ગુજરાતમાં રાજકીય સત્તા સ્થાને બિરાજવા માટે નિર્ણાયક ખેડૂતોની સ્થિતિ દયનીય કેમ ..?

ગુજરાતનાં છેલ્લાં 30 વર્ષોનું શાસન જોઈએ તો ભાજપ સરકારનું જ રહ્યું છે અને આ શાસનમાં ભાજપે હંમેશા ગુજરાતનું ફુલગુલાબી ચિત્ર જ રજૂ કર્યું છે.બીજા શબ્દોમાં કહીએ તો ભારત અને વિશ્વ સમક્ષ એવા ગુજરાત મોડેલનો પ્રચાર કર્યો છે કે જે ખરેખર ગુજરાતની પ્રજાએ ક્યારેય જોયો જ નથી કે અનુભવ્યો જ નથી.

ગુજરાતમાં રાજકીય સત્તા સ્થાને બિરાજવા માટે નિર્ણાયક ખેડૂતોની સ્થિતિ દયનીય કેમ ..?

કોઈ પણ દેશ કે રાજ્યમાં વિકાસનો પાયો હંમેશા છેવાડાના માનવીને ધ્યાને રાખીને નંખાય છે,પણ ગુજરાતમાં કે ગુજરાત મોડેલમાં જે વિકાસની પરિભાષા ઘડાઈ હતી એમાં ક્યાંક છેવાડાના માનવીનો જ અભાવ હોય એવું લાગે છે.

ગુજરાતના નહિ, ભારતનાં લોકો વર્ષોથી વાંચતાં આવ્યાં છે કે ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂત જગતનો તાત એટલે કે જગતપિતા છે,પણ કહેવાતા ગુજરાત મોડેલમાં કે ગુજરાતના વિકાસમાં માત્ર છેલ્લાં 15 વર્ષોમાં ખેડૂતો,બીજા શબ્દોમાં કહીએ તો જગતના તાતની સ્થિતિ સારી નથી. હાલની ગુજરાત સરકાર કે ભાજપ સરકાર આ વાતનો સ્વીકાર કરે કે ન કરે, પણ વાસ્તવિકતાના આંકડા તો એ જ બૂમો પાડી રહ્યા છે.

ગુજરાતમાં ખેડૂતોના વિકાસ માટે ભૂતકાળના કેટલાક આંકડા તપાસીએ તો ખ્યાલ આવે છે કે ગુજરાતના ખેડૂતો માટે અંદાજે 27 અબજથી પણ વધુ રકમનો પાક વીમો કેન્દ્રે ખેડૂતો માટે ફાળવ્યો હતો. ભારે દુષ્કાળ અને પાણીની અછત અનુભવતા સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં કેન્દ્ર સરકારે પાકવીમો મંજૂર કર્યો હતો. કુલ 27 અબજમાંથી સાડા તેર અબજ જેટલી રકમ સૌરાષ્ટ્રના સાત જિલ્લાના અંદાજે અઢી લાખ ખેડૂતોને ફાળવી હતી.

સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાને 30 લાખ, દેવભૂમિ દ્વારકાને 29 કરોડ, જામનગર જિલ્લાને 16 કરોડ, જૂનાગઢ જિલ્લાને 300 કરોડ, મોરબી જિલ્લાને 177 કરોડ,  પોરબંદર જિલ્લાને 191 કરોડ તથા રાજકોટ જિલ્લાને 366 કરોડની રકમ ફાળવવામાં આવી હતી.આજે આ વાતને ઘણો સમય વીતી ગયો છે ત્યારે દરેક જિલ્લાના ખેડૂતને જઈને પૂછો કે એમના જિલ્લામાં ફાળવાયેલી પાક વીમાની રકમમાંથી એમને કેટલી મળી અને કેટલો ફાયદો થયો તો જવાબ નકારમાં જ મળશે.

ચાલો પાક-વીમાની વાત જવા દઈએ, ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ શું છે? કેવી છે એ જાણવા આપણે  કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વર્ષ 2017 નો ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સના અહેવાલના અહેવાલને આધાર બનાવી એનો અભ્યાસ કરીએ તો કદાચ સ્થિતિનો ખ્યાલ આવશે કે ગુજરાત રાજ્યમાં 58.72 લાખ ગ્રામીણ પરિવારોમાંથી 66.9 ટકા ખેતી સાથે જોડાયેલાં છે.

આ ખેડૂત પરિવારો પૈકીના 43 ટકા ખેડૂતો દેવામાં છે.આંકડાઓને ચકાસતાં જાણવા મળે છે કે ગુજરાતના 39.31 લાખ ખેડૂતોમાંથી 16.74 લાખ દેવામાં છે અને આ તો જૂના એટલે કે આજે 2021 ના ત્રણ વર્ષ પહેલાંના આંકડા છે. હાલ શું સ્થિતિ હશે એ તો તમે આ આંકડાના આધારે જ કલ્પી લો.

