Gujarat

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમવાર ગુજરાતમાં આવ્યા: ગાંધી આશ્રમમાં ચરખો પણ કાંત્યો

અમદાવાદ: ભારતના રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે આજે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તેઓ અમદાવાદના (Ahmedabad) સાબરમતી ગાંધી આશ્રમની(Sabarmati Gandhi Ashram) મુલાકાત લીધી હતી. આ દરમિયાન મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના ચિત્રને સુતરનો હાર પહેરાવી વંદના કરી હતી, તથા ગાંધી આશ્રમમાં ચરખો પણ કાંત્યો હતો. આ ઉપરાંત ગાંધી આશ્રમમાં બાપુના જ્યાં રહેતા હતા તે હ્રદયકુંજ સહિતના સ્થળોની મુલાકાત લઈ ગાંધીજીના જીવન અંગેની માહિતી મેળવી હતી તેમજ ગાંધી આશ્રમમાં સંગ્રહ કરવામાં આવેલી બાપુની ચીજવસ્તુઓને પણ ઝીણવટપૂર્વક નિહાળી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન વિઝિટર બુકમાં લખ્યું હતું કે, સાબરમતીના સંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમિ પર આવી મારામાં અલગ શ્રદ્ધા અને પ્રેરણાનું સંચાર થાય છે. લાંબા સમય સુધી સ્વાધીનતા સંગ્રામનું કેન્દ્ર રહેલા આ પરિસરમાં મને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. આ પરિસરમાં પૂજ્ય બાપુના અસાધારણ જીવનની અનમોલ ધરોહરને સાચવવામાં આવી છે, જેના કારણે હું સાબરમતી આશ્રમની જાળવણી માટે સંકળાયેલા તમામ લોકો માટે મારી પ્રશંસા વ્યક્ત કરું છું.

બૃહદ આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મૉડલને નિહાળીને જાણકારી મેળવી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાત્મા ગાંધીના જીવન અને આઝાદી આંદોલનના સંઘર્ષને દર્શાવતા આર્કાઇવ પ્રદર્શનને નિહાળ્યું હતું. સાથોસાથ બૃહદ આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મૉડલને નિહાળીને જાણકારી મેળવી હતી. સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અમૃત મોદી સહિત અનેક અગ્રણીએ રાષ્ટ્રપતિને ગાંધી આશ્રમ અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે જાણકારી આપી હતી.

Most Popular

To Top