SURAT

વડાપ્રધાને સુરતના 1922 પરિવારોનું સપનું સાકાર કર્યું!

સુરત(Surat): દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય. આ સપનું સાકાર કરવા માટે તે રાત દિવસ મહેનત કરતા હોય છે, તેમ છતાં ઘણીવાર લોકો આ સપનું પુરું કરી શકતા નથી. આજે આવા 1922 લોકોનું ઘરના ઘરનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) પુરું કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (PradhanMantriAwasYojana) હેઠળ સુરત મનપા (SMC) દ્વારા બાંધવામાં આવેલા 1922 આવાસોની ચાવી તેમના માલિકોને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં સોંપવામાં આવી હતી.

  • સુરત મનપાના 1922 આવાસોનું ઈ લોકાર્પણ કરાયું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપી

ગુજરાતમાં 2993 કરોડના ખર્ચે કુલ 1,31,45 આવાસનું નિર્માણ અને ખાતમુહૂર્તનો ઈ લોકાર્પણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. મુખ્ય કાર્યક્રમ ડીસામાં હતો, જ્યાં વડાપ્રધાને વર્ચ્યુઅલી હાજરી આપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત સુરતના 10 વિધાનસભા વિસ્તારમાં કુલ 1922 આવાસનું નિર્માણ થયું છે. તેનો વર્ચ્યુઅલ ઈ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પાલનપુર જકાત નાકા સેવન સ્ટેપ સ્કુલની બાજુમાં રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આવાસોનું ઈ લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરત મનપાના શાસકો અને અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને આવાસની ચાવી સોંપવામાં આવી હતી.

આ આવાસોનું ઈ લોકાર્પણ કરાયું
ભીમરાડ ગામમાં સિદ્ધી એલીપ્સ પાસે ઈડબ્લ્યુએસ 44 સુમન સ્મિતના 928 આવાસ, ઉત્રાણ અંડર પાસ પાસે ઈડબ્લ્યુએસ 55 સુમન સ્મિતના 324 આવાસ, ઉગત ભેંસાણ કેનાલ રોડ પર સેવન સ્ટેપ સ્કુલની બાજુમાં ઈડબ્લ્યુએસ 55 સુમન સ્મિતના 670 આવાસ મળી કુલ 1922 આવાસનું ઈ લોકાર્પણ કરાયું.

સુરતમાં પીએમવાય યોજના હેઠળ કુલ 26,404 આવાસ બન્યા
વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. આજદીન સુધીમાં આ યોજના હેઠળ સુરત મનપા દ્વારા કુલ 29,876 આવાસ મંજુર કરાયા છે, જે પૈકી 26,404 આવાસનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. જ્યારે 3,472 આવાસના નિર્માણની કામગીરી ચાલી રહી છે. આ યોજના થકી અંદાજે દોઢ લાખ જેટલા ગરીબોને આવાસ યોજનાનો લાભ મળશે.

Most Popular

To Top