Vadodara

દુકાનને સીલ મારવા મુદ્દે તંત્ર અવઢવમાં

વડોદરા : વડોદરા શહેરના નવાબજારમાં વેપારીની દુકાન સિલ મારવાના મામલામાં કેટલાક ચોક્કસ વ્યક્તિઓના બનેલ સંગઠન દ્વારા ધર્મના નામે ઈરાદા પૂર્વક રૂપિયા પડાવવાનો ગોરખધંધો ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી વેપારીની દુકાન સિલ હોવાથી વેપારી લાચાર તો થયો છે. પરંતુ ન્યાય મળશેની આશા જીવંત બનાવી રાખી છે. વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જમીન મિલ્કત ફેરબદલીના થતા ખરીદ વેચાણના સોદામાં વચેટીયાઓ તરીકે રાજકીય પીઠબળ ધરાવતા કેટલાક અસંતુષ્ટ તત્વો વેપારી પાસેથી અમુક રકમની માંગણી કરે છે. વેપારી માની જાય તો ઠીક અને ના માને તો તેના વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી વેપારીને હેરાન પરેશાન કરે છે.

આવું જ કઈંક નવાબજારમાં દુકાન ધરાવતા વેપારી હુસેનભાઈ સાથે બન્યું છે. તેમણે સિંધી વેપારી પાસેથી દુકાન ખરીદ કરી હતી. જે બાદ તેમની પાસે કેટલાક વ્યક્તિઓએ રૂ.5 લાખની માંગણી કરી પરંતુ તેઓ નહીં માનતા પોતાના આકા કહેવાતા રાજકીય પીઠબળના કહેવાથી તેમની દુકાનને સિલ મરાવી દીધી હતી પરંતુ વેપારી હુસેનભાઈ તંત્રના ન્યાય પર પૂરો વિશ્વાસ ધરાવતા હોવાથી આજે પણ તેમણે પોતાની લઢત ચાલુ રાખી છે. બીજી તરફ દુકાનને સિલ કેમ મારી તે બાબતે સ્થાનિક વોર્ડ કચેરીના એએમસી સહિત વોર્ડ ઓફિસર પણ અવઢવમાં છે.

વેપારી હુસેનભાઈને તંત્ર તરફથી મળેલ સૂચના મુજબ તેમણે કાગળ કાર્યવાહી કરી હતી અને કહ્યા મુજબ દુકાનનું સિલ ખોલ્યું હતું પરંતુ જેના પેટમાં તેલ રેડાયું હતું તે અસંતુષ્ટ વ્યક્તિઓ દ્વારા પુનઃ દુકાનને સિલ મારી દેવાઈ છે. હુસેનભાઈએ આ બાબતે સીટી પોલીસ મથકમાં પણ અરજી આપી હતી કે કેટલાક વ્યક્તિઓ મારી પાસે રૂપિયાની માંગણી કરી રહ્યા છે જે વ્યક્તિઓને હું ઓળખતો નથી. બીજી તરફ વેપારીઓને બાનમાં લઈ રૂપિયા પડાવતા ગોરખધંધાનો પર્દાફાશ ‘ગુજરાતમિત્ર’ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં પોતાનું નામ ઝંડે ચઢશે તેવા ભય સાથે કેટલાકના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અને પોતાના આકાઓ સાથે મળી કહ્યા મુજબ મહોલ્લા બેઠક શરૂ કરી હતી.જોકે હાલ વેપારીએ પણ લઢી લેવાનું અક્કડ વલણ અપનાવી લીધું છે અને રૂપિયા આપવા માંગતા ન હોય ન્યાયિક રીતે જે થતું હશે તે માટે વિવિધ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. જ્યારે સોમવારે વેપારી હુસેનભાઈને વોર્ડ કચેરીમાં આ મામલે બોલાવ્યા છે તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે વોર્ડ ઓફિસરની સંકલનની ચર્ચાઓ ચાલી હોવાની માહિતી મળવા પામી હતી.

Most Popular

To Top