Vadodara

પોલીસની નિષ્ફળતા : 12 દિવસ થયા છતાં હરીની કોઈ કડી ન મળી

વડોદરા :   વરણામા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયેલા હરી સિંધીની માતા તથા પત્ની પણ હવે ગાયબ થયા છે. ત્યારે જિલ્લા પોલીસ હવે હરીની પાછળ તો ઠીક તેની પત્ની અને માતા પાછળ પણ પડી ગઈ છે. જોકે હવે તેવું પણ માનવામાં આવી રહ્યું છે કે, હરીએ તેની પત્ની અને માતાને તેની પાસે બોલાવી લીધા છે. ત્યારે જિલ્લા પોલીસ સહિત શહેર પોલીસની ટીમો તેઓને પકડવા હવાતિયાં મારી રહી છે. કુખ્યાત બૂટલેગર હરી સિંધી વરણામા પોલીસની કસ્ટડીમાંથી ગત તા.6એ વહેલી સવારમાં ફરાર થઈ ગયો હતો. ત્યારે હરીના વરણામા પોલીસ સ્ટેશન આવવાથી લઈને ફરાર થવા સુધી તે ષડયંત્ર અલ્પુ સિંધીએ રચી તેના ખાસ માણસ કમલેશ ઉર્ફે પપ્પુ ડાવર દ્વારા પાર પડાયુ હતુ. જેમાં કમલેશ તેની સાથે અન્ય બે માણસોને લઈને આવ્યો હતો. અને હરીને લઈને તેઓ વરણામા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે તે અન્ય બે માણસો કોણ હતુ. તે પણ હજી સુધી પોલીસ જાણી શકી નથી.

 આ બનાવને 12 દિવસ ઉપરાંત થઈ ગયા છે. પરંતુ હરીની કોઈ પણ નાનામાં નાની કડી જિલ્લા કે શહેર પોલીસની એક પણ ટીમ મેળવી શકી નથી. બીજી બાજુ હરી વરણામા પોલીસની સ્ટેશનથી પહેલા તેના ઘરે ગયો હતો. જોકે આ વાત અગાઉ પણ ચર્ચામાં આવી ચુકી છે કે, હરીને તેની પત્નીએ ફરાર થવાને લઈ ખુબ રોક્યો હતો. પણ તે માન્યો ન હતો. જે વાત પોલીસ માટે ખુબ અગત્યની હતી. બીજી બાજુ પોલીસ માટે તેના પરીવાર પર પણ નજર રાખવાની ખુબ જરૂર હતી. ત્યારે જિલ્લા પોલીસની નિષ્કાળજીના કારણે હવે હરીની પત્ની અને તેની માતા પણ ક્યાંક ગાયબ થઈ ગયા છે. જોકે પોલીસ દ્વારા તેઓ પર ખાસ નજર રાખવામાં આવતી તો હરી સુધી પહોંચવાની કોઈ કડી મળી જાત.

Most Popular

To Top