National

PM મોદીએ ભાજપના 44મા સ્થાપના દિવસે આપ્યો સંદેશ, કહ્યું- ભારત દેશ હનુમાનજી જેટલો જ શક્તિશાળી

નવી દિલ્હી: (New Delhi) આજે ભારતીય જનતા પાર્ટી (BJP) તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ભારતીય જનતા પાર્ટીના (BJP) કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે તેઓ ભારત માતાની સેવામાં સમર્પિત દરેક બીજેપી કાર્યકર્તાને અભિનંદન પાઠવે છે. ભાજપની શરૂઆતથી લઈને આજ સુધી હું એ તમામ મહાન વ્યક્તિઓને નમન કરું છું જેમણે પોતાના લોહી અને પરસેવાથી પાર્ટીને સુંદર બનાવી છે, દેશને સશક્ત કર્યો છે અને કરોડો લોકોનો અવાજ ઉઠાવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે ભાજપ હનુમાનજી (Hanuman Ji) પાસેથી પ્રેરણા લઈને કામ કરે છે.

ભારત હનુમાનજી જેટલો જ શક્તિશાળી છે પરંતુ 2014 પહેલા તેને પોતાની ક્ષમતાનો ખ્યાલ નહોતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના 44મા સ્થાપના દિવસ પર પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા આ વાત કહી. તેમણે કહ્યું કે આજે ભારત તેની તાકાતને જાણે છે અને ઓળખે છે. વડા પ્રધાને હનુમાન જયંતિ અને ભાજપના સ્થાપના દિવસને જોડીને એવી વાત પ્રસ્તુત કરી કે ભાજપના કાર્યકર્તાઓ ખુશ થઈ ઊઠ્યાં. બજરંગબલીની શક્તિઓને યાદ કરતાં તેમણે કહ્યું કે ભારત પણ એ જ હનુમાન છે જેમને 2014 પહેલા તેની શક્તિનો અહેસાસ નહોતો થયો. આજે પોતાની શક્તિઓને ઓળખીને ભારત સફળતાની સીડી ચઢી રહ્યું છે. તેમણે હનુમાનજીની જીવનકથાને તેમની સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાન સાથે પણ જોડી. પીએમએ ભ્રષ્ટાચારીઓને રાક્ષસો સાથે સરખાવતા કહ્યું કે હનુમાન જ્યારે સમયની જરૂર પડે ત્યારે તેટલા જ કઠોર બની જતા હતા.

ભાજપ હનુમાનજી પાસેથી પ્રેરણા લઈને કામ કરે છે
બીજેપી કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે લક્ષ્મણજી પર સંકટ આવ્યું ત્યારે હનુમાનજી આખો પર્વત ઊંચકીને લઈ આવ્યા હતા. આ પ્રેરણાથી ભાજપ પણ પરિણામ લાવવા માટે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહ્યું છે અને હમેશા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપ એ પાર્ટી છે જેના માટે દેશ હંમેશા સર્વોપરી રહ્યો છે. અમે એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. આજે ભાજપ વિકાસ અને વિશ્વાસનો પર્યાય છે. ભાજપ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે કામ કરી રહી છે. ભાજપની નીતિ સર્વસમાવેશક, સૌના હિત માટે છે.

Most Popular

To Top