Dakshin Gujarat

નવસારીમાં દરગાહવાલા હોલના સંચાલકની ધોળે દિવસે ચપ્પુના ઘા મારી હત્યા

નવસારી : નવસારીમાં (Navsari) ત્રણ ઇસમોએ મોપેડ પર આવી દરગાહવાલા હોલના સંચાલકને ઉપરા-ઉપરી ચપ્પુના ઘા મારી હત્યા (Murder) કરી નાસી ગયા હતા. જ્યારે દરગાહવાલા હોલની જગ્યાની વહેચણી બાબતે મનદુઃખ થતા સબંધી ભાગીદારે જ માણસો મોકલાવી હત્યા કરાવી હોવાનો આક્ષેપ સાથે મૃતકના મોટા ભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) ફરિયાદ નોંધાવી છે.

નવસારીમાં દરગાહ રોડ મોટી દરગાહ પાસે પરિવાર સાથે રહેતા સાહિદઅલી લીયાકતઅલી સૈયદ (ઉ.વ. 46) છેલ્લા 15 વર્ષથી નવસારી કેરશાપ્સ રોડ શારદા સ્ટ્રીટ પાસે આવેલા દરગાહવાલા હોલનું સંચાલન કરતા હતા. સાહિદઅલી સાથે મુસ્લીમુદ્દીન સદરુદ્દીન દરગાહવાલા, સલાઉદ્દીન સદરુદ્દીન દરગાહવાલા, તાજોદિન સદરુદ્દીન દરગાહવાલા, જાફરશા સદરુદ્દીન દરગાહવાલા અને આશીફ યુસુફઅલી દરગાહવાલા ભાગીદાર હતા.

ગુરૂવારે સવારે સાહિદઅલી તેમની મોપેડ લઇ દરગાહવાલા હોલ પર ગયા હતા. જ્યાં તેમણે હોલના ગેટની અંદર મોપેડ પાર્ક કરી ઉભા રહ્યા હતા. ત્યારે તેમની પાછળ ત્રણ ઈસમો મોપેડ પર આવ્યા હતા. જેમાંથી બે ઇસમોએ મોપેડ પરથી ઉતરી હોલની અંદર ઉભેલા સાહિદઅલી પાસે જઈ એક ઇસમે સાહિદઅલીને પાછળથી પકડી રાખી બીજા ઇસમે ઉપર-ઉપરી ચપ્પુના ઘા મારવા લાગ્યા હતા. ત્યારે સાહિદઅલીએ બુમો પાડતા હોલની અંદર ઉભેલા માણસો દોડી આવતા હત્યારાઓ નાસી ગયા હતા. જોકે હોલના માણસોએ સાહિદઅલીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સાહિદઅલીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે નવસારી ટાઉન પોલીસ, એલ.સી.બી. પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલમાં પહોંચી ગયો હતો.

પાંચ ભાઈઓ વચ્ચે જગ્યાની વહેચણીને લઈ બાબતે તિરાડ પડી હતી
આ ઘટના અંગે મૃતક સાહિદઅલીના મોટા ભાઈ ઈમરાનભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કરેલા આક્ષેપો મુજબ, દરગાહવાલા હોલની જગ્યા આશરે 50 હજાર સ્કે. ફૂટની છે. જે જગ્યા વહેચણી બાબતે છેલ્લા એક વર્ષથી 5 ભાઈઓ અને ભાગીદારોમાં મનદુઃખ થતા બે ભાગ પડી ગયા હતા. જેમાં એક તરફે મુસ્લીમુદીન, સલાઉદ્દીન અને તાજોદ્દીન છે. અને બીજા તરફે જાફરશા અને આશીફ યુસુફઅલી છે. દરગાહવાલા હોલની જમીનની વહેચણી બાબતે તેમજ સ્થળ વહેચણી સમયે મુસ્લીમુદીન દરગાહવાલા તથા જાફરશા હાજર હતા. ત્યારે મુસ્લીમુદીન અને જાફરશાએ સાહિદઅલી સાથે ઝઘડો કરી જાફરશાએ સાહિદઅલીને તમાચો મારી દીધો હતો. તેમજ ધમકી આપી હતી કે, તું આ ત્રણેય જણનો ચમચો થાય છે જેથી હું તને ઠેકાણે પાડી દઈશ.

ત્યારબાદ સાહિદઅલી, મુસ્લીમુદીન, સલાઉદીન અને તાજોદીનને વોટ્સએપ મેસેજથી ધમકી ભર્યા મેસેજો કર્યા હતા. જે બાબતે નવસારી ટાઉન પોલીસ મથકે અરજી કરતા બંને વચ્ચે અંદર-અંદર સમાધાન થયું હતું. ગત ઓક્ટોબર 2021માં દરગાહવાલા હોલની જગ્યાની અંદર-અંદર વહેચણી થઇ ગઈ હતી. જેમાં બે ભાગ પડ્યા હતા. પ્રથમ પક્ષવાળાને 60 ટકા અને બીજા પક્ષવાળાને 40 ટકા પ્રમાણે વહેચણી થઇ હતી. ત્યારબાદ બંને પક્ષે પોતપોતાના ભાગે આવેલી જગ્યામાં તાર ખુટાનું કમ્પાઉન્ડ કર્યું હતું. જેમાં પ્રથમ પક્ષવાળાઓની જગ્યામાં મેરેજ હોલ આવેલો હતો. જે મેરેજ હોલનું સંચાલન તથા દેખરેખ સાહિદઅલી કરતા હતા. બીજા પક્ષના જાફરશા અમેરિકા જતા રહ્યા હતા. એક મહિના અગાઉ જ જાફરશા પરત આવ્યા હતા અને તેઓએ તેમના હિસ્સાની 40 ટકા જમીન વેચાણ કરી દીધી હતી.

આ રીતે હત્યાને અંજામ અપાયો
નવસારી : દરગાહવાલા હોલની સામે આવેલી સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા જોતા સાહિદઅલી પહેલા તેમની મોપેડ ઉપર ગેટની અંદર ગયા હતા. તેના તુરંત બાદ જ અન્ય ત્રણ ઈસમો સફેદ રંગની મોપેડ આવી મોપેડ પર ચાલક બહાર ઉભો રહ્યો હતો. અને પાછળ બેસેલા બે ઈસમો ગેટની અંદર જઈ સાહિદઅલીને ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. જે પૈકી એક ઇસમ મોપેડ પર બેસી ભાગી ગયો હતો. જયારે અન્ય એક ઇસમ હોલની સામે આવેલી સોસાયટીમાંથી ભાગી જતા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જે સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top