National

દિલ્હી પોલીસનો દાવો- જાતીય શોષણ સાબિત કરવા માટે રેસલર્સે રજૂ કરેલા પુરાવા પૂરતા નથી

નવી દિલ્હી: રેસલર્સો (Wrestlers) છેલ્લા કેટલાય સમયથી ધરણા પર બેઠા છે અને WFIનાં પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણની ધરપકડની માગ કરી રહ્યાં છે. આ મામલે પોલીસે (Police) બ્રિજ ભૂષણ પર આરોપ મૂકનાર મહિલા રેસલર્સો પાસેથી તેઓ સાથે થયેલી જાતીય સતામણીના ફોટા અને ઓડિયો ચેટ રજૂ કરવા કહ્યું હતું. જેનાં આધારે છ મહિલા રેસલર્સમાંથી ચાર રેસલર્સે ઑડિયો અને વિઝ્યુઅલ પુરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. જ્યારે બે મહિલા રેસલર, એક આંતરરાષ્ટ્રીય રેફરી અને રાજ્ય સ્તરના કોચે પોલીસ સમક્ષ રેસલર્સના સમર્થનમાં પોતાની વાત મૂકી હતી. જેના આધારે પોલીસ 15 જૂન સુધીમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે. ત્યારે હવે દિલ્હી પોલીસે કહ્યું છે કે બ્રિજભૂષણ સામેના તેમના આરોપોને સાબિત કરવા માટે રેસલર્સે પૂરતા પુરાવા આપ્યા નથી.

ત્યારે હવે આવતી કાલે હરિયાણા બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેના કારણે રાજ્યમાં તમામ રસ્તાઓ, ટ્રેનો બંધ રહેશે જેના કારણે દિલ્હીમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે શાકભાજી અને ફળોનો સપ્લાય ન થશે. WFIની ચૂંટણી 4 જુલાઈના રોજ થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મહેશ મિત્તલ કુમારને ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાણકારી મળી આવી છે કે હરિયાણામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઓપી ધનખર અધ્યક્ષ પદના ઉમેદવાર હોઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

રેસલર વિનેશ ફોગાટે બ્રિજભૂષણ અને રેસલર્સ વિવાદ અંગે કહ્યું કે અમે 15 જૂને ચાર્જશીટ કરાય તેની રાહ જોઈ રહ્યા છીએ. આ પછી અમે આંદોલનને લઈને એક મોટી જાહેરાત કરીશું. જણાવી દઈએ કે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે થોડા દિવસો પહેલાં કુસ્તીબાજો સાથે વાત કરી હતી. જેમાં ખાતરી આપવામાં આવી હતી કે આ કેસની ચાર્જશીટ 15મી જૂને રજૂ કરવામાં આવશે.

જે સગીર મહિલા રેસલર્સે બ્રિજભૂષણ અગે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી તેણે પોતાનું બીજું નિવેદન નોંધાવ્યું છે જેમાં તેણે ક્યાંક પણ જાતીય સતામણીનો ઉલ્લેખ કર્યો નથી. સગીર મહિલા રેસલર્સે બ્રિજભૂષણ પર માત્ર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. સગીર મહિલા રેસલર્સના પિતાએ જણાવ્યું હતું કે ગુસ્સામાં આવીને જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પોલીસ સગીર રેસલરના કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરી શકે છે. 

Most Popular

To Top