હવે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિને ગુજરાતના વિકાસ દરના પરિમાણમાં સમજવી જોઈએ. ગુજરાતના વિકાસ દર પ્રમાણે જોઈએ તો રાજ્યમાં વર્ષ 2002 થી વર્ષ 2011 સુધી 5 થી 6 ટકાનો વિકાસ દર રહ્યો હતો.આ સમય દરમિયાન ગુજરાતે ખૂબ જ પ્રગતિ કરી જેમાં ખેતીની પ્રગતિનો પણ સમાવેશ થાય છે.

આ સમય દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થયો હતો અને ખેતીના ક્ષેત્રમાં સરકાર તેમજ ખેડૂતોએ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું.સારા વરસાદની સ્થિતિમાં પણ ખેતીનો મદાર ગ્રાઉન્ડ વૉટર પર હતો. જ્યારે દુષ્કાળની સ્થિતિ સર્જાય ત્યારે ખરું ચિત્ર સામે આવે છે.ગુજરાતમાં દુષ્કાળ વખતે આપણે જોયું કે પહેલાં સરકારનું વલણ એવું હતું કે યોગ્ય નીતિઓના કારણે ખેતીનો વિકાસ થયો છે, જ્યારે હકીકતે તેના મૂળમાં સારો વરસાદ અને ખેતીમાં રોકાણ જવાબદાર હતાં.

ખેડૂતો માટે મૂળ પ્રશ્ન પાણીની વાત કરીએ તો ગુજરાતમાં ભાજપ સરકાર આવી ત્યારથી નર્મદા અંગે નિતનવા દાવાઓ કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે આજેય નર્મદા કેનાલનું કામ અધૂરું છે. ગુજરાતના ખેડૂતો પાણી માટે સિંચાઈ પર જ નિર્ભર છે.ખેડૂતો દેવાદાર બન્યા તેનાં કારણોમાં દુષ્કાળની સ્થિતિ, પાકના ઓછા ભાવ અને નર્મદાની કેનાલનું અધૂરું કામ અને સરકારની અન્ય નીતિઓ જવાબદાર છે.

ગુજરાતમાં ખેડૂતોએ લીધેલી લૉનમાં સૌથી વધારે દેવું પાક લૉનનું છે.અહેવાલમાં પ્રકાશિત આંકડા મુજબ રાજ્યમાં જે 34.94 લાખ ખેડૂત પરિવારોએ લૉન લીધી હતી તેમાંથી 29.50 લાખ પરિવારોએ પાક લૉન લીધી હતી.ખેડૂતો બેન્કલોન લે એ પછી એની ચુકવણી પણ ચિંતા અને ચિંતનનો વિષય છે,કેમકે ખેડૂતો પાસે લોન ચુકવણીનો એક જ રસ્તો હોય છે અને એ છે એમના પાકની ઉપજ,પણ ગુજરાતમાં હજી સુધી ટેકાના ભાવો યોગ્ય રીતે મળતા નથી.

ખેડૂતોએ લીધેલી લૉન કરતાં પાકના મળતા ઓછા કે અપૂરતા ભાવને કારણે ખેડૂતનું દેવું દર વર્ષે વધે છે.પરિણામે દેવાના ડુંગરમાંથી બહાર આવવા માટે ખેડૂતને ઊભો પાક સમય પહેલાં ઓછા ભાવે વેચવો પડે તેના કારણે ખેડૂત વધારે દેવામાં ડૂબે છે.

આ ઉપરાંત ઘણી વખત એવું પણ થાય છે કે ઘણાં વર્ષો એવાં આવે છે જ્યારે દિવાળી વહેલી આવે ત્યારે ખેડૂતોએ પોતાનો જીવનનિર્વાહ કરવા માટે પરિવારને સાચવવા માટે સસ્તા ભાવે વેપારીઓને પાક વેચવો પડે છે.આવા સંજોગોમાં ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ થાય છે.

ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ અહેવાલ મુજબ વર્ષ 2012 ની જુલાઈથી વર્ષ 2013 ના જૂન સુધી ગુજરાતમાં ખેડૂતોનો એવરેજ માસિક ખર્ચ 2250 રૂપિયા સામે આવક 5773 રૂપિયા છે.દેશમાં સૌથી વધુ આવક પંજાબના ખેડૂતો મેળવે છે.પંજાબના ખેડૂતો માસિક 11,768ના એવરેજ ખર્ચ સામે માસિક 28,117 રૂપિયાની આવક મેળવે છે.જ્યારે હરિયાણાના ખેડૂતો માસિક 6,228 રૂપિયાના ખર્ચ સામે 17,144 રૂપિયા આવક મેળવે છે.આજે આજ ખેડૂતો આટલી આવક હોવા છતાં આંદોલનના માર્ગે છે.

ખેર મૂળ મુદ્દાની વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાતમાં વિકાસ થયો હશે,પણ ખેડૂતોને એ વિકાસના વાયરા વાયા નથી.અરે, વાયરા વાવાની વાત દૂર રહી, ગુજરાતના ખેડૂતોને વિકાસની વાસ્તવિક વ્યાખ્યાનો પણ કદાચ ખ્યાલ નથી.

  • આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts