National

PM મોદીને મળ્યા ઉદ્ધવ ઠાકરે, કહ્યું- પાકિસ્તાની PM નહીં પોતાના દેશના વડાપ્રધાનને મળ્યા છે, તેમાં ખોટું શું છે?

નવી દિલ્હી: (Delhi) મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ (Udhdhav Thakre) મંગળવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નિવાસસ્થાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે બેઠક યોજી હતી. બેઠક (Meeting) બાદ ઉદ્ધવે પીએમ સાથે એક અલગ બેઠક પણ કરી હતી, જેના માટે ઘણા રાજકીય તર્કવિતર્ક લગાડવામાં આવી રહ્યા છે. આ અંગે નિવેદન આપતાં ઉદ્ધવે કહ્યું કે તેઓ પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને નહીં પરંતુ તેમના દેશનાં વડા પ્રધાન સાથે મુલાકાત કરી રહ્યા છે અને આમાં કાંઈ ખોટું નથી.

પીએમ મોદી સાથે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મરાઠા આરક્ષણ મામલે, કોરોના સંકટ અને તાઉતે વાવાઝોડાને કારણે થયેલાં નુકસાન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર અને કેબિનેટ મંત્રી અશોક ચવ્હાણ પણ હાજર હતા, પરંતુ આ પછી ઉદ્ધવ 10 મિનિટ માટે અલગથી વડા પ્રધાનને પણ મળ્યા, જેના માટે ઘણા રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઉદ્ધવે જણાવ્યુ હતું કે વડાપ્રધાને અમારા દરેક મુદ્દાને ધ્યાનથી સાંભળ્યા છે અને ગંભીરતા સાથે વિચાર કરવાની વાત જણાવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતું કે વડાપ્રધાન મોદી સાથે મરાઠા અનામત, રાજનીતિક અનામત, મેટ્રો શેડ, GST કલેકશન,ક્રોપ ઇન્શ્યોરન્સ, સાઈક્લોન સહિતના અન્ય મુદાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

વડા પ્રધાન સાથેની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રની સમસ્યાઓ રાખી હતી અને વાતચીત ખૂબ સકારાત્મક વાતાવરણમાં થઈ હતી. પીએમ મોદી સાથેની એક અલગ બેઠક પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘અમે ભલે રાજકીય રીતે સાથે ન હોઈએ પણ તેનો અર્થ એ નથી કે અમારો સંબંધ તૂટી ગયો છે. હું કોઈ નવાઝ શરીફને મળવા નથી ગયો. તેથી જો હું પીએમને અલગથી મળીશ તો તેમાં કંઈપણ ખોટું ન હોવું જોઈએ.

ઉદ્ધવ ઠાકરેએ રસી નીતિમાં પરિવર્તન બદલ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો. ઉદ્ધવે કહ્યું, ‘અમારે 18-44 વર્ષની વય જૂથના 6 કરોડ લોકોને રસી આપવા માટે 12 કરોડ ડોઝની જરૂર હતી. અમે પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નથી કારણ કે પૂરતો અને સ્થિર પુરવઠો નથી. પ્રધાનમંત્રીએ કેન્દ્ર પર રસીકરણની તમામ જવાબદારી લીધી છે, તેથી અમે તેમનો આભાર માનવા માંગીએ છીએ અને આશા રાખીએ કે અડચણો હવે દૂર થઈ જશે અને દરેકને વહેલી તકે રસી આપવામાં આવશે.

Most Popular

To Top