ટ્રમ્પના સાથી સાંસદોએ રજૂ કર્યું નવું બિલ
અમેરિકામાં વિદેશી કામદારો માટે મહત્વપૂર્ણ ગણાતા H-1B વિઝા પ્રોગ્રામ અંગે મોટો ફેરફાર થવાની શક્યતા ઊભી થઈ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trumpના સહયોગી રિપબ્લિકન સાંસદોએ “End H-1B Visa Abuse Act of 2026” નામનું નવું બિલ રજૂ કર્યું છે, જેમાં H-1B વિઝા ઇશ્યુ પ્રક્રિયાને આગામી 3 વર્ષ માટે સ્થગિત કરવાની પ્રસ્તાવના સામેલ છે.
આ બિલનો મુખ્ય હેતુ અમેરિકન નાગરિકોને રોજગાર ક્ષેત્રમાં પ્રાથમિકતા આપવાનો અને વિદેશી કર્મચારીઓના ઉપયોગને નિયંત્રિત કરવાનો હોવાનું જણાવાયું છે. વર્ષનું H-1B વિઝા કોટા 65,000થી ઘટાડીને 25,000 કરવાનો પ્રસ્તાવ છે ,નવા બિલ અનુસાર હાલમાં દર વર્ષે આપવામાં આવતા 65,000 H-1B વિઝાને ઘટાડીને માત્ર 25,000 સુધી મર્યાદિત કરવાની વાત છે. ઉપરાંત અત્યાર સુધી ઉપલબ્ધ રહેલા કેટલાક ખાસ એક્ઝેમ્પશન પણ દૂર કરવાની યોજના છે.
લોટરી સિસ્ટમ બદલે પગાર આધારિત પસંદગી પ્રક્રિયા
હાલની લોટરી સિસ્ટમને દૂર કરીને પગાર આધારિત પસંદગી સિસ્ટમ લાવવામાં આવશે. નવા નિયમો મુજબ H-1B વિઝા માટે ઓછામાં ઓછો 2 લાખ ડોલર (લગભગ ₹1.6 કરોડ) વાર્ષિક પગાર ફરજિયાત રાખવાનો પ્રસ્તાવ છે.
અમેરિકન કર્મચારીઓ ન મળ્યા હોવાનો પુરાવો ફરજિયાત
બિલ મુજબ કંપનીઓએ H-1B વિઝા માટે અરજી કરતા પહેલા એ સાબિત કરવું પડશે કે: યોગ્ય અમેરિકન કર્મચારી ઉપલબ્ધ નથી, તાજેતરમાં કંપનીએ સ્થાનિક કર્મચારીઓની છટણી કરી નથી, આ નિયમો દ્વારા સ્થાનિક રોજગારીને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
H-1B વિઝા ધારકો પર વધુ નિયંત્રણનો પ્રસ્તાવ
પ્રસ્તાવિત કડક નિયમો મુજબ:
H-1B કર્મચારીઓને એકથી વધુ નોકરી રાખવા પ્રતિબંધ
ત્રીજા પક્ષની સ્ટાફિંગ એજન્સીઓ મારફતે નોકરી પર પ્રતિબંધ
H-1B ધારકોને પરિવાર સાથે અમેરિકા લાવવા પર પ્રતિબંધ
OPT (Optional Practical Training) પ્રોગ્રામ બંધ કરવાની સૂચના
H-1Bથી ગ્રીન કાર્ડ તરફ જવાની પ્રક્રિયા પર પણ રોક લગાવવાની વાત
જેવા મહત્વપૂર્ણ ફેરફારો સામેલ છે.
“અમેરિકન કામદારોને પ્રાથમિકતા” – રિપબ્લિકન નેતાઓનું નિવેદન
બિલ રજૂ કરનાર સાંસદોના જણાવ્યા મુજબ H-1B સિસ્ટમનો ઉપયોગ મોટા કોર્પોરેટ દ્વારા સસ્તા વિદેશી મજૂરો માટે થતો રહ્યો છે, જેના કારણે અમેરિકન નાગરિકોની રોજગારી પર અસર પડી છે. આ બિલ દ્વારા સ્થાનિક લોકોને રોજગાર સુરક્ષા મળશે એવી દલીલ કરવામાં આવી છે.
ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડી શકે અસર
જો આ બિલ પસાર થાય તો ખાસ કરીને ભારતીય IT અને ટેક પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરી મેળવવી મુશ્કેલ બની શકે છે, કારણ કે H-1B વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ લાભ ભારતના ટેક ક્ષેત્રના કર્મચારીઓને મળે છે.