Gujarat

જૂનાગઢ: પીએમ મોદીએ કહ્યું છેલ્લા 20 વર્ષમાં માછલીનું એક્સપોર્ટ સાત ગણું વધ્યું

જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસીય ગુજરાતની (Gujarat) મુલાકાત આવી પહોંચ્યા છે. ગાંધીનગર (Gandhinagar) બાદ પીએમ મોદી જૂનાગઢ (Junagadh) પહોંચ્યા હતા. પીએમ મોદીના હસ્તે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાને રૂપિયા 4155 કરોડના વિકાસના કામોની ભેટ આપવામાં આવી છે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. પીએમ મોદીએ ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરતા રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ જૂનાગઢમાં કાર્યક્રમને સંબોધન જય ગિરનારી કહી કહ્યું હતું. તેમણે જૂનાગઢની ધરતીને સિંહની ધરતી અને નરસિંહની ધરતી તરીકે ગણાવી હતી. તેમણે કહ્યું કે જ્યાં જ્યાં નજર પહોંચે જાણે આશીર્વાદની ગંગા વહી રહી છે. તેમણે કહ્યું કે તમારા આશીર્વાદના કારણે મારી છાતી ગજ ગજ ફૂલે છે. તેમણે કહ્યું કે આજે ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. જૂનાગઢની મીઠી કેરીના વખાણ કરતા કહ્યુું કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પહોંચી છે. તેમણે કહ્યું કે જે દરિયાને આપણે મુસીબત સમજી રહ્યા હતા તે જ આજે મહેનતના ફળ આપે છે. છેલ્લા 20 વર્ષમાં માછલીનું એક્સપોર્ટ સાત ગણું વધી ગયું છે. તેમણે કહ્યું કે આજે ત્રણ ફિશિંગ હાર્બર વિકસિત કરવાનો શિલાન્યાસ થયો છે

રાજ્ય સરકારે હાલમાં જ વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફત આપવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે પીએમ મોદીએ રાજ્ય સરકારના આ નિર્ણયના બદલ ભૂપેન્દ્ર પટેલની સરકારે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગાંધીનગર ખાતે આજે કરેલી શિક્ષણનીતિની ચર્ચા જૂનાગઢમાં પણ કરી હતી. તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયાના કારણે ગામડામાં પણ ભણવાનું શક્ય બન્યું છે. આ પહેલા ભારતમાં મોબાઈલ ફોન બનાવવાના બે કારખાના હતા, આજે 200 કરતા વધારે છે.

પીએમ મોદીએ સંબોધનની સાથે સાથે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોઈપણ સારું થાય, ગુજરાત પ્રગતિ કરે તો તેમના પેટમાં ઉંદરડા દોડવા લાગે છે. તેમણે કહ્યું કે ગુજરાત અને ગુજરાતીઓને ગાળો આપ્યા વિના કેટલાક રાજકીય પક્ષોની રાજકીય વિચારધાર જ અધૂરી રહે છે. આ બધાની સામે ગુજરાતે લાલ આંખ કરવાની જરૂર છે. હવે ગુજરાતનું અને ગુજરાતીનું અપમાન ગુજરાતની ધરા સહન નહીં કરે.

Most Popular

To Top