તામિલનાડુ (Tamilnadu), તેલંગાણા (Talangana) અને કર્ણાટકા (Karnataka) નો સમાવેશ થાય છે. વડાપ્રધાને કરેલી જાહેરાત મુજબ ગુજરાતમાં સુરત (Surat) પાસે આવેલા નવસારીના (Navsari) વાસી – બોરસી (VasiBorsi) ખાતે એક પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવામાં આવશે.

  • દક્ષિણ ગુજરાતના વેપાર–ઉદ્યોગ વતિ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલ, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરવામાં આવે છે : ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર દક્ષિણ ગુજરાતનો કાપડ ઉદ્યોગ સુરત નજીક પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્કને મંજૂરીની જાહેરાતની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો. હવે આ પાર્ક સુરત પાસે નવસારી ખાતે સ્થપાયા બાદ સુરતનો કાપડ ઉદ્યોગ વાયુવેગે આગળ વધશે, જેનાથી સુરતની વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી થશે. ગત વર્ષે પીએમ મિત્રા પાર્કની યોજના જાહેર કરાઇ હતી ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.

આથી સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર – ઉદ્યોગ વતિ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલ (Piyush Goyal), કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ (Darshna Jardosh) , ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) અને ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ (CRPatil)નો હૃદયપૂર્વક આભાર વ્યકત કરવામાં આવે છે તેમ વધુમાં ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું.

તમને જણાવી દઈએકે બજેટમાં ટેક્સટાઈલ પાર્ક અંગે જાહેરાત થયા બાદ સુરતમાં મેગા પાર્કની કમિટીના આગેવાનો દ્વારા જમીનની (Land) શોધ શરૂ કરાઈ હતી. આ યોજનાની મુખ્ય શરતમાં 1000 એકર જમીનની જોગવાઇ હોવાથી આગેવાનો દ્વારા ઓલપાડના મૂળદ, નવસારીના વાસી-બોરસી, સચીન જીઆઇડીસી નજીક ઉંબેર-તલંગપોર અને હાંસોટ તાલુકામાં વમલેશ્વર-કન્ટીયાજાળમાં જમીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તથા આ મામલે સુરત, નવસારી અને ભરૂચ કલેકટરનો સહયોગ પણ મેળવવામાં આવ્યો હતો. આખરે નવસારીના વાસી બોરસીની જમીન પર પસંદગી ઉતારવામાં આવી હતી. હવે વડાપ્રધાનની મંજૂરી બાદ વાસી બોરસીમાં ટેક્સટાઈલ પાર્ક બનાવવાનો માર્ગ મોકળો થયો છે.

Most Popular

To Top