Editorial

સરકાર નહીં સમજે તો પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની આગ તેને જ દઝાડશે

છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ ભારતીયોની જાણે દશા બેસી જવા પામી છે. એક તરફ નોટબંધી, જીએસટીને કારણે ધંધામાં મંદી હતી ત્યાં કોરોનાએ કમર ભાંગી નાખી. એક વર્ષ સુધી સતત કોરોનાને કારણે તકલીફો સહન કરવામાંથી માંડ ઉગર્યા ત્યાં લોકોને હવે પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો રાડ પડાવી રહ્યો છે. દેશમાં આજે ભાગ્યે જ એવા વ્યક્તિઓ છે કે જે પેટ્રોલ-ડિઝલનો ઉપયોગ કરતાં નથી કે પેટ્રોલ-ડિઝલનો ઉપયોગ કરતાં વાહનોમાં ફરતાં નથી.

પેટ્રોલ-ડિઝલના વધતાં ભાવોની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર દરેક ક્ષેત્ર પર થાય છે. દરેક ક્ષેત્રમાં મોંઘવારી વધે છે અને તેનો ભોગ સરેરાશ ભારતીય બને છે. છેલ્લા ઘણાં સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવો વધતાં જ રહ્યાં છે. આ એવો સમય હતો કે જ્યારે ક્રુડ ઓઈલ ઓછા ભાવે મળતટું હતું અને હવે ક્રુડ ઓઈલના ભાવો વધી રહ્યાં છે ત્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવો લોકોને દઝાડશે તે નક્કી છે.

સામાન્ય રીતે લોકોને મોંઘવારીમાંથી બચાવવાની જવાબદારી સરકારોની છે. પછી તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર. ભૂતકાળમાં મોરારજી દેસાઈ વડાપ્રધાન હતાં ત્યારે દેશમાં સોંઘવારી લઈ આવ્યાં હતાં. મનમોહનસિંહના સમયમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવો પર અંકુશ રાખવામાં આવ્યો હતો.

અગાઉ પેટ્રોલ અને ડિઝલના ભાવો વૈશ્વિક બજારો પ્રમાણે નક્કી કરવામાં આવતાં નહોતાં. બાદમાં આ ભાવોને કારણે સરકારને અબજો રૂપિયાના હુંડિયામણની ખોટ જઈ રહી હોવાનો મુદ્દો રજૂ કરીને પેટ્રોલ અને ડિઝલના ભાવોને આંતરરાષ્ટ્રીય બજારો પ્રમાણે નક્કી કરવામાં આવ્યાં. એવું મનાતું હતું કે પેટ્રોલ અને ડિઝલના ભાવો પરનો અંકુશ દૂર કરવાથી ભાવો ઘટશે પરંતુ તેનાથી ઉલ્ટું જ થયું અને ભાવ વધી ગયાં.

હાલમાં પેટ્રોલનો જે મુળ ભાવ છે તે હાલના ભાવ કરતાં 63 ટકા જ છે. જ્યારે તેની પર 16 ટકા કેન્દ્ર સરકારનો ટેક્સ, 18 ટકા રાજ્ય સરકારનો ટેક્સ અને 3 ટકા ડિલરનું કમિશન ચૂકવવામાં આવે છે. આ જોતાં લોકો પેટ્રોલ-ડિઝલ પર તેની મૂળ કિંમત ઉપરાંત 37 ટકા ટેક્સ જ ચૂકવે છે.

જો આ ટેક્સ નાબુદ કરી દેવામાં આવે તો પેટ્રોલ-ડિઝલ ખુબ જ સસ્તું થઈ શકે છે. એવી પણ માંગણી કરવામાં આવી છે કે પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ લઈ આવવામાં આવે. જો પેટ્રોલ અને ડિઝલ જીએસટી હેઠળ આવે તો તેની પરનો ટેક્સ લોકોને પરત મળી શકે તેમ છે, પરંતુ સરકારો પેટ્રોલ અને ડિઝલ પરના ટેક્સની અબજો કરોડો રૂપિયાની રકમ પોતાની પાસે રાખવા માંગે છે અને તે કારણે જ સરકાર તેને જીએસટીમાં લાવતી નથી.

દેશની પ્રજા આમ પણ હાલમાં અનેક પ્રકારના માર સહન કરી રહી છે. આ સંજોગોમાં સરકારોની એ જવાબદારી બને છે કે લોકોને પેટ્રોલ-ડિઝલના કમરતોડ ભાવ વધારામાંથી બચાવે. ભૂતકાળમાં જ્યારે પણ ક્રુડ ઓઈલના ભાવો ઘટ્યાં છે ત્યારે સરકારે ડ્યુટીઓ વધારીને ભારતમાં ભાવો ઘટવા દીધા નથી.

ત્યારે હવે સરકારે જો ક્રુડ ઓઈલના ભાવો વધે તો ડ્યુટી ઘટાડીને ભાવો પર અંકુશ જાળવી રાખવો જોઈએ. પેટ્રોલ-ડિઝલના ભાવો હાલના જ વધારાને કારણે લીટરે રૂપિયા 100ની નજીક પહોંચી ગયા છે. જો આમ જ રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ 200 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી જાય તો નવાઈ નહીં હોય. સરકારે જો નહીં સમજે અને જો લોકોનો પૂણ્યપ્રકોપ જાગશે તો પરિસ્થિતિ અઘરી બનશે તે નક્કી જ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top