Comments

પ્રજાના અવાજને દબાવીને કોઈ રાજ લાંબુ ટકે નહીં

રવિવારે લેખ પૂરો કરતાં પહેલાં આ પ્રશ્નો પૂછ્યા હતા: કેમ કેટલાક લોકો હોંશભેર પોતાની અંગત જિંદગીની મોકળાશ, પોતાની જમાપૂંજી, પોતાની સંપત્તિ, પોતાની પુત્રીની સ્વતંત્રતા અને પોતાનાં સંતાનોનું ભવિષ્ય ’કોઈક’ની વેદી ઉપર હોમી દે છે?

એ કોઈક કોણ છે? એ કોઈક શું કહે છે? એ કોઈક શું કરે છે? એ કોઈક શું કરવાનું તમને કહે છે? એ કોઈક કોના માટે કામ કરે છે? એ કોઈકનું અવતરણ કેવી રીતે થયું, કોણે કર્યું અને કેવી રીતે થયું?

એ ‘કોઈક’ અવતારી પુરુષ ભાસે છે, શક્તિશાળી ભાસે છે, દરેક બીમારીનો આખરી અને એક માત્ર ઈલાજ ભાસે છે; પણ હકીકતમાં એ આમાંનું કાંઈ જ નથી. એની પાસે આપવા માટે કાંઈ જ નથી સિવાય કે સપનાંઓ, વાયદાઓ, દુશ્મનો વિશેનો ભય, ઓળખોના આધારે મહાન હોવાનો અહેસાસ, ઇતિહાસમાં થયેલા પરાજયોને યાદ કરાવીને કરાવવામાં આવતું રુદન, ‘અમે’ અને ‘બીજાઓ’ વચ્ચે રચવામાં આવતી દીવાલો, જેનું આર્થિક વળતર કાંઈ ન હોય અથવા નર્યું નુકસાન જ હોય એવી આંખ આંજી નાખનારી ભવ્ય યોજનાઓ, મહાલયો કે પૂતળાંઓ વગેરે વગેરે ઘણું. પ્રશ્ન એ છે કે શા માટે આવું આજે બની રહ્યું છે? અને જો આજે એ બનવું જરૂરી હતું તો પચીસ વરસ પહેલાં આવું કેમ નહોતું બનતું?

ત્યારે કેમ તે જરૂરી નહોતું લાગ્યું? ત્યારે તો ‘ગ્લોબલ વિલેજ’, વસુધૈવ કુટુંબકમ્’, બહુરત્ના વસુંધરા’, ‘વર્લ્ડ ઈઝ ફ્લેટ’ ‘ધ એન્ડ ઓફ હિસ્ટરી’ની વાતો થતી હતી. આધેડ ઉંમરનાં વાચકોએ એ યુગ જોયો હશે અને આજે જે ભાષામાં બોલી રહ્યા છે તેનાથી બિલકુલ બીજા છેડાની ભાષામાં ત્યારે તેઓ બોલતા હતા. ત્યારે સરહદરહિત વિશ્વની વાતો થતી હતી.

સરહદ માત્ર વહીવટી સુગમતા પૂરતી હોવી જોઈએ, બાકી તેનો અંત આવી જવો જોઈએ ત્યારે ‘સાર્ક’ જેવા સેંકડો બ્લોક્સ રચાયા હતા અને ‘સહકાર’ જાણે કે જીવનમંત્ર હતો. બાપુઓ પણ પાકિસ્તાનમાં કથા કરીને સેતુઓ રચવા માંગતા હતા. ટૂંકમાં સર્વત્ર સેતુઓનો જયજયકાર થતો હતો. યાદ હશે એ દિવસો.

બીજું, આવું માત્ર ભારતમાં જ નથી બની રહ્યું, જગત આખામાં બની રહ્યું છે અને જે દેશો બચ્યા છે ત્યાં પણ તેનો ભય સેવાય છે. લગભગ એક સરખી સ્થિતિ છે. તો પછી અચાનક આવું કેમ બન્યું? એવું નથી કે અત્યારના શાસકો જે તરકીબ વાપરી રહ્યા છે એ બધી તરકીબોની ત્યારે જગતને જાણ નહોતી. શાસકો એ જાણતા હતા અને કેટલાક તેનો ઉપયોગ પણ કરતા હતા, પરંતુ પ્રજા સામુહિકપણે અને વૈશ્વિક સ્તરે તેના પ્રભાવમાં નહોતી આવતી. 

