Madhya Gujarat

આણંદની ડેડ કેનાલ પર દબાણો તૂટતા બિલ્ડર્સની પોલ ખુલી

શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રાવડાપુરાથી કરમસદ સુધી ડેડ કેનાલ પર માર્ગ બની રહ્યો છે. આ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ત્યારે કેટલીક જગ્યાએ દબાણો જોવા મળ્યાં હતાં. આ અંગે બુધવારના રોજ અવકૂડા, સિંચાઇ વિભાગ અને માર્ગ – મકાન વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી આ દબાણો દુર કરવામાં આવ્યાં હતાં. જેમાં બિલ્ડર્સ લોબી દ્વારા પ્રજા સાથે કરવામાં આવેલી છેતરપિંડી ખુલ્લી પડી હતી. બિલ્ડર્સ દ્વારા ડેટ કેનાલ પર ખુલ્લી જગ્યા બતાવી સોસાયટીવાસીઓ પાસેથી મોં માંગ્યા દામ વસુલ્યા છે. જે સોસાયટીના રહિશો હવે રાતાપાણીએ રડી રહ્યાં છે.

આણંદ શહેરના બિલ્ડર્સ લોબી દ્વારા તંત્રના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી અનેક પ્રકારના ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. તેમાં હવે લેન્ડ ગ્રેબીંગ જેવો ભયંકર ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. આણંદ શહેરના રાવડાપુરાથી કરમસદ સુધી માર્ગ બની રહ્યો છે. જેથી સૌરાષ્ટ્ર તરફ જતાં વાહનો શહેરમાં પ્રવેશવાના બદલે સીધા જ બારોબાર જઇ શકે અને ટ્રાફિક સમસ્યા હલ થાય. આથી, યુદ્ધના ધોરણે આ રસ્તાની કામગીરી ચાલી રહી છે. જોકે, તેમાં કેટલાક સ્થળે પાકા બાંધકામો જોવા મળ્યાં હતાં. જે સિંચાઇ વિભાગના ધ્યાને આવતા તેમને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

લાંભવેલથી બાકરોલ તરફ જતા ડેડ કેનાલના પટ્ટા પર બુધવારના રોજ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 39 જેટલા પાકા બાંધકામનો સમાવેશ થાય છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, દબાણો અન્ય કોઇ નહીં બિલ્ડર્સ લોબી દ્વારા જ કરવામાં આવ્યાં હતાં. બિલ્ડરોએ પોતાની નફાખોરી માટે ડેડ કેનાલની ખુલ્લી જગ્યા સોસાયટીવાસીઓને બતાવી મોં માંગ્યા દામ વસુલ્યાં છે. જે દબાણ હટાવ કામગીરી દરમિયાન પોલ ખુલ્લી પડી ગઈ હતી.
આણંદના રાવડાપુરાથી કરમસદ સુધી બંધ કેનાલ પર બની રહેલા નવા રોડ પરના દબાણો દુર કરવાની કામગીરી અવકૂડા, સિંચાઇ અને માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારીની હાજરીમાં દબાણ દુર કરવામાં આવ્યાં હતાં. જેમાં સવારથી લઇ સાંજ સુધીમાં ચારથી પાંચ કિલોમીટર વિસ્તારમાં 39 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં. જેમાં પાકા દબાણોનો પણ સમાવેશ થાય છે.

ડેડ કેનાલની જગ્યામાં કોમન પ્લોટ બતાવી રહિશોને ઉઠા ભણાવ્યાં
આણંદના બિલ્ડર્સ દ્વારા મુકાતી સ્કીમમાં ગોલમાલ હોય છે. જોકે, તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે પોલ ખુલ્લી પડે છે. અગાઉ લાંભવેલથી જનતા ચોકડી સુધી ડેડ કેનાલ પર દબાણ તોડતા સમયે પણ કેટલાક મકાન માલિકોને ખુલ્લી જગ્યા ગુમાવવી પડી હતી. આ જગ્યાએ તેઓને બિલ્ડરોએ વધારાની હોવાનું બતાવી અન્ય મકાન કરતા વધુ રકમ લીધી હતી. જોકે, આ જ મોડસ ઓપરેન્ડી હવે રાવડાપુરાથી કરમસદ સુધીની ડેડ કેનાલ પર પણ જોવા મળી છે. કેટલાક બિલ્ડરે તેમની સ્કીમના કોમ પ્લોટ ડેડ કેનાલ પર બતાવી ત્યાં બગીચા બનાવી રહિશોને ઉઠા ભણાવ્યાં છે. જે પોલ હવે ખુલ્લી પડી છે.

ક્યાંક શેડ તૂટ્યાં તો ક્યાંક મકાન જ રસ્તાને અડીને આવી ગયું
આણંદની ડેડ કેનાલ પર બિલ્ડર દ્વારા ભારે દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, આ સરકારી જમીન પર કરેલા દબાણો તેઓએ બારોબાર કરોડો રૂપિયામાં વેચી નફો ખિસ્સમાં નાંખી દીધો છે. હવે આ જગ્યા વાપરનારા રહિશોને ભોગવવાનો વખત આવ્યો છે. કેટલાક મકાનો ડેડ કેનાલની ધારોધાર જ આવી ગયા છે. કેટલાકની આસરી તુટી છે. ક્યાંક શેડ તુટ્યા છે.

Most Popular

To Top