તો પછી આત્યારે આવું કેમ? કારણ એ છે કે અત્યારે શાસકો પ્રજાને ઠોસ કાંઈ આપી શકે એમ નથી. ‘અ-સરકારી અસરકારી’ના નામે રાજ્યે પોતાની શક્તિ ક્ષીણ કરી નાખી છે. રાજ્ય પાસે આપવા માટે હવે કાંઈ જ નથી. રાજ્ય વૃકોદરોના કબજામાં છે. આ હકીકતને છૂપાવવા માટે શાસકોને શક્તિશાળી બતાવવામાં આવે છે. સુજ્ઞ વાચક, આ ફરક સમજવાની કોશિશ કરજે. શાસકો શક્તિશાળી છે અને રાજ્ય નબળું છે.

મૂળ શક્તિનો સ્રોત રાજ્ય છે, પણ રાજ્ય નિર્બળ છે એટલે શાસકો શક્તિશાળી હોવાનો દેખાવ કરે છે. લાલબહાદુર શાસ્ત્રી આપણા અત્યારના વડા પ્રધાનની તુલનામાં ઘણા નિર્બળ હતા અને છતાં તેઓ યશસ્વી વડા પ્રધાન તરીકે ઓળખાય છે કારણ કે રાજ્ય શક્તિશાળી હતું. પી. વી. નરસિંહ રાવની તો નરેન્દ્ર મોદી સાથે કોઈ વાતે તુલના ન થઈ શકે એટલી હદે તેજોરહિત હતા અને છતાં તેઓ દેશનું નસીબ બદલી શક્યા કારણ કે રાજ્ય શક્તિશાળી હતું.

તેમણે અપનાવેલા માર્ગને કારણે ભારત રાજ્ય નબળું પડ્યું એ જુદી વાત છે, પરંતુ તેમને શક્તિશાળી રાજ્ય મળ્યું હતું એટલે તેઓ દેશનો ચહેરો બદલી શક્યા. અમેરિકાની વાત કરીએ તો અમેરિકન રાજ્ય જ્યારે શક્તિશાળી હતું ત્યારે જ્યોર્જ બુશ જેવા નબળા પ્રમુખો પણ નિર્ણાયક કદમ ઉઠાવી શકતા હતા અને અત્યારે રાજ્ય નબળું છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા જોકરના એલફેલ બકવાસને કેટલાક મૂરખ અમેરિકનો અમેરિકાની તાકાત તરીકે જોતા હતા. ટ્રમ્પના સમર્થકો વર્તમાન અમેરિકન પ્રમુખ જૉ બાયડનના વિવેકને અમેરિકાની નિર્બળતા તરીકે જોઈ રહ્યા છે જે રીતે આપણે ડૉ. મનમોહનસિંહના વિવેકને અને સ્વસ્થતાને મૂલવી રહ્યા છીએ.

તો કસરત રાજ્યની અશક્તિને છૂપાવવાની છે અને એ છૂપાવવા માટે શાસકોને શક્તિશાળી, નિર્ણાયક, અવતારપુરુષ, જાદુગર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. તેઓ અર્થતંત્રને બેઠું કરી શકતા નથી. તેઓ યુવાનોને રોજગારી અપાવી શકતા નથી. તેઓ એવો કોઈ વિચાર કે વિકલ્પ આપી શકતા નથી જેના તરફ દુનિયાએ ધરાર નજર કરવી પડે.

તેઓ બેન્કોના ખોટાં થયેલાં ધિરાણને વસૂલ કરાવી શકતા નથી. તેઓ ફુગાવો નિયંત્રિત કરી શકતા નથી. આનું કારણ એ છે કે રાજ્ય નબળું છે જે શક્તિનો મૂળ સ્રોત છે. શક્તિ ત્યાંથી આવે છે જે શાસકો ભોગવે છે. માટે લાલબહાદુર શાસ્ત્રી અને પી. વી. નરસિંહરાવ આંજી દે એવી પ્રતિભા વિનાના નિર્બળ હોવા છતાં પણ સફળ થયા હતા.

રાજ્યની અશક્તિને છૂપાવવા માટે શાસકોને શક્તિશાળી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે જેથી પ્રજાને એમ લાગે કે આપણે નિર્બળ નથી. આપણે શક્તિશાળી છીએ કારણ કે આપણો રાજા શક્તિશાળી છે. આ ભ્રમ પેદા કરવા માટે અને તેને ટકાવી રાખવા માટે મબલખ પૈસાની જરૂર પડે. મબલખ એટલે તમે જેટલી કલ્પના કરી શકો એટલા પ્રમાણમાં મબલખ.

જે શાસક ખરેખર શક્તિશાળી હોય એ વિરોધીઓથી ડરતા નથી, ટીકાથી ડરતા નથી, સવાલોથી ડરતા નથી, સ્વતંત્ર મીડિયાથી ડરતા નથી, લોકસભામાં પૂછાતા સવાલોથી ડરતા નથી, ચર્ચાથી ડરતા નથી, પ્રતિસ્પર્ધી વિરોધ પક્ષથી ડરતા નથી, સ્વતંત્ર લોકતાંત્રિક સંસ્થાઓથી ડરતા નથી, અમર્ત્ય સેન, અરુણ શૌરી કે રઘુરામ રાજન જેવા પ્રતિભાશાળી લોકોથી ડરતા નથી. આ સિવાય શાસકોને શક્તિશાળી રાજ્યની મદદ મળે છે. જો તરભાણું ખાલી ન હોય તો ડરવાનું ઓછું રહે.

વૃકોદરોનો એજન્ડા છે કે રાજ્ય અશક્ત રહે અને વધુ ને વધુ અશક્ત થતું રહે કે જેથી ખેડૂતોની જમીન પડાવી શકાય. નાગરિકની આરોગ્યથી લઈને બીજી અનેક પ્રકારની લાચારીઓનો વેપાર કરી શકાય. માત્ર લોકો ભ્રમમાં રહે એ માટે શાસક શક્તિશાળી દેખાવો જોઈએ. આવું જગત આખામાં આજે બની રહ્યું છે.

આ સ્થિતિ જોઇને એક સમયે મુક્ત બજારનાં ઓવારણાં લેનારા ફ્રાન્સીસ ફાકુયામાએ કહ્યું છે કે સમાજવાદ પાછો આવશે. રાજ્યને ફરી સશક્ત બનાવવું પડશે નહીં તો ગરીબ લોકો રખડી પડશે અને તેમને ન્યાય નહીં મળે.

હવે વિશ્વપ્રસિદ્ધ વિચાર-પત્ર ‘ધ ઈકોનોમિસ્ટ’ની તાજા ૬ માર્ચના અંકની કવર સ્ટોરી કહે છે, ‘બાઉન્સિંગ બૅક: અ વેલ્ફેર સ્ટેટ ફૉર ધ પૉસ્ટ-કોવિડ વર્લ્ડ.’ સામયિક કહે છે કે વેલ્ફેર સ્ટેટ (કલ્યાણ રાજ્ય) પાછું આવશે અને અને એ પણ જોરદારપણે. બીજો છૂટકો જ નથી.

અમેરિકામાં નવા પ્રમુખ જૉ બાયડને ગરીબોને અને નિમ્ન મધ્યમ વર્ગને મોટી રાહતો આપીને કલ્યાણ રાજ્ય લાગુ કરવા માંડ્યું છે. બાયડન શ્વેત ખ્રિસ્તીઓની સર્વોપરિતામાં માનનારા જમણેરી પ્રતિક્રિયાવાદી અમેરિકનોની નજરે નબળા છે અને ટ્રમ્પ શક્તિશાળી છે. એમ લાગે છે કે આવો હાસ્યાસ્પદ ખેલ હવે એક દાયકાથી વધુ લાંબો ચાલી શકે એમ નથી. પ્રજાકીય અવાજોને સાંભળનારા, ન્યાય આપનારા સંવેદનશીલ કલ્યાણ રાજ્યના ભણકારા સંભળાઈ રહ્યા છે.      

